ઇન્ડિયન વેસ્ટર્નની ડિમાન્ડ
અત્યારે બધે મંદીનો માહોલ છે. ફિલ્મ ઉદ્યોેગ પણ ઠંડા કોલસો જેમ શિયાળાની જમાવટ પહેલા જ ફરી રહ્યો છે. પ્રેક્ષકો થિએટરમાં જવા માટે ઉદાસીન છે. નિર્માતાઓ નવું સાહસ ખેડતા પહેલા બહુ વિચારે છે. મુંબઇ ફિલ્મ ઉદ્યોગમાં મોટે ભાગે ગુજરાતીઓનું રોકાણ હોય છે. મુંબઇ, સુરત, રાજકોટ અને અમદાવાદના ગુજરાતી રોકાણકારોના હાથ અત્યારે તંગ છે. સ્મોલ બજેટ ફિલ્મોનો યુગ મધ્યાહને પહોચી રહ્યો છે. નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મે પરંપરાગત ફિલ્મબજારની બુનિયાદ તોડી નાંખી છે.
લોકોને અચાનક સિરીઝમાં વધુ રસ પાડવા લાગ્યો છે. હપ્તાવાર એપિસોડ ધરાવતી સિરીઝ અને શોર્ટ ફિલ્મો એમ માત્ર બે પ્રકારો જ જોવાય છે. ફીચર ફિલ્મો ક્રાઇસીસનો સામનો કરી રહી છે. આવા સમયે ભારતીય ફિલ્મક્ષેત્રમાં એક મોટી તક છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને સરવાળે ભારતને પણ ફાયદો થાય એવી એક તક રાહ જોઈ રહી છે. તે તક એટલે વેસ્ટર્ન કેટેગરીની ફિલ્મો.
વેસ્ટર્ન કેટેગરીની ફિલ્મો એટલે ઓગણીસમી સદીના સમયની ફિલ્મો. પશ્ચિમી દેશોમાં વેસ્ટર્ન ફિલ્મોનો એક બહોળો ઇતિહાસ છે. વેસ્ટર્ન ફિલ્મોને કારણે હોલીવુડના નામે ઓળખાતી ઇન્ડસ્ટ્રી વિશ્વપ્રસિદ્ધ બની છે. પહોળા સાથરાના ખુલ્લા મેદાનોના દ્રશ્યો, ધોમધખતો તડકો, ક્ષિતિજ પાસે દેખાતા ઊંચા ઊંચા પહાડો અને ખીણની જોખમી કરાડો, ઘોડા ઉપર આવતા કાઉબોય પરિધાનમાં સજ્જ પાત્રો, મોટી અને નાની બંદૂકો અને લાક્ષણિક પાર્શ્વસંગીત.
વેસ્ટર્ન કેટેગરીની ફિલ્મોની આ મુખ્ય ખાસિયતો છે. સમસ્ત જગત માટે વીસમી સદી શકવર્તી પલટાવ લાવનારી નીવડી છે. વીસમી સાદીની અતિનાટયાત્મકતાનો પાયો ઓગણીસની સદી દરમિયાન થયેલી અનેક ઘટનાઓએ નાંખ્યો છે. માટે ઓગણીસમી સદીના સાહિત્ય અને વાર્તાઓનું મહત્વ ઘણું છે. રસપ્રચુર સાહિત્યનો ખજાનો ઓગણીસમી સદીએ આપ્યો છે.
ભારતીય પાઠયપુસ્તકોના ઇતિહાસ વિભાગમાં મુખ્યત્વે વીસમી સદી ઉપર ભાર મુકાય છે. ગાંધીજીનો જન્મ ઇ.સ. ૧૮૬૯ માં થયો હતો આ હકીકત મોટાભાગના ભારતીયોનું ઓગણીસમી સદી સાથેનું એકમાત્ર અનુસંધાન હોય છે. પ્લાસીનું યુદ્ધ થયું હતું જેમાં મીરજાફર નામનો એક ભારતીય ગદ્દાર બનીને અંગ્રેજોના હાથે ફૂટી ગયો હતો. પ્લાસી અને બકસરના સંગ્રામ પછી જ ભારત ગુલામીકાળમાં ધકેલાવા મંડયો અને અંગ્રેજો વિજયપતાકા લહેરાવા લાગ્યા.
આ સમયગાળા પહેલાનો ઓગણીસમી સદીનો ભારતીય ઇતિહાસ બહુ જ રંગીન અને સમૃદ્ધ છે. અસલી અને અંગ્રેજોનો મેલો સ્પર્શ થયો તેની પહેલાના ભારતના દર્શન ઓગણીસમી સદીમાં થાય. જ્યારે મરાઠાઓ અને મુગલો વચ્ચે સતત યુદ્ધ ચાલુ હતા. પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને ડચ લોકો ભારત સાથે વેપાર કરવા માટે થનગનતા હતા. ભારતીય સંસ્કૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. મદારીઓ અને સાધુલોકોથી આ દેશ ભરચક હતો.
આપણે ત્યાં સન્યાસી પણ કેટલા બધા પ્રકારના. સાધુ, યતિ, વૈરાગી, બાવા, અઘોરી ઇત્યાદિ. દરેકના પંથ જુદા, દરેકની પદ્ધતિ જુદી. વિજ્ઞાાન સ્વીકારે નહીં અને સામાન્ય સમજ સાથે મેળ ખાય નહીં એવા ચમત્કારો અને પરાક્રમો આ સન્યાસી લોકો કરતા. અંગ્રેજો સામે લડવામાં ફક્ત ભણેલગણેલ સમાજસુધારકો જ હતા એ અર્ધસત્ય છે. સંન્યાસી લોકોએ પણ અંગ્રેજો સામે ખરાખરીના ખેલ ખેલ્યા છે. ઘણાં રજવાડાઓ ઉપર તો આવા જ કોઈ વૈરાગીનું રાજ ચાલતું હોય.
જ્યોતિષી વિના પાણી ગ્રહણ ન કરનારા રાજાઓ એ સમયે હતા. એ લોકો વચ્ચેની મુઠભેડ અને તે સમયનું રજવાડી રાજકારણ કઇંક અલગ જ હતું. ઓગણીસમી સદીએ વીસમી સદીનો પિંડ બાંધ્યો. ભારત પાસે એ દૌરની અઢળક વાર્તાઓ પડી છે. જેને સિત્તેર એમએમના પડદે લાવવાની જરૂર છે. ભારતના ભવ્ય ભૂતકાળથી દુનિયાને અચંબિત કરવાનો આ સારો મોકો છે. ભારતીય પ્રજા કથારસની ઘેલી છે અને આપણી પાસે રોમાંચક પારાવાર કથાલોક છે.
આપણે ધામક ફિલ્મો અને ામક સિરિયલો ઘણી બનાવી. આઝાદી પછીની ભારતીય ફિલ્મોમાં પ્રેમકહાની મુખ્ય રહી. હવે જુદા જુદા સામાજિક વિષયો કે સ્પોર્ટ્સ કે રાજકારણ ઉપર ફિલ્મો બની રહી છે. પીરીયડ ફિલ્મોના શોખીનો પણ ઠીકઠાક સંખ્યામાં છે.
વધુમાં, માયથોલોજી ઉપર આધુનિક એપ્રોચથી લખાયેલી ઘણી વાર્તાઓ પુસ્તક સ્વરૂપે ભારતમાં સફળ જઇ રહી છે. અમેરિકાએ હેરી પોટર જેવા અનેક કાલ્પનિક પાત્રોનું શરણું લેવું પડે છે જ્યારે આપણાં ઇતિહાસના પટારામાં આવા અનેક પાત્રો રાહ જોતા પડયા છે. એ પટારો ખોલવાની જરૂર છે.
લાલ કપ્તાન નામની એક ઇન્ડિયન વેસ્ટર્ન ફિલ્મ તાજેતરમાં આવી પણ તેની ખાસ નોંધ ન લેવાઈ. ભારતીય પ્રેક્ષકો હજુ આ પ્રકારની ફિલ્મથી ટેવાયેલા નથી. પરંતુ પ્રધાનમંત્રી જે રીતે ચોકીદાર નામની પોસ્ટને વિશેષણ બનાવી નાખે છે અને તેને પગલે અડધો દેશ મેં ભી ચોકીદાર એવા સૂત્રો પોકારતો થઈ જાય છે એ જ રીતે મદારી અને જાદુગરોના દેશ તરીકે ઓળખાતી આ ભૂમિનો જાદુ વિશ્વના ફલક ઉપર મુકાવો જોઈએ. ભારતને એનાથી ફાયદો છે. ભારતના માંદા અર્થતંત્રને તેના થકી જે ટોનિક મળ્યું તે ભલું.