Get The App

ભાજપાધ્યક્ષ સામેના પડકારો

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
ભાજપાધ્યક્ષ સામેના પડકારો 1 - image


આ વખતના બજેટે ભાજપની લોકપ્રિયતા ઔર ઘટાડી છે. જગત પ્રકાશ નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા પણ એવા સમયે એમના હાથમાં આ પદ આવ્યું છે જ્યારે ચોતરફ પડકારો છે. જે પી નડ્ડાનો જન્મ બિહારમાં થયો છે. એમણે સ્નાતક સુધીનું ભણતર પટણા યુનિવસટીમાંથી પ્રાપ્ત કર્યું હતું. એમના પિતાશ્રી ડા. નારાયણ લાલ નડ્ડા મૂળ તો હિમાચલ પ્રદેશના છે. તેઓ પટણા યુનિવસટીના કોમર્સ વિભાગના પ્રોફેસર હતા અને ૧૯૮૦ માં નિવૃત્તિ પછી પોતાના વતન પરત ફર્યા.

જે પી નડ્ડાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૭૫ના આંદોલનથી થઈ. જયપ્રકાશ નારાયણના આંદોલને તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારને હચમચાવી મૂકી હતી. જેપી આંદોલને દેશના રાજકીય પ્રવાહોમાં તોફાનનું મોજું ફેલાવ્યું હતું. લોકનાયકના આ અભૂતપૂર્વ આંદોલને ઇન્દિરા સરકારના ગઢના કાંગરા ખેરવી નાંખ્યા હતા. એક રીતે જોઈએ તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, સ્વર્ગસ્થ અરુણ જેટલી, શરદ યાદવ, રાજ્યસભાના સાંસદ આર. કે. સિન્હા, રવિશંકર પ્રસાદ, મુલાયમ સિંહ યાદવ, સુશીલ મોદી, રામવિલાસ પાસવાન વગેરે જયપ્રકાશ નારાયણના આંદોલનની ઉપજ અને નીપજ છે.

જેપી આંદોલને નિપજાવેલા નેતાઓએ કોંગ્રેસની વિરુદ્ધની સરકારનું નેતૃત્વ કર્યું. જે પી નડ્ડાનું જન્મસ્થાન હિમાચલ અને કર્મભૂમિ બિહાર. એટલે જ નરેન્દ્ર મોદીએ એ વખતે અભિનંદન સમારોહમાં કહ્યું કે હિમાચલ કરતા બિહારનો હક વધુ લાગે. એવી આશા પ્રવર્તે છે કે જે. પી. નડ્ડાના નેતૃત્વ હેઠળ ભાજપ પક્ષનું કદ વધશે. સામાન્ય કાર્યકર્તા ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ ભાજપમાં જ શક્ય છે.

જે પદને અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીએ શોભાવ્યું એ પદ ઉપર પહોંચવું જેપી નડ્ડા માટે ગૌરવની વાત કહેવાય. બીજા રાજકીય પક્ષોમાં એ શક્ય નથી કારણ કે એમાં કાકા-ભત્રીજા વાદનું વર્ચસ્વ વધુ છે. ગઈ સાલ જુલાઈમાં જેપી નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે. ભાજપે સર્વાનુમતીથી તેમને અધ્યક્ષ સ્થાન માટે પસંદ કર્યા. 

જો કે જે. પી. નડ્ડા પાસે બહુ પડકારજનક કામોનો ઊંચો પહાડ છે. અત્યાર સુધી ભાજપની લગામ અમિત શાહના હાથમાં હતી જેમને ભાજપના જ મીડિયા સેલે આધુનિક યુગની રાજનીતિના ચાણક્યનો શિરપાવ આપ્યો હતો. ભાજપના બધા જ નિર્ણયો અમિત શાહ લેતા હતા. ૨૦૧૪ માં મોદી વડાપ્રધાન બન્યા પછી જુલાઈ ૨૦૧૪ માં અમિત શાહ ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. એના પછી બે કાર્યકાળ સુઘી તેઓ જ ભાજપના અધ્યક્ષ બની રહ્યા.

એમનો સત્તાકાળ તો ગઇ સાલ જાન્યુઆરીમાં પૂરો થઈ ગયેલો તો પણ લોકસભા ચૂંટણી નજીક હોવાના કારણે તેઓ અધ્યક્ષ બની રહ્યા. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે દેશની આથક સિવાયની બાબતોમાં દેખીતી સફળતાઓ હાંસલ કરી. અમિત શાહે ભાજપને દેશના ખૂણે ખૂણે પ્રસરાવી દીધો. કેટલાય રાજ્યોમાં ભગવો લહેરાયો. ૨૦૧૪ અને ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત અને ઉત્તરપ્રદેશમાં ભાજપનો ડંકો વાગ્યો એ બધાનો શ્રેય અમિત શાહને જાય છે. 

એક રાજ્યની ચૂંટણી પુરી થાય એટલે અમિત શાહ તરત બીજા રાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ કરી દે. એમના રાજનીતિક કૌશલને જોઈને કોંગ્રેસ ડઘાઈ ગઈ. આસામ સહિત પૂર્વના રાજ્યોમાં પણ ભાજપની જીત થઈ. એવું પણ લાગવા મંડેલું કે દેશ કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. આખા દેશના રાજકીય નકશામાં બધે જ કેસરિયો રંગ દેખાતો હતો.

પણ જો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની. મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીજા પક્ષોનો ટેકો લઈને ભાજપની સરકાર ન રાચાવા દીધી. ભાજપના વળતા પાણી થયા એટલે અધ્યક્ષ પદ પર વિચારણા શરૂ થઈ.

હરિયાણાની ચૂંટણીમાં પણ ભાજપનું પરિણામ સારું નથી આવ્યું. ઝારખંડમાં પણ ભાજપે ગોથા ખાધા. હવે સવાલ એ છે કે જેપી નડ્ડા ભાજપનો ફેલાવો કરી શકશે? ભાજપની બધે જીતવાની પરંપરા ચાલુ રહેશે? દિલ્લીની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. બિહારમાં પણ ચૂંટણી આવવાની છે. દેશભરમાં નાગરિકતા કાયદાને લઈને દેખાવો થઈ રહ્યાં છે.

દેશની બાવીસ ટોચની કોલેજ-હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે. આવી પરિસ્થિતિમાં જેપી નડ્ડાએ બહુ સાવચેતીપૂર્વક પગલાં ભરવા પડશે. તેમની સરખામણી સતત અમિત શાહ સાથે થતી રહેશે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પ્રભાવમાં આવ્યા વિના જેપી નડ્ડા કેટલા સ્વતંત્ર રહીને કામ કરી શકે છે એ જોવું રહ્યું. અમિત શાહે વિવિધ રાજ્યોમાં ભાજપનું જે સામ્રાજ્ય ઉભું કર્યું છે એને ટકાવી રાખવું જ મોટી ચેલેન્જ છે.

૨૦૧૮ ની શરૂઆતમાં ભાજપ એના સાથી પક્ષો સાથે એકવીસ રાજ્યોમાં હતી તો હવે માત્ર ૧૫ રાજ્યોમાં છે. કાશ્મીરની રાજકીય હવાને પણ ભાજપ અવગણી શકશે નહીં. જેપી નડ્ડાએ ઘણી નાજુક પરિસ્થિતિઓના પોતાની રાજકીય કોઠાસૂઝનો પરચો આપી ચુક્યા છે. પક્ષના કાર્યકર્તાઓની નજર જે. પી. નડ્ડા પાર મંડાયેલી છે.

Tags :