ઓસ્ટ્રેલિયન અગ્નિકાણ્ડ
ઓસ્ટ્રેલિયાની આગ સર્વ સીમાઓને હવે ઉલ્લંઘી ગયેલી છે. એના બે ત્રણ મહત્વના કારણો છે એક તો ઓસ્ટ્રેલિયન સરકારે આ આગ તરફ શરૂઆતથી બેદરકારી દાખવી છે. આગ અને પાણી ક્યારેક કેવું સ્વરૂપ લે એ નક્કી હોતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી જોવામાં આવ્યું છે કે આગ ઉપર હવે મનુષ્યનો કાબૂ રહ્યો નથી. જંગલોમાં આગ લાગે તે બુઝાવવાની તાકાત માણસ જાતની નથી.
કારણ હવેની આગ એટલી સર્વવ્યાપક હોય છે કે એને કાબૂમાં લેવાનું કામ માણસજાત પાસેના કોઈ સાધનોથી શક્ય નથી. હા, આગ જ્યારે પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે એના પર અંકુશ મેળવી શકાય છે. આગ હવે પૃથ્વી પરની સર્વકાલીન ઘટના છે, માત્ર ફેરફાર એટલો હોય છે કે એનું સરનામું બદલાયા કરે છે. ગઈકાલે એમેઝોનના જંગલોમાં લાગતી હોય તો આજે ઉત્તર કોરિયાના વન પ્રદેશમાં હોય અને બે દિવસ પછી ચીનના જંગલોમાં પણ હોય.
પ્રકૃતિ મનુષ્યનો સર્વતત્ત્વ દ્વારા પીછો કરી રહી છે અને એના તરફ કોઈનું ધ્યાન નથી. આગ એટલે અગ્નિ તત્ત્વ. જે પંચતત્ત્વ મનુષ્ય માટે ઉપકારક હતા તે તમામ હવે અપકારક બની ગયા છે. માણસ જાતની ઉત્ક્રાંતિમાં આ સૌથી મોટું ઐતિહાસિક પરિવર્તન છે. જે પોષતું તે મારતું એના જેવો જ આ ઘાટ છે. પરંતુ માણસને ઊંઘમાંથી જાગવાનો સમય લાગશે.
પર્યાવરણના પ્રશ્નો પ્રત્યે આપણે એટલી બધી બધિરતા કેળવી લીધી છે કે કોઈ પર્યાવરણની વાત કરે ત્યારે સભાજનોમાં ઉપેક્ષાનું એક મોજું છવાઈ જાય અને એમ થાય કે અરે યાર કંઈક બીજી વાત કરો ને ! ઓસ્ટ્રેલિયન સરકારને આ આગ લાગવાની સંભાવના અંગે અગાઉથી જ સત્તાવાર લિખિત અહેવાલ સુપરત કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પર્યાવરણવિદોના પ્રતિનિધિ મંડળોએ આઠથી દસ વાર રજૂઆત કરી હતી કે આગ જ્યારે લાગશે ત્યારે એને કાબૂમાં લઇ શકાશે નહીં. આ જંગલોની ગીચતા અને તેના વધતા ઉષ્ણતામાનને કારણે ગમે ત્યારે આગ લાગી શકે છે. પરંતુ ઓસ્ટ્રેલિયન સરકારે બીજા દેશોની સરકારની જેમ જ પર્યાવરણવિદોની ઉપેક્ષા કરી જેનું પરિણામ હવે એ આવી રહ્યું છે કે આગામી સો વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાએ સંખ્યાબંધ વન પેદાશો અને કૃષિ પેદાશો ઉપરાંત અનેક વસ્તુઓ કરોડો ડોલરના જોખમે આયાત કરવી પડશે. એનાથી ઓસ્ટ્રેલિયામાં, જેની પ્રજાને આજે કલ્પના પણ નથી, એવી દરિદ્રતા જન્મશે. આ આગ ધારણા પ્રમાણે ખરેખર જો આગળ ચાલી તો આવતા ૨૫ વર્ષમાં જ ઓસ્ટ્રેલિયા પૂર્ણતઃ ભિખારીઓનો દેશ બની જશે.
ઓસ્ટ્રેલિયન સરકાર અગ્નિકાંડની ઘણી બધી વિગતો છુપાવી રહી છે. યુનેસ્કોના એક પ્રતિનિધિ મંડળને તો ગઈકાલે જ એની સરકારે સર્વેક્ષણ માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. અગાઉ પણ કેટલાક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફરોને વિઝા આપવાનો સરકારે ઇન્કાર કરેલો છે. તો પણ તબક્કાવાર જે હકીકત બહાર આવી રહી છે એણે સાબિત કર્યું છે કે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ૫૦ કરોડથી વધુ વન્ય જીવો જીવતા સળગી ગયા છે.
નૈતિક રીતે જુઓ તો એ તમામ જીવોની હયાતી અને સુરક્ષા માટે જવાબદારી ઓસ્ટ્રેલિયન સરકાર છે. ૫૦ કરોડ જીવોના નિઃસાસા પર હવે ઓસ્ટ્રેલિયાની આવતીકાલ નિર્ભર છે. આ આગ ગયા સપ્ટેમ્બર મહિનાથી લાગેલી છે અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ આગ એક વર્ષ ચાલવાની છે. હવે તો ઓસિ સરકાર તનતોડ મહેનત કરે તોય આગની આગેકૂચમાં કોઈ ફેર પડે એમ નથી.
દુનિયામાં કદાચ આ પહેલી એવી આગ હશે જે એક આખા રાષ્ટ્રની કુદરતી સંપત્તિનો મહા વિનાશ સર્જી દીધા પછી એ દેશને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવા સુધીની હાલત કરી મુકશે. આજે તો પરિસ્થિતિ એ છે કે ઓસ્ટ્રેલિયન સરકાર આગ ઠારવાને બદલે હવે પોતાની તમામ શક્તિનો ઉપયોગ નાગરિકોના સ્થળાંતરમાં કરી રહી છે.
જંગલમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે એ જ્યારે હદ વટાવીને અનહદ સુધી પહોંચે છે ત્યાર પછી તો કુદરત જ એને બુઝાવી શકે છે. આવી આગ બુઝાવવા માટે જરૂરી એવી તમામ આંતરરાષ્ટ્રિય કુમક મેળવી લીધા પછી પણ ઓસ્ટ્રેલિયન આગ હતી એવી ને એવી જ છે.
અત્યાર સુધીમાં આ આગ ૫૫,૦૦૦ ચોરસ કિલોમીટરના જંગલને ભરખી ગઈ છે અને હજુ એની સહસ્ત્રફેણ નાગરાજ જેવી અગન જ્વાળાઓ આગળ ને આગળ વધી રહી છે. વડાપ્રધાન સ્કોટ મોરિસન સમગ્ર દુનિયા સામે એક મૂર્ખ રાજનેતા સાબિત થઈ રહ્યા છે. કારણ કે તેઓ સતત આગ ઠારવાના પ્રયત્નોને બદલે વાસ્તવિકતાઓ છૂપાવવામાં અને પોતાનું બચાવનામું રજૂ કરવામાં વ્યસ્ત રહ્યા છે. આજે પણ બહારનું જગત એમ માને છે કે ઓસ્ટ્રેલિયા આગની વિગતો છુપાવે છે. આમ તો જુઓ તો એમાં છુપાવવા જેવું કંઈ નથી પરંતુ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને પોતાના નેતૃત્વની વિફળતા સતાવી રહી છે.