અખાતી યુદ્ધનાં ભણકારા
અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણાં લાંબા સમયથી ચાલ્યા આવતા સંઘર્ષનું ઈસુના નવા વર્ષમાં એકાએક જ પ્રત્યક્ષ સંકટમાં રૂપાંતર થયું છે. ઈરાનની એક વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીના મોતના સમાચારથી સનસનાટી મચી ગઈ અને પછી આંતરરાષ્ટ્રીય તખ્તા પર ઈરાન અને અમેરિકાએ સામસામી પણછ ખેંચી લીધી છે. બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી દળોએ કરેલા રોકેટ હુમલામાં આઠ લોકો માર્યા ગયા જેમાં કાસિમ સુલેમાની અને ઈરાન દ્વારા ફંડ અને પ્રોત્સાહન મેળવનાર મિલિશિયા પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સના કમાન્ડર અબુ મહેંદી અલ મુહન્દિશ પણ મોતને ઘાટ ઉતરી ગયા.
જો કે ત્યાર પછી પણ ઈરાને પોતાના ટેકેદારો દ્વારા ઈરાકમાં રહેલા અમેરિકી દૂતાવાસ પર રોકેટ દ્વારા હુમલો કર્યો છે. એ વાત હવે ગૌણ છે કે બન્ને પક્ષે પ્રારંભિક અથડામણમાં ખુવારી કેટલી થઈ છે પરંતુ કાસિમ સુલેમાની કે જે ખરેખર તો એક સાવ નાનકડા દળનો સૈનિક નેતા હતો એણે ઈરાનની સરકારે માર્યા પછી એટલો બધો મોટો આલેખી બતાવ્યો છે કે જાણે કે અમેરિકાએ વાઘ ન માર્યો હોય? ઈરાને આ વાતને જરૂર કરતા વધારે ગંભીરતાથી લીધી છે, કારણ કે ઈરાનમાં અમેરિકા સાથે યુદ્ધ કરવાની તત્પરતા પરાકાષ્ઠાએ છે.
જે રીતે પાકિસ્તાન, ભારત વિરોધી ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપે છે એ જ રીતે ઈરાન પણ પોતાની આસપાસના પ્રદેશોમાં અમેરિકા વિરોધી ઉગ્રવાદીઓને ફંડ અને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની જેમ જ ઈરાન પણ પરોક્ષ યુદ્ધનું નિષ્ણાત છે. પરંતુ અમેરિકી રાજદૂતાવાસ પર ઈરાને મોકલેલા ટોળાઓ પછી અમેરિકાએ ખુલ્લંખુલ્લા નિશાનબાજીની શરૂઆત કરી છે જેમાં પેલો કાસિમ સુલેમાની હણાયો છે.
માત્ર ઈરાનનું નાક કાપવાના હેતુથી જ અમેરિકી લશ્કરી વડામથક પેન્ટાગોનના ટેકનોલોજિકલ જાસૂસોએ અમેરિકી કમાન્ડરોને સુલેમાનીનું લોકેશન પૂરુ પાડયું હતું જેને આધારે ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સૂચનાથી એક હુમલામાં એની હત્યા કરવામાં આવી.
આ ઘટનાને કારણે ઈરાને ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને પ્રતીકાત્મક રીતે લાલ ઝંડો ફરકાવીને અમેરિકા સામે વેર વાળવાની પ્રતિજ્ઞાા જાહેર કરી. જેના પ્રત્યુત્તરમાં ટ્રમ્પે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર અમેરિકી રાષ્ટ્રધ્વજ ફરકાવીને પોતાના સ્વાભિમાન અને યુદ્ધખોર માનસનો જયઘોષ કર્યો છે. સમગ્ર મધ્યપૂર્વના દેશોમાં છેલ્લા ઘણાં વરસોથી ઈરાન-અમેરિકા વચ્ચે જે તંગદિલી ચાલે છે તેમાં સુલેમાની એક કટ્ટર અમેરિકા વિરોઘી પરિબળ તરીકે ઓળખાતો હતો.
પશ્ચિમ એશિયાના દેશોમાં પણ ઈરાનની જે ગતિવિધિઓ ચાલે છે એમાં પણ મુખ્ય રણનીતિકાર તરીકે સુલેમાનીને જ માનવામાં આવતો હતો. આ સુલેમાની રહસ્યમય રીતે કેટલાક રશિયન જાસૂસોના સંપર્કમાં પણ હતો અને એ રીતે તે સિરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં એના રાષ્ટ્રપ્રમુખ બસર અલ અસદનો ગુપ્ત સલાહકાર પણ હતો. જો કે ઈરાન પાસે આવા અનેક સુલેમાનીઓ હજુ પણ છે.
ઈરાને આવા એક ઉગ્રવાદી, સંદિગ્ધ અને વિવાદાસ્પદ વ્યક્તિના મોત પર ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો તે ઘટના પણ ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના છે કે જેની સાથે ઈરાની પ્રજાને બહુ વિશેષ લેવાદેવા નથી.
અમેરિકાએ સુલેમાનીને અગાઉ વિવિધ વિદેશી આતંકવાદી સંગઠનોના કમાન્ડર તરીકે જાહેર કરેલો છે. સુલેમાનીના મોત પછી આ સમગ્ર અખાતી પરિક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિના પ્રયાસોને ગંભીર હાની થઈ છે અને સંયોગોએ એક ખતરનાક વળાંક લીધો છે. આ બધા નવા ઘટનાક્રમો પછી રશિયા અને અન્ય કેટલાક દેશોએ જે રીતે સ્પષ્ટ વાણીમાં ઈરાનના સમર્થનમાં નિવેદનો કર્યા છે એ બતાવે છે કે આવનારા દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં દુનિયા ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ જશે.
પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં ચાર-પાંચ ટકા વધારો પણ થઈ ગયો છે. એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની અથડામણ દુનિયાના અન્ય દેશોને પણ ભારે પડી શકે છે. પોતાની મુદત પૂરી થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ એક દેશને અથવા તો કોઈ એક કુરુક્ષેત્રને પોતાની તાકાતના પ્રદર્શનનું માધ્યમ બનાવવા ચાહે છે.
અમેરિકી નાગરિકો રાષ્ટ્રનેતા તરીકે હંમેશા સ્ટાર વોર્સના મહાનાયક જેવા કોઈ રાજપુરુષની ઝંખના રાખે છે. એને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ પોતાના લાંબા ગાળાથી ચાલ્યા આવતા વ્યાપારિક અને આર્થિક ઉત્પાતોમાંથી નિવૃત્ત થઈને હવે પોતાની સૈન્ય શક્તિના નવા પ્રદર્શન માટે ઉતાવળા થઈ ગયા છે, જે આખી દુનિયાને અણધાર્યા સંજોગો તરફ તાણી જશે.
અમેરિકાએ અખાતમાં પોતાના વધુ સૈનિકોને તૈનાત કરવાની શરૂઆત કરી છે. ઈરાન પાસે અમેરિકાના અખાતી હિતો પર હુમલા કરવા માટેના નકશાઓ તૈયાર છે અને એની ઈરાને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. અમેરિકા કોઈપણ દેશમાં પ્રારંભિક યુદ્ધ બહુ જ ધીમુ અને તબક્કાવાર લડે છે. થોડા સમયમાં જ યુદ્ધની શરૂઆત થવાની નક્કી છે. કારણ કે ઈરાનની સરકારે કોઈપણ સંજોગોમાં, સ્વતબાહી નોંતરીને પણ અમેરિકા સામે વેર લેવાનો દ્રઢ સંકલ્પ જાહેર કરેલો છે.