ચૂંટણી એક બિઝનેસ .
આ વખતની લોકસભાની ચૂંટણીને યુરોપ અને અમેરિકા ખંડના દેશોમાં બહુ વધારે કવરેજ મળ્યું છે. ભારતીય લોકસભાની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં દુનિયાના સર્વાધિક દેશો રસ લઈ રહ્યા છે. સવાસો કરોડથી વધુ જનસંખ્યા ધરાવતા દેશમાં અનેક દેશોના નાના-મોટા હિતો રહેલા છે. વ્યાપાર ક્ષેત્રની આડી-ઊભી ચાવીઓ કંઈ આમજનને સમજાય એવી ન હોય તોય બાહરી દુનિયાનું ભારત પર અવલંબન પૂર્વકાળની તુલનામાં વધ્યું છે અને એ એક શુભચિહ્ન છે.
અનેક વિદેશી માધ્યમ નિષ્ણાતો અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાતો આજકાલ ભારતીય રાજકીય પક્ષોના મોંઘેરા મહેમાન છે. ઈ.સ. ૨૦૧૪માં જે ભાજપ તરફી લહેર હતી એવી આ વખતે તો ન હતી અને તેથી વડાપ્રધાન મોદી માટે સૌથી મોટી સમસ્યા એક નવી લહેર જન્માવવાની હતી જેનો વંટોળ અખિલ ભારતીય હોય. એ માટે તેમણે ગત લોકસભા ચૂંટણીથી અધિક ઉપાયો અજમાવીને પ્રચાર પેંતરાઓમાં કરોડો રૂપિયા વહાવ્યા છે. હજારો લોકો તડકે તપતા હોય અને નેતાઓ નફ્ફટ રીતે વાતાનુકુલિત મંચ પરથી ભાષણો આપતા હોય એવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા છે.
ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ અને ખાનગી હેલિકોપ્ટર તથા ચાર્ટર પ્લેનની કંપનીઓએ બહુ ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ એક- દોઢ મહિનામાં અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાનો વધારાનો બિઝનેસ થયો છે.
સોશ્યલ મીડિયામાં તો દરેક ઉમેદવારે પચીસ- ત્રીસ દિવસ માટે પચીસ-ત્રીસ લાખનો ખર્ચ કર્યો હોવાની વાત છે. જો કે, આ પ્રકારની પ્રચારવિદ્યાની શરૂઆત ઈ.સ. ૨૦૧૪ વખતે જ થઈ હતી અને ભાજપને એ પ્રેક્ટિસ ફળદાયી નીવડી હતી પરંતુ આ વખતે તો એ જ સોશ્યલ મીડિયા ભાજપ સામે શૃંગ ઉછાળતું રહ્યું છે. વડાપ્રધાનની વાત, વારતા અને વાહવાહીની રિવર્સ એડિશનો તથા તેમના અનેક કપોળકલ્પિત વિધાનોને ભારતીય સોશ્યલ મીડિયાએ ઉઘાડા પાડેલા છે.
દેશના નેતાઓએ હવે રાજકારણમાં જીતવા કે જીત્યા પછી ટકી રહેવા અને નવી ચૂંટણીઓ લડવા માટે કોર્પોરેટ કલ્ચર સ્વીકારી લીધું છે. તેઓ વાસ્તવિકતા કે લોકચાહના પર વિશ્વાસ રાખવાના બદલે મનોવિજ્ઞાાનના સિદ્ધાન્તોને અનુસરતા દેખાય છે. આ વખતે ભાગ્યે જ કોઈ ઉમેદવાર એવા હશે જેમણે પોતાના માટે પ્રમોશનલ ફિલ્મ તૈયાર ન કરાવી હોય. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો સંખ્યાબંધ થિયેટરોમાં ફિલ્મ પહેલાની જાહેરખબરો શ્રેણીમાં પણ ચૂંટણી પ્રચાર પ્રવેશી ગયો છે.
પ્રમોશનલ ફિલ્મો હોય કે શોર્ટ ફિલ્મ જેવડી પરંતુ એટલા ટૂંકા સમયપટમાં ઉમેદવારને એક મહાન રાજનેતા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. કોઈ એક સાબુને અને લીંબુને કોઈ સંબંધ નથી, પરંતુ વારંવાર કોઈ સ્નાનસુંદરી સાથે એ જ સાબુ અને લીંબુની તાજગી દર્શાવવામાં આવતા એ ઉત્પાદક કંપની કરોડો રૂપિયાનો માલ લોકોના બાથરૂમ સુધી પધરાવી દે છે, કારણ કે લોકો પ્રભાવઆભામાં ઉતાવળા નિર્ણય લઈ લે છે. એ જ રીતે કેટલાક પથરાઓ રામના નામે અને કેટલાક રામના નામ વિના ય તરતા દેખાય છે એનુ મૂળભૂત કારણ નવા જમાનાના અવનવા પ્રચાર પડઘમ છે.
વડાપ્રધાન મોદીએ ભારતીય રાજકારણમાં પ્રત્યાયનના માધ્યમ તરીકે ભાષાની અજાયબ પુનઃ પ્રતિષ્ઠા કરી છે. દેશના નેતાઓ ફરજિયાતપણે ઉત્તમ કોટિના વક્તા હોવા જ જોઈએ પછી ભલે તેઓ બેફામ ગપ્પાબાજી ચલાવતા હોય. સત્યની પરવા કર્યા વિના મિસ્ટર મોદીએ જે રીતે દે ધનાધન વાતો કરી એ ભારત જેવા વિરાટ દેશના ટોચના નેતાને શોભે એવી તો નથી જ, છતાં ટૂંકાગાળા માટે તેઓ પ્રભાવ ઉભો કરવામાં સફળ થાય છે, એ વાત અલગ છે કે સ્વાનુભવે આ વખતે તેમની વાતો અને તેમાં રહેલા અર્ધસત્ય કે અસત્યને લોકોએ સ્વીકાર્યા નથી.
પરંતુ તેમની આ પ્રેક્ટિસથી દેશના રાજનેતાઓમાં એક ભ્રમ તો ફેલાઈ ગયો છે કે સારામાં સારા વક્તા હોવું તે બહુમતીને જીતવાનો એક માર્ગ છે. આ ભ્રમ દેશને ભવિષ્યમાં ઘણો તોડશે, કારણ કે આપણા દેશને વક્તાઓની નહિ, દ્રષ્ટિસંપન્ન, સંનિષ્ઠ, લોકસેવક અને સત્યપ્રિય રાજનેતાઓની જરૂર છે. છતાં છેલ્લા પાંચ વરસમાં મિસ્ટર મોદીએ જે કેટલાક ખોટા અને અનાદર્શ નિયમોની પ્રસ્થાપના કરી તેમાં વ્યર્થ લોકરંજન વકતૃત્વ પણ સમાવિષ્ટ છે અને તે દુઃખદ છે.
વક્તા અને રાજનેતાના સમન્વયની આદર્શ મૂર્તિ તરીકે નરેન્દ્ર મોદી સામે એ. બી. વાજપેયીનો આદર્શ છે જ, પરંતુ એમને તેઓ કોઈ પણ રીતે અનુસરી શક્યા નથી. હું કુંવારો છું, પણ બ્રહ્મચારી નથી એમ કહેનારા વાજપેયીની સત્યપ્રિયતા સદાય અને છતાં ય વંદનીય રહી છે.
સાચું બોલવું એ તો ખાંડાના ખેલ છે, સત્તાપ્રિય રાજકારણીઓનું જો કે એ કામ નથી અને હવે તો આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે સાવ અડોઅડના અને આસપાસના લોકો પાસેથી પણ સત્યપ્રિયતાની અપેક્ષા રાખવી એ વધારે પડતી કામનાઓ છે ! નિજાનંદે તમે સ્વયં સત્યપ્રિય રહો એટલું પૂરતું છે. સમગ્ર દેશ હજુ પણ બાકી રહેલા રાઉન્ડની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી ચૂંટણી સંબંધિત વિવિધ બિઝનેસમાં વ્યસ્ત રહેશે. બજારમાં રૂપિયો થોડોક ફરતો થયેલો દેખાય છે તેનું કારણ આ અભિનવ બિઝનેસ અને તેની હજારો શાખા-પ્રશાખાઓ છે.