ડિઝાસ્ટર મેનેજમેન્ટે રંગ રાખ્યો
કોઈ પણ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટના સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોની હાજરી રમતવીરને પાનો ચડાવતી હોય છે. જો પ્રેક્ષકોની હાજરી શૂન્ય હોય તો ખેલાડીના પરફોર્મન્સ ઉપર અચૂક અસર પડે. આવી જ સ્થિતિ ચૂંટણીના વર્ષમાં રાજકારણીઓની હોય છે. ચૂંટણીના વર્ષમાં સરકારની માનવસજત કે કુદરતી પરીક્ષા લેવાય તો એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે સરકાર ડબલ મહેનત કરતી હોય છે અને તેની સફળતાની નોંધ મીડિયા લે તેવી ગહન ઈચ્છા પણ ધરાવતી હોય છે.
ઓરિસ્સામાં ફેની ( સહુએ પોતપોતાની રીતે ઉચ્ચાર કર્યા છે, સાચો બંગાળી શબ્દ ફોની છે જે ભારતીય ભાષાકૂળના ફેણ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ફોની એટલે ફેણ અથવા સાપ, પરંતુ ફેની ઉચ્ચાર એના ખોટા ઈંગ્લિશ સ્પેલિંગને કારણે લોકખ્યાત થઈ ગયો છે ) વાવાઝોડું આવ્યું, લાખો લોકોનું સ્થળાંતર કરવું પડયું પણ મોટા પાયે જાનહાનિ થતાં રહી ગઈ. એક ખતરનાક ઝંઝાવાત ભારત પરથી અલ્પ પ્રભાવે પસાર થઈ જાય અને એનો શ્રેય ભારત સરકારને વૈશ્વિક સ્તરે મળે એ ઘટના નોંધપાત્ર છે.
આ બાબતનો શ્રેય ઓરિસ્સાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આંધ્રપ્રદેશના આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી, ઈસરો અને હજારો સ્વયંસેવકોને મળવો જોઈએ. યુનાઇટેડ નેશન્સમાં ફેની સામે લડવા માટે ભારત અને ભારત સરકારને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
ખેર, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની સરકાર ભારતનો જ એક ભાગ છે ને. પણ ભારતમાં જે કંઈ સારું થાય તેની ક્રેડિટ છેલ્લા પાંચેક વર્ષથી કોણ આંચકીને લઈ લે છે એ આપણે સૌ જાણીએ છીએ. ભારતીય ઉપખંડના પ્રાચીન હવામાનશા મુજબ આ ઘટનાઓ અથવા તો દુર્ઘટનાઓનું તોફાન સમજવા જેવું છે. હિમાલયની પર્વતમાળાને કારણે ભારતને ઉત્તર દિશાએ મોટાભાગે ઠંડક અને રક્ષણ મળેલું છે અને દક્ષિણ દિશા તરફથી આપણે રાવણના સમયથી સમયાંતરે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.
ફેની વાવાઝોડું હિંદ મહાસાગરમાં બંગાળના અખાતમાંથી ઉદભવ્યું છે. લો પ્રેશર ્સર્જાયું ત્યારથી ભારતના એટલે કે ઇસરોના સેટેલાઇટ દર પંદર મિનિટે ભારતના હવામાન ખાતાને બંગાળના ઉપસાગરમાં ફેનીની સ્થિતિ અને દિશા વિશે અપડેટ આપતા રહેતા હતા. આંધ્રપ્રદેશની સરકાર પણ ઓરિસ્સાની સરકાર સાથે ખભેખભા મિલાવી રહી હતી.
દક્ષિણમાંથી પોણા બસો કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને હજારો ઘર ઉડાડી દીધા. પરંતુ સમયસર પગલાં લેવાઈ ગયા હતા માટે હજારોની જાનહાનિ ટળી. દક્ષિણમાંથી આબોહવાના તોફાન સાથે સરકારે આ વર્ષે રાજકીય તોફાનનો પણ સામનો કરવાનો છે. અલબત્ત રાજકીય ચક્રવાત જ છે પણ રાહુલ ગાંધીની સૌથી સફળ ચૂંટણીરેલીઓ આ વખતે રાજસ્થાન પછી દક્ષિણ ભારતમાં થઈ છે.
રાહુલ ગાંધી હિન્દીમાં બોલે અને દુભાષિયા તેનું ભાષાંતર કન્નડ કે તમિલમાં કરતી વખતે વારંવાર ભૂલો કરે તો પણ રાહુલના ચહેરા ઉપર રહેતી સતત સ્માઈલ અને અણગમાના સદંતર અભાવે ઘણા દક્ષિણ ભારતીયોનું દિલ જીતી લીધું છે. ચોથા ધોરણમાં ભણતા બાળકને તેના શિક્ષિકા મેડમ ફોસલાવીને જે રીતે સવાલો પૂછે અને બાળક કાલીઘેલી ભાષામાં જવાબ આપે એવી જ શૈલીમાં છેલ્લા અઠવાડિયાથી મિસ્ટર મોદી જુદી જુદી ન્યૂઝ ચેનલ ઉપર ઇન્ટરવ્યુ આપી રહયા છે.
આ બિનરાજકીય એપ્રોચે લોકોમાં કુતુહલભાવના જગાવવાની સાથે ભરપૂર મનોરંજન પણ આપ્યું છે. આમ પણ ક્રિકેટ અને ફિલ્મોની દિવાની પ્રજાને મનોરંજન ખપતું હોય છે. પણ એમાં રાહુલ ગાંધી અને કન્હૈયા કુમાર દક્ષિણ દિશાનો પવન બની રહ્યા છે જે તરફ ઉત્તર ભારત કે ઉપરના અરધા ભારતનું ધ્યાન નથી.
મજાની વાત એ છે કે વરસાદની આગાહી કરવામાં નિષ્ફળ જતા હવામાન ખાતાની ઝાટકણી કાઢતા ઘણાં સમીક્ષકો ઓરિસ્સા અને આંધ્ર સરકારની સંયુક્ત કામગીરીને બિરદાવી શક્યા નથી. ફેની વાવાઝોડામાં દસથી બાર લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘરોની છત ઉડી ગઈ છે તેમ છતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ બહુ જ સારું થયું છે. તે માટે ઇસરોના ઇન્સેટ, સ્કેટસેટ અને આશનસેટ શ્રેણીના ઉપગ્રહોને સૌપ્રથમ ક્રેડિટ આપવી ઘટે.
ગત વર્ષના તિતલી વાવાઝોડા કરતા ફેની વાવાઝોડું વધુ શક્તિશાળી હતું અને ઓરિસ્સાની રાજ્યસરકારે સમય સૂચકતા દાખવવામાં કસર નથી છોડી. ભાજપના અને બીજા પક્ષના ઘણા નેતાઓની રેલી પણ આ કારણોસર રદ કરવી પડી છે. જેને આડફાયદો કહેવો કે આડનુકસાન એ ત્યાંની પ્રજા ઉપર છોડી દઈએ. અત્યારે ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારાની અને દિલ્હીની લોકસભાની સ્થિતિ જબરી કસોટીમાં છે. બંને પરીક્ષાઓ લડી રહેલા લડવૈયાઓની વિશ્વ પ્રશંસા કરે છે પણ આ કસોટી ઠંડી પડતાં થોડા દિવસો જશે. ત્રેવીસમીની સાંજ સુધીમાં તો બધાનું વાતાવરણ ફની રહે છે કે ફેની એનો પણ ખ્યાલ આવી જશે.