બાળકો પર સંકટ .
હવે લગભગ બધાના હાથમાં આવી ગયેલા સ્માર્ટ ફોને જગતભરને પ્રભાવિત કર્યું છે અને એના દુષ્પરિણામો પણ નજર સામે આવવા લાગ્યા છે. જો કે જ્યારે ટેલિવિઝન આવ્યું ત્યારે લોકો ટેલિવિઝન જોવાથી ચશ્માના નંબર વધી જાય છે એવી વાતોથી શરૂ કરીને અનેક પ્રકારના આરોગ્ય વિચારો વહેતા કરતા હતા. પરંતુ ટેલિવિઝનની એક ખૂબી એ હતી કે એ ઈડિયટ બોક્સ આખા પરિવારને એકસાથે બેસાડતું હતું. ઘરમાં જાણે મેળો ભરાતો.
હવે સાથે બેસીને ટેલિવિઝન જોવાનો જમાનો પૂરો થઈ ગયો અને પરિવારમાં જ દરેક વ્યક્તિ જાણે કે એક ટાપુ બની ગઈ હોય એમ સહુ પોતપોતાના સ્માર્ટ મોબાઈલ ફોનમાં ડૂબી જાય છે. આની ઘણી બધી સામાજિક અસરો હવે દેખાવા લાગી છે અને પશ્ચિમના જગતમાં તો એના પર થયેલા સંશોધનો પણ પ્રગટ થવા લાગ્યા છે. દુનિયાના મોટાભાગના વિકસિત દેશોમાં કન્ઝયુમર પ્રોડક્ટ્સ કાઉન્સિલ હોય છે. એનું કામ ઉત્પાદનો હાનિકારક તો નથી ને ? - એનું મૂલ્યાંકન કરવાનું હોય છે.
આપણા દેશમાં આ અંગેની સભાનતા હજુ કેળવાઈ નથી. હમણાં થોડા સમય પહેલા સ્વીડનની એક વિખ્યાત ફનચર કંપની કે જે દુનિયાભરમાં પોતાનો માલ વેચે છે એને પોતાના ધૂમ વેચાઈ ગયેલા અને બહુ લોકપ્રિય નીવડેલા એવા એક કબાટને કંપનીમાં પાછો જમા કરાવી દેવા ગ્રાહકોને હુકમ કર્યો.
કારણ કે કબાટના ખાના પર પગ મૂકીને ઉપર ચડતા બાળકો દુર્ઘટનાનો ભોગ બનવા લાગ્યા. અમેરિકામાં બહુ ટૂંકા ગાળામાં આઠ વર્ષથી નાની ઉંમરના છ બાળકો જુદા જુદા શહેરમાં એ કબાટ તળે દબાઈ ગયા અને મૃત્યુ પામ્યા. એકલા કેનેડામાં જ આ કંપનીના ૬૦ લાખથી વધુ કબાટ વેચાયેલા છે. પરંતુ કંપનીને આ બાબત અંગે હુકમ કરવા ફરજ પાડનાર સંસ્થા કન્ઝયુમર પ્રોડક્ટ પ્રોટેક્શન કાઉન્સિલ છે.
અમેરિકા અને યુરોપમાં માતા-પિતામાં સેલ્ફ ડિસિપ્લિન એટલે કે સ્વયંશિસ્ત બહુ ઉચ્ચ દરજ્જાની હોય છે. એને કારણે એમના સંતાનોમાં પણ એ સંસ્કાર આવે છે. આપણે ત્યાં તો બાળકને સ્કૂલે મૂકવા જતી વખતે માતા કે પિતા રોંગ સાઈડમાં વાહન ચલાવતી વખતે જરા પણ વિચાર કરતા નથી.
તેઓ જાણતા નથી કે આ પદ્ધતિથી તેમના સંતાનો જ ભવિષ્યમાં દુર્ઘટનાનો ભોગ બનશે. અમેરિકામાં બાળકોમાં પણ શિસ્તના સંસ્કાર હોવાને કારણે તેઓ કોમ્પ્યુટર કે મોબાઇલમાં કામ કરવાના કે રમવાના સમયને મર્યાદિત રાખી શકે છે. એના નાગરિકોનું મન બહુ શરૂઆતથી અંકુશમાં રહે છે.
આપણે ત્યાં તો ઘરમાં માતા-પિતા જ પોતાના ફોનમાં રમતા હોય અને મમ્મી, પપ્પાને દસ વાર જમવા બોલાવે ત્યાં સુધી પપ્પાના હાથમાં રહેલો મોબાઈલ જુદો જ ન પડતો હોય તો એ દ્રશ્યો કમ સે કમ બાળકોને એટલું તો સમજાવે જ છે કે મમ્મી અને ભોજન કરતાં પણ પપ્પાને મોબાઇલ ફોનમાં કંઇક વધારે પડતો રસ છે. આ રસ જ્યારે બાળકોમાં પ્રવેશે છે ત્યારે ઘરમાં જાણે કે ભૂકંપ આવી જાય છે અને ચોતરફથી બૂમાબૂમ શરૂ થાય છે કે મોબાઇલને કોઇ અડતા નહિ.
નવા સંશોધનો બતાવે છે કે બાળકોથી શરૂ કરીને યુવા વય સુધીના સંતાનો માતા પિતાની નજર સામે જ ફોનમાં ગળાડૂબ થવા લાગ્યા છે. તેઓ એના રમવાના કલાકો હવે મોબાઈલ ફોનને આપી રહ્યા છે. એને કારણે એમનામાં બહુ નાની ઉંમરથી ચિંતા કરવાનો સ્વભાવ પ્રવેશે છે. ચિંતા કરવાથી કદી કોઈ પ્રશ્ન સંસારમાં ઉકેલાયો નથી અને છતાં આપણી દુનિયામાં ઘણા લોકોનો સ્વભાવ સતત ચિંતા કરવાનો હોય છે.
ચિંતા કરવા જેવા વિષયો ન હોય ત્યારે તેઓ ભવિષ્યની કલ્પના કરીને ચિંતા કરવા લાગે છે. સંશોધન કહે છે કે હવે બાળકોનો સ્વભાવ પણ આવો થવા લાગ્યો છે અને એનું કારણ મોબાઇલ ફોન સાથે તેઓએ પસાર કરેલા કલાકો હોય છે. કારણ કે જે કંઈ તેઓ ફોનમાં જુએ છે તેમાં 'હવે શું થશે' એવું એક રસાયણ મૂકવામાં આવે છે. જેને કારણે બાળકોની જિજ્ઞાાસા વૃત્તિ પ્રબળ રહે અને તેઓ ફોનમાં ચિટકી રહે. કાર્ટુન ફિલ્મ અને વિવિધ ગેઈમમાં પણ 'હવે શું થશે' નામનું તત્ત્વ તો વિદ્યમાન હોય છે.
જેમ ભેળસેળવાળા દૂધથી બાળકોને ફાયદો કરતાં નુકસાન વધારે થાય છે તેમ જ્ઞાાનપ્રાપ્તિનું તથાકથિત માધ્યમ બની ગયેલા મોબાઇલ ફોનથી બાળકોને ફાયદાની તુલનામાં નુકસાન વધારે થાય છે. નવાઈની વાત એ છે કે બાળકો ચિંતાતુર બનવા લાગ્યા છે આ ઘટના તરફ કોઈનું ધ્યાન નથી અને આ બાબત હજુ ન તો માતા-પિતાની ચિંતા બની છે કે ન તો સરકારની ચિંતાનો વિષય છે.
અત્યારે તો આ બધા નવા તારણો છાને ખૂણે બેસીને તપ કરતા સંશોધકોની એકલાની જ ચિંતાનો વિષય છે. બેત્રણ વરસ પહેલા પણ આવો એક અહેવાલ પ્રગટ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રમત ગમતથી વિમુખ થવાને કારણે અને બંને હાથ લાંબા સમય સુધી જકડાયેલા રહેતા તેઓના હાથની ક્ષમતા અરધી ઓછી થઈ જાય છે.