ચીનનું મિશન ભૂતાન .
ભારતમાં ચીનના રાજદૂત લ્યો ઝાઓશી આજકાલ ભૂતાનની યાત્રાએ ગયા છે. ભૂતાનમાં પણ ચીની રાજદૂતાવાસ છે જ તો પછી ભારતમાં નિયુક્ત ચીની રાજદ્વારીએ ભૂતાન જવાની જરૂર શી?
લ્યો ઝાઓશી એક ઉચ્ચસ્તરનો એવો શખ્સ કે જેનું મિશન ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડતા રહેવાનું છે. જે રીતે ચીને ક્રમશઃ એક મહાન અને એકમાત્ર હિન્દુરાષ્ટ્ર કહેવાતા નેપાળનું લાલ ઝંડામાં રૂપાંતર કરી નાંખ્યુ એ જ રીતે ચીન હવે અત્યંત કુનેહપૂર્વક ભૂતાનમાં પોતાનો પંજો પ્રસારવા ચાહે છે.
ભારતીય ઉપખંડમાં અને સમગ્ર એશિયામાં પણ ભૂતાન એક શાંત રાષ્ટ્ર છે. નેપાળમાં હવે સામ્યવાદ વિરોધીઓને સરકાર નિભાવતી નથી, તેમના તરફ કિન્નાખોરી દાખવે છે. નેપાળમાં કેટલાક ક્રાન્તિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે અને કેટલાક જેલમાં બંધ છે. ચીનના વધતા જતા પ્રભાવથી નેપાળનો એક બુદ્ધિજીવી વર્ગ તંગ થઈ ગયો છે.
આ પરિસ્થિતિ વચગાળાની છે, થોડા સમય પછી તો નેપાળનું સંપૂર્ણ તિબેટીકરણ થઈ જશે. નેપાળના શાસકો કે જેમણે માત્ર સત્તાલાલસાથી ચીનને પોતાની માતૃભૂમિ સોંપી દેવાની દિશા ખોલવા દ્વાર ઊઘાડયા છે તેઓ તે દેશના સૌથી મોટા શત્રુઓ છે. તિબેટ પર ચીનનો સંપૂર્ણ કબજો અને જાપ્તો, નેપાળ પર અરધો અંકુશ અને હવે ભૂતાનમાં ચીનના પ્રારંભિક પગરણ - આ ચિત્ર ભારતને ઘેરી લેવા માટે ચીનની સતત આગળ ધપતી વ્યૂહરચનાની એક ઝલક માત્ર છે.
આજકાલ ભૂતાનમાં વસંતોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ વસંતોત્સવ ખરેખર ચીનનો છે, પરંતુ ચીને આ વખતે ભૂતાનને કન્વિન્સ કરીને કહ્યું કે અમે અમારો વસંતોત્સવ તમારા આંગણે ઉજવવા ચાહીએ છીએ. લુચ્ચા શિયાળની વાર્તાઓના પડછાયામાં જ હોય એવો આ ઘટનાક્રમ છે. ભૂતાન ઘટનાક્રમ છે.
ભૂતાન અને ચીન બે એવા પડોશી દેશો છે જેમની વચ્ચે હમણાં સુધી તો કોઈ રાજનૈતિક સંબંધ પણ ન હતો. ભારતમાં ચીનના રાજદૂત લ્યો ઝાઓશી એક વિશાળ સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળને લઈને ભૂતાન ગયા છે. છેલ્લા ઘણા વરસોથી ચીન અને ભૂતાન વચ્ચે કોઈપણ પ્રકારનો વાટકી-વ્યવહાર નથી. કુછ લેના ન દેના મગન રહેના - એવા એમના સંબંધો હવે ભારત સરકાર ચોંકી જાય એવી રીતે આગળ વધી રહ્યા છે.
ભૂતાન એક હિમાલયન દેશ છે. ચીને અગાઉ ભૂતાનના ઉંબરે ઊભા રહી મીઠી મીઠી વાતો કરી છે પરંતુ ભૂતાન અગાઉ ક્યારેય ડ્રેગનની માયાવી જાળમાં સપડાયું નથી. ચીનનો વિશ્વવિખ્યાત ઉપક્રમ બેલ્ટ એન્ડ રોડ ઈનિસિયેટિવ માટે પણ ભૂતાનને ચીને ઝૂકી ઝૂકીને સો વાર સલામ કરી હતી. પરંતુ ભૂતાને ભારતની જેમ જ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
હવે ચીને ભૂતાનને અઢળક આર્થિક પ્રલોભનો આપ્યા છે અને જે રીતે ચીનના સ્પોન્સર્ડ કાર્યક્રમો માટે ભૂતાન માતૃભૂમિનો પાલવ મૂર્ખતાપૂર્વક પાથરી રહ્યું છે તે જોતાં હવે એવું લાગે છે કે ડ્રેગનના પગલા ભૂતાનમાં નક્કી છે. કોઈ પણ રાજા બુદ્ધિ, ચિત્ત અને હૃદયથી નબળો પડે એટલે શત્રુ એના ઘરમાં પ્રવેશે એમ ચાણક્યએ ચન્દ્રગુપ્તને ભણાવ્યું હતું.
ભૂતાન સંપૂર્ણ પહાડી દેશ છે, એના દક્ષિણ છેડે થોડીક સમથળ જમીન છે. ચીન માટે આ એક મોકાનું સ્થાન બની શકે છે. જો ભૂતાનના બુદ્ધિહીન શાસકો ચીની કપટમાં ફસાશે તો ચીનને ભારત પર નજર રાખવા અને સંભવિત હૂમલાઓ માટે ભૂતાન એક ખતરનાક વ્યૂહાત્મક પોઝિશન પૂરી પાડશે.
ભારત સરકારે હજુ સુધી ચીન અને ભૂતાનના હવે આગળ વધતા સંબંધોને ગંભીરતાથી લીધા નથી. ભૂતાનનું પેટ તો સાવ નાનું છે, એને રાજી રાખવાનું કામ ભારત માટે એક જ મિનિટનું કામ છે, પરંતુ સ્વાર્થ પારાયણ રાજનેતાઓ પાસે એવી એક મિનિટ નથી. જવાહરલાલ નહેરુથી મિસ્ટર મોદી સુધીના કોઈ વડાપ્રધાન પાસે ચીનના ખતરનાક પેંતરાઓને ઊંધા પાડવા માટેનો સમય નથી એ ભારતની એક વિષમતા છે, દુર્ભાગ્ય છે.
વીતી ગયેલી યાદગાર ફિલ્મ થ્રિ ઈડિયટમાં ભૂતાનના પ્રાકૃતિક સૌન્દર્યની ઝલક બતાવવામાં આવી હતી. ભૂતાનનો રાષ્ટપ્રમુખ વંશપરંપરાગત રાજા હોય છે. અત્યારે ઝિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક નામના રાજાનું શાસન છે, તો પણ ભૂતાનમાં નિર્ણયાત્મક પ્રક્રિયાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ સમ્યક્ હિસ્સેદારી હોય છે. એક વિશિષ્ટ પ્રકારની શાસન વ્યવસ્થા ભૂતાન ધરાવે છે જેમાં પ્રધાનોની ટર્મ પાંચ વરસની અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ માત્ર ત્રણ વરસની હોય છે.
આ પ્રકારના વિશિષ્ટ રાષ્ટ્ર સંચાલન વ્યવસ્થા તંત્રમાં ચીન માટે પગપેસારો કરવો આસાન છે. રાજા અને થોડા મંત્રીઓને પોતાની લોભામણી યોજનાઓમાં ફસાવીને, લાખો ડોલરની લ્હાણી કરીને ચીન ભૂતાન પર પોતાનો સંપૂર્ણ જાપ્તો અને કબજો ધરાવવાની મલિન મુરાદ ધરાવે છે. ચીન અને ભૂતાનના નવા સંબંધોની હવે ખુલેલી અટારીમાં ભારત વિરુધ્ધની જ વાતો, પગલા, પ્રક્રિયા અને વ્યૂહ રચાશે, જેનાથી કેન્દ્ર સરકારે સાવધ રહી પ્રતિકદમ લેવાની જરૂર છે.