મિ. યોગી આદિત્યનાથના ગોરખધંધા
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સત્તા પર આવ્યા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશ સહિત દેશમા જે હવા ઊભી કરી હતી તે હવામા ઊડી ગઈ છે. એનું એક કારણ એ પણ છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથેની તેમની અથડામણનું કોઈ સમાધાન ભાજપના ટોચના નેતાઓ શોધી શક્યા નથી સંઘે જે રીતે ભાજપને માધ્યમ બનાવીને વિહિપમાંથી ડો. તોગડિયાની હકાલપટ્ટી કરીને એ સંગઠનને આજ્ઞાાંકિત રાખવા ગળામાં પટ્ટો પહેરાવી દીધો એવી જ કોશિષ સંઘે ઉત્તર પ્રદેશમાં હિન્દુ યુવા વાહિની માટે કરી પરંતુ આદિત્યનાથે ગોરખનાથ સ્ટાઇલમાં અહાલેક જગાવતા સંઘે પીછેહઠ કરવી પડી.
હિન્દુ યુવા વાહિની યોગી આદિત્યનાથનું પોતાનું અને પોતાની ગોરખનાથ ગાદીનું સ્વતંત્ર સંગઠન છે. ઉત્તર પ્રદેશમાં હમણાં સુધી તો હિન્દુ યુવા વાહિનીનો પ્રભાવ હતો જે ઘટવા લાગતા યોગી આદિત્યનાથને પોતાના મૂળભૂત સંગઠનને નવેસરથી તૈયાર કરવાની મનીષા જાગી છે.
રાજ્યમાં ભાજપ અને સંઘ બન્ને તરફથી વાહિનીના કાર્યકરોને તિરસ્કૃત કરવામાં આવે છે અને વાહિનીના કાર્યકરોને સંઘમાં કે ભાજપમાં તાણી જવાની વ્યૂહરચના ચાલે છે. આદિત્યનાથ પોતે મુખ્યમંત્રીપદની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત રહ્યા છે કે તેમની સેના અરધી ખાલી થઈગઈ ત્યાં સુધી તેમનું ધ્યાન ન ગયું.
હવે એકાએક ઉશ્કેરાઈને તેઓ હિન્દુ યુવા વાહિનીને નવરચિત- નવગઠિત માળખા જેવા સ્વરૃપમાં બેઠી કરવા ચાહે છે. ઉત્તર પ્રદેશમાં સંઘના કાર્યકરો અને કેટલાક રાજ્ય કક્ષાની હરોળના સંઘચાલકોને તેઓ પોતાના કાર્યાલય બહાર કલાકો સુધી બેસાડી રાખ્યા પછી પણ ખુલાસા આપતા નથી. જે ચૂપકિદીથી ભાજપે અને સંઘે આ વાહિનીને તિતરબિતર કરવાનું કામ કર્યું છે એ જ અદાથી આદિત્યનાથ હવે સંઘનો તિરસ્કાર કરી તેમને નડવા લાગ્યા છે.
આમ તો યોગી મુખ્યમંત્રી થયા પછી તુરત જ સંઘે એમને એક ખાસ મિટિંગમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે તમારા આ હિન્દુ યુવા વાહિની સંગઠનને વિખેરી નંાખો. ત્યારે જ યોગીએ ગોરખપુરી ભાષામાં સંભળાવી દીધું હતું કે, હું વિખેરાઈ જાઉં તો ચાલશે પરંતુ વાહિની તો રહેશે જ અને હવે તો મુખ્યમંત્રી છું એટલે વધુ મજબૂત બનશે. પરંતુ ત્યાર પછીથી આજ સુધી યોગી એમાં ધ્યાન આપી શક્યા નહિ અને સંઘે સ્થાનિક ભાજપ સંગઠનની મદદથી યુવા વાહિનીના પત્તા કાપવાનું કામ ચાલુ રાખ્યું.
ગોરખનાથ મંદિરમાં જ યુવા વાહિનીનું કાર્યાલય છે જે હવે એકાએક ધમધમવા લાગ્યું છે. અગાઉ હિન્દુત્વ પ્રબોધિત કાર્યક્રમોનો સુદીર્ઘ સિલસિલો આ વાહિની ચલાવતી હતી. હિન્દુ ધર્મના દરેક ઉત્સવો માટે જિલ્લા અને તાલુકા સ્તરની એની સમિતિઓ હતી. છેલ્લા બે- અઢી વરસમાં હિન્દુત્વના એજન્ડા પર આ વાહિનીને કામ કરતા અટકાવવામાં આવી છે.
આ બધા કાર્યક્રમો કેમ અટકી ગયા એ તો યોગી હજુ શોધી રહ્યા છે. કારણ કે વાહિનીમાં જ સંઘે પોતાના પ્લાન્ટેડ કાર્યકરોને ગોઠવીને ભીતરથી ઠંડક કરી આપી છે. આમ પણ સંઘ ગમે ત્યાં ટ્રોજન હોર્સ નિયુક્ત કરવામાં માસ્ટરી ધરાવે છે. ભાજપના સંગઠનના કેટલાક પદાધિકારીઓ અને કાર્યકરો પર અત્યારે હિન્દુ યુવા વાહિનીના હોદ્દેદારોને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેના કેસો ચાલી રહ્યા છે.
ભાજપના બી કેટેગરીના કેટલાક નેતાઓની પોલીસે ધરપકડ પણ કરી છે. એમ માનવામાં આવે છે કે વાહિનીને ડિસ્ટર્બ કરનારા પરિબળોને વીણી વીણીને 'સાફ' કરવા માટે મિસ્ટર યોગીએ અલગથી એક ગુપ્ત સેલની રચના કરી છે. આ યોગીના ગોરખધંધા છે એમ ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ માની રહ્યા છે. મોહન ભાગવત સહિતના સંઘના નેતાઓની દલીલ એવી છે કે, સંઘ, ભાજપ અને વાહિની - આમ ત્રણેય હિન્દુત્વના એજન્ડા પર કામ કરે છે એનાથી પરસ્પરના હિતો ટકરાઈ રહ્યા છે, માટે યોગી આદિત્યનાથે વાહિનીને કાળના પ્રવાહમાં વહેવા દઈને ભાજપમાં વિલીન કરી દેવી જોઈએ. યોગી એ તો જાણે જ છે કે, સત્તા તો આજે છે ને કાલે નહિ, પરંતુ ગોરખપુરની ગાદી તો આયુષ્યસભર છે એ ધર્મગાદીને સમર્પિત એવી હિન્દુ યુવા વાહિનીનું અસ્તિત્વ અનિવાર્ય છે.
પોતાના મુખ્યમંત્રી પદના પ્રારંભિક દિવસોમાં યોગીએ અહંકારથી એ વાત કહી હતી કે, રામમંદિર તો મુખ્યત્વે ગોરખપુર ગાદી સંસ્થાનનો મુસદ્દો અને આંદોલન છે,ભાજપે ગોરખપુરની જ વિચારધારા અપનાવી છે. પરંતુ એમના એવા નિવેદન પર ઉહાપોહ થતાં પછી એ અભિમાન એમણે પોતાના દર્પણખંડ સુધી સીમિત રાખ્યું છે, પરંતુ પોતે ભાજપથી કંઈક ઉપર હોવાનો જે ખુશનુમા ખ્યાલ ભાજપના અન્ય ટોચના નેતાઓમાં છે તેવો જ ખ્યાલ મિસ્ટર યોગીમાં પણ અદ્યાપિ વિદ્યમાન છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં પોતાનું પ્રભુત્વ વિસ્તારવા માટે યોગીએ બિહાર અને મધ્યપ્રદેશમાં હિન્દુ યુવા વાહિનીની અનેક શાખાઓ તાબડતોબ ખોલી છે. વાહિની હમણાં સુધી આર્થિક કટોકટી ભોગવતી હતી હવે તેની પાસે નવું રહસ્યમય ભંડોળ પણ આવી ગયું છે. બિહાર- મધ્યપ્રદેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે વાહિનીને ફેલાવવા માટે એક નવી ફોઝ જ તેમણે રવાના કરી દીધી છે.