મોદીને ફરી ચાન્સ મળશે?
ચૂંટણી નજીક આવે એટલે ભલભલી સરકારના રંગ બદલાઈ જાય છે. છેલ્લી ઘડીએ દરેક સરકારને સારા વિચારો આવે છે, પરંતુ તકલીફ એ વાત એ છે કે અંતવેળાએ આવતા સુવિચારો ખાસ કંઈ કામ કરતા નથી કારણ કે સમય બહુ ઓછો હોય છે. દેશમાં ભાજપની આ જ પરિસ્થિતિ અત્યારે છે. દેશમાં ખરેખર જે સમસ્યાઓ છે તેના તરફ હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી - આવું જો કે સતત કહેવાતું આવ્યું છે.
છતાં આજના શૈક્ષણિક વ્યવસ્થા તંત્રને જોવામાં આવે તો ખ્યાલ આવે કે ૨૦ - ૨૫ વર્ષ પછી આ દેશમાં કરોડો યુવાઓનો એક એવો વિરાટ સમૂહ વિચરતો હશે કે જેમની પાસે પાયાનું જ્ઞાાન અને જ્ઞાાન પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ બહુમર્યાદિત હશે.
અત્યારે જ દેશની લાખો પ્રાથમિક શાળાઓમાં જે રીતે શિક્ષણ કાર્ય ચાલે છે તે લાંબેગાળે કોઈ વિશેષ પરિણામ આપનારું નથી. અડધા ઉપરાંતની શાળાઓ તો માત્ર છ કલાક બાળકોને સાચવવાની એક વ્યવસ્થા જ બની ગઈ છે.
કેન્દ્ર સરકારના નવા બજેટે ફરી એ વાતની ખાતરી કરાવી છે કે સત્તા પર આવનારા તમામને માત્ર ફરી સત્તામાં આવવામાં જ રસ છે. તેમને આ દેશના કલ્યાણમાં કોઈ રસ નથી. રાજવિદ્યા તો પૃથ્વીના પટ બદલાવી નાંખનારી કેટલીક મહાન વિદ્યાઓ પૈકીની એક છે. જો આમ ને આમ પરિસ્થિતિ ચાલુ રહેશે તો નાગરિકોનો રાજવિદ્યામાંથી વિશ્વાસ ઊઠી જશે.
નેતાઓ પ્રજામાં ખૂબ લોકપ્રિય હોય છે. પ્રજાનો એક મોટો સમુદાય એવો છે કે જેઓ નેતાઓના કોઈ અવગુણો ધ્યાનમાં લીધા વિના આજે પણ તેમને પોતાના ઉદ્ધારક માને છે. કલા, સાહિત્ય અને સંગીતની પ્રતિભાઓ ઉચ્ચ દરજ્જાની હોય છે એ ખરું પરંતુ સામાન્યજન તો રાજપુરૂષોને જ હજુ પોતાનો મહાનાયક માને છે. દક્ષિણ ભારતમાં તો ફિલ્મસ્ટાર અને રાજનેતાઓ એક સરખા લોકપ્રિય છે.
પહેલી વાત તો એ છે કે દેશની પ્રજા જેમને ચૂંટીને મોકલે છે તેઓની ગુણવત્તા જ તપાસવાની જરૂર છે. કૂવામાં વિશુદ્ધ જળ ન હોય તો અવેડામાં ક્યાંથી આવે? આપણે ત્યાં ઉમેદવારોની પસંદગીના ધોરણો દરેક ચૂંટણીમાં બદલાઈ જાય છે. ઉપરાંત દરેક મત વિસ્તારમાં એના પસંદગીના ધોરણો વળી અલગ અલગ હોય છે.
એને કારણે જે આખરી ફસલ વિધાનસભા કે સંસદમાં પહોંચે છે તેમાં બહુ ભલીવાર હોતી નથી. થોડાક વધુ ચાલાક લોકો અર્ધ ચાલાક જીતેલા ઉમેદવારોના નેતા બની જાય છે. પછી તો ઊંચુ પદ એટલે ઊંચી યોગ્યતાના અવળા પલાખા ચાલુ થાય છે. આ એક એવી સમસ્યા છે કે જેને સમજતા ભારતીય પ્રજાને હજુ વર્ષો વીતી જશે.
જે બજેટ હમણાં કેન્દ્ર સરકારે જાહેર કર્યુંં તેને સમજવામાં સામાન્ય નાગરિકને પણ પ્રાસંગિક જ રસ છે. તત્ક્ષણના લાભની ટેવ એક વ્યસન જેવી હોય છે અને એ પાટે જે પ્રજા ચાલે એને લોભાવતા રહીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરનારા દુરિત પરિબળો દુનિયાના કોઈ પણ દેશમાં સર્વકાળે ઉપલબ્ધ જ હોય છે. વર્તમાન કેન્દ્ર સરકારના, આ છેલ્લા દિવસોમાં, ભારતીય અર્થતંત્રના બે ચહેરા દેખાય છે: એક ચહેરો ફુલગુલાબી છે, જેમાં સાત-આઠ ટકા વિકાસદર દેખાય છે અને બીજા ચહેરામાં સરકારના ડઘાઇ ગયેલા વિસ્ફારિત નેત્રો દેખાય છે જેમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી અને બેન્કોની વધતી જતી તકલીફો છે.
કેન્દ્રની એનડીએ સરકાર હવે પછી આવનારી નવી સરકાર માટે જે વારસો મૂકી જવાની છે તેમાં ભારતીય અર્થતંત્ર પરના બહુ મોટા ભારણો અને છુટ્ટે હાથે લ્હાણી કરેલા નાણાંથી સર્જાયેલા આંતરરાષ્ટ્રીય દેવાઓના ઢગલા છે. બુનિયાદી સમસ્યાઓ વિસરાવી દેવા માટે નવા જ ડાકડમરુ વગાડવાની મિસ્ટર મોદીની ચાલબાજી હજુય ભારતીય પ્રજાને જલદી સમજાવાની નથી. નોટબંધી અને જીએસટીથી પ્રજાને મળેલા આથક બોધપાઠનો અભ્યાસક્રમ હજુ અધૂરો હોય તેમ લાગે છે.
માત્ર નેતાઓને પોતાની પરિસ્થિતિ માટે સદાય જવાબદાર માનનારી પ્રજાએ પોતાના નિર્ણયો તરફ પણ ધ્યાન આપવું પડશે. ભારત વૈવિધ્યપૂર્ણ પ્રજાઓનો એક વિરાટ સંઘ છે. એમા સદાય જુદા-જુદા વૈચારિક અને સામાજિક પ્રવાહો સમાંતર રીતે વહેતાં જ રહેવાના છે. સમગ્ર ભારતને કોઈ એક જ વિચારમાં એકસાથે સંમત કરવાનું કામ મુશ્કેલ છે.
છતાંય સહજીવન અને સહૃદયતાથી ભારતની સંસ્કૃતિ અને સભ્યતા ટકી રહી છે. એવું નથી કે આ પ્રજાએ ઇતિહાસમાં કોઈ પ્રયોગો કર્યા નથી, અગાઉ પણ અનેક શાસકો પર વિશ્વાસ મૂકીને આ પ્રજાએ જિંદગીને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવાનો અખતરો કરેલો છે. ભલે દરેક વખતે એમાં સફળતા ન મળી હોય તો પણ પરંતુ જેને ખરા અર્થમાં ભારતીયતા કહેવાય એને માટે તો આ પ્રક્રિયા અનિવાર્ય છે. વડાપ્રધાન મોદીને ભારતીય પ્રજાએ એક પ્રયોગ તરીકે જ ઈ.સ. ૨૦૧૪માં તક આપી હતી. હવે આ તક ફરીવાર પ્રજા આપશે કે નહિ તે ખરેખર જ અરધા સંયોગો અને અર્ધી કલ્પનાનો વિષય છે.