સોશ્યલ મીડિયા અંકુશ .
દુનિયાભરમાં અત્યારે વ્યક્તિગત સ્વતંત્રતાનો વિજયધ્વજ સોશ્યલ મીડિયા છે, જે એવા પ્લેટફોર્મ પૂરા પાડે છે જેના પર દુનિયાના કરોડો અને અબજો લોકો પોતાના દિલ અને પોતાના દિમાગ પ્રમાણેની મૌલિક વાતો અભિવ્યક્ત કરી શકે છે. વિશ્વમાં હયાત મનુષ્યોની મહત્ ચેતનાનું પ્રતિબિંબ હવે આ સોશ્યલ મીડિયા વ્યક્ત કરે છે. એને આપણે સામાજિક સામુદાયિક માધ્યમ કહી શકીએ. આપણે ત્યાં સોશ્યલ મીડિયાના વધુમાં વધુ દુરુપયોગ માટે કાશ્મીર બદનામ છે.
એટલે ત્યાં વારંવાર ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ભારતમાં કેટલીક હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પણ આ અંગે ચર્ચાઓ થઈ છે. વિદ્વાન ન્યાયમૂર્તિઓએ પરોક્ષ રીતે એ વાતનો ઉલ્લેખ કરેલો છે કે જે રીતે સોશ્યલ મીડિયાનો નકારાત્મક બાબતો પ્રસરાવવા માટે દુરુપયોગ થાય છે તે જોતા એના પર નિયમન દાખવવા અંગે સરકારે ભવિષ્યમાં નવા નિયમો ઘડવા પડશે.
ઈ.સ. ૨૦૨૦ના પ્રારંભમાં જ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સોશ્યલ મીડિયા પર નિયંત્રણો મૂકવા સંબંધિત વિવિધ કેસોની એક સાથે સુનાવણી કરવામાં આવશે. જો કે અગાઉ એકવાર કેન્દ્ર સરકારે મૌખિક રીતે સર્વોચ્ચ અદાલતને એવું વચન આપેલું છે કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ વૈમનસ્ય ફેલાવવા માટે કે રાષ્ટ્ર વિરોધી બાબતોમાં થતો હોય તેવા કિસ્સાઓને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર નિયમો ઘડશે.
પરંતુ અદાલતને વચન આપ્યા પ્રમાણેનું આ કામ આસાન નથી. ભારતીય બંધારણે વ્યક્તિ સ્વાતંત્ર્યનો જે ઊઘાડ અને જે ખુલ્લું આકાશ દેશના દરેક નાગરિકોને આપ્યું છે તે આકાશ પર સરકાર પોતાની અભિનવ કાયદાઓની જાળ કેવી રીતે પાથરી શકશે તે એક કોયડો છે. એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય હણાય નહિ અને સોશ્યલ મીડિયાના અપરાધીઓ ઝડપાય- એવી પ્રયુક્તિ ધરાવતા કાનૂનો સરકારે હવે ઘડવાના થયા છે.
ઈ.સ. ૨૦૨૦માં સર્વોચ્ચ અદાલતના આંગણે કાનૂની પ્રક્રિયાઓ આગળ ધપ્યા પછી કેન્દ્ર સરકાર સોશ્યલ મીડિયા પર પોતાનો પંજો પછાડશે. હવે જોવાનું એ રહે છે કે રાષ્ટ્રહિતના બહાને કેન્દ્રનો શાસક પક્ષ, પોતાની વિરુદ્ધની રજૂઆતોને પણ અંકુશિત કરવા માટેની વ્યૂહ રચના કેવી રીતે સમાવે છે! ભાજપ એક એવા પ્રકારની આંશિક કટોકટીનો નિષ્ણાત પક્ષ છે કે એના દોરી સંચારની ભાગ્યે જ ખબર પડે. બહુ શરૂઆતમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભાજપે અંકુશ માટેની જ મથામણ કરી હતી.
પરંતુ ભાજપના સદભાગ્યે છીંડુ શોધવા લાધી પોળ - ની જેમ એ યુનિ. કેમ્પસમાં કાશ્મીર માટેની અલગાવવાદી હિલચાલ મળી આવી તેમાં ભાજપની સ્વાયત્ત સંસ્થાઓને ગળી જવાની ચાલાકી ઢબુરાઈ ગઈ. બીજી દૃષ્ટિએ જુઓ તો સોશ્યલ મીડિયામાં આત્યંતિક રીતે કોઈની પ્રતિભાનું ધોવાણ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાહુલ ગાંધીને પપ્પુ અને મિસ્ટર મોદીને ફેંકુની જે ઉપમાઓ આપવામાં આવી તે આ સોશ્યલ મીડિયાના દુરુપયોગની દેન છે.
એક રીતે દેશના સાવ અંતરિયાળ વિસ્તારોની પ્રજાની કથની અને કરણી આ જ પ્લેટફોર્મ પર સપાટી પર આવે છે પરંતુ જ્યારે પૂર્વગ્રહયુક્ત એન્ગલથી એક વાતને સાવ બીજી જ વાત તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે દર્શકો ભોળવાઈને આડે માર્ગે ચડી જાય છે. નિયંત્રણો મૂકવા તરફે ભારત સરકારની અદાલત સમક્ષની મુખ્ય દલીલ એ છે કે બંધારણે વ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારો આપ્યા છે, સ્વચ્છંદતાના હક કોઈને આપ્યા નથી.
જે સ્વતંત્રતા ટ્વીસ્ટ કરીને બીજાઓનું સન્માન હણે કે આધાર-પુરાવાઓ વિના અન્યોની અવમાનના કરે તેના પર કેન્દ્રની વોચ જરૂરી છે. જો કે આપણા દેશમા સોશ્યલ મીડિયાનો સૌથી વધુ દુરુપયોગ રાજકીય ક્ષેત્રના મહાનુભાવોના સલાહકારો જ કરે છે. દરેક મહત્ત્વના નેતાઓ પોતાના એક ડિજિટલ કન્સલ્ટન્ટ રાખે છે અને તેઓ તે નેતાના હરીફોની છાવણી પર પથ્થર ફેંકવાની અનેક પ્રયુક્તિ-પ્રપંચ રચતા રહે છે.
રાજકારણમાં તો હુમલાખોરી સામસામી હોય છે અને નેતાઓ સદાય છેલ્લે પગથિયે બેસવા ઉત્સુક હોય છે. નેતાઓ પાસેથી ઉચ્ચ સંસ્કારિતા અને ખાનદાનીની અપેક્ષા રાખનારા નાગરિકોનો બુદ્ધિઆંક બહુ ઊંચો હોવાની શક્યતા નહિવત્ છે. સોશ્યલ મીડિયા પ્રજાના પારસ્પરિક સંવાદની રાષ્ટ્રીય ધારા છે જે ગંગાને સમાંતર જ વહેતો એક પવિત્ર પ્રવાહ હોવો ઘટે. પરંતુ સદાય એમ ન હોવાને કારણે એના પર કડક નિયમનો દાખલ કરવાનો હવે ઉત્પાત મચ્યો છે.
સ્વયંશિસ્તના અભાવનો આ એક નવો અધ્યાય છે. એ નક્કી નથી કે કેન્દ્ર સરકારના સોશ્યલ મીડિયાના આ અખિલ વ્યાયામમાંથી શું નીપજી આવશે અને ભારતીય લોકશાહીમાં એ અભિનવ શોભા અભિવૃદ્ધ કરશે કે જે છે એને ઘટાડશે? ભાજપના પોતાના સ્વભાવ પ્રમાણે એવી આશંકા તો રહે જ છે કે દુરુપયોગના બહાને સરકાર સોશ્યલ મીડિયાના સદુપયોગના પણ કેટલાક રસ્તાઓ બંધ કરશે અને એ રીતે પોતાની વિરુદ્ધની પ્રજાની નિખાલસ રજૂઆતોને પણ અમુક હદે અટકાવશે.