Get The App

આ સૌન્દર્યશત્રુ ઉનાળો

Updated: Jun 3rd, 2019

GS TEAM

Google News
Google News
આ સૌન્દર્યશત્રુ ઉનાળો 1 - image



ભારતીય પ્રજા આમ તો ઘઉંવર્ણી પ્રજા ગણાય છે. યુરોપિયન અને આફ્રિકન વચ્ચેના મધ્યમરંગની આ પ્રજાતિ છે. પરંતુ વધતી જતી ગરમીને કારણે તે ઘઉંવર્ણો રંગ પણ ટકે એમ નથી. અત્યારે જે ગરમી પડી રહી છે એ જ ક્રમ જો કુદરત ચાલુ રાખશે તો નવો રંગ - ભેદ અસ્તિત્વમાં આવશે. દેખાય છે એટલો આ સામાન્ય પ્રશ્ન નથી. સ્ત્રીઓના સૌન્દર્યશાસ્ત્ર માટે સૂર્ય કિરણો ઘાતક છે અને વધતું ઉષ્ણતામાન સ્ત્રીઓ માટે જુદી જ રીતે ચિંતાનો વિષય છે. 

ઇ.સ. ૧૯૭૪ની ફિલ્મ 'રોટી'માં આનંદ બક્ષીએ લખેલું ગીત - ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર, ગોરા રંગ દો દિન મેં ઢલ જાયેગાં... આજે પર્યાવરણના બદલતા પરિરૂપના સંદર્ભમાં પાષાણ પર લખેલી આ પંક્તિઓ હોય એવી લાગે છે. દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારો બહુસંખ્ય છે. અને આર્થિક સંકડામણને કારણે દેખાતી અને ન દેખાતી એવી બે પ્રકારની ગરીબાઈમાં જીવન વ્યતીત કરનારા કરોડોના સમુદાયો છે.

મુંબઇની ધારાવીની ઝૂંપડપટ્ટી તો હવે એક વિશાળ વસાહત છે, એમાંય એક ટકો લોકો એવા છે જેમની પાસે ગમે તે રીતે પણ એરકન્ડિશન મશીન છે ! પરંતુ એ સિવાયના લોકો માટે ઉનાળાની બપોર પસાર કરવાનું કામ જટિલ છે. અગાઉ એટલે કે ઇ.સ. ૧૯૭૦ પહેલાના વરસોમાં ઉનાળો હતો, તડકો હતો, આકરી બપોર હતી પરંતુ આવી ગરમી ન હતી.

આ વખતનો ઉનાળો આવનારા તમામ વરસો માટેનું એક સ્ટાન્ડર્ડ મોડેલ છે એમ માની લેવાનું રહે છે, હવે પછીના ઉનાળાઓમાં ગરમી આનાથી ઓછી હોય એવી આશા રાખવી એ અબૌદ્ધિક તર્ક છે. દરેક વ્યક્તિ પોતે જ વિચારે કે એણે જાતે પર્યાવરણ માટે શું કર્યું છે ?

દેશમાં ગરીબી નાબૂદીના જે અનેક કાર્યક્રમો દાયકાઓ સુધી ચાલ્યા અને સસ્તા અનાજ સહિતનો સરકારી સહાય ઉપલબ્ધ બની એને કારણે સાવ નિર્ધન કે ભૂખમરણોન્મુખ લોકોની ટકાવારી નહિવત છે. દેશમાં દરરોજ  રૂ. ૧૩૫ કે એનાથી ઓછી કમાણી કરતા લોકો ઓછા થયા છે.

આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણો પ્રમાણે ઇ.સ. ૨૦૨૫ સુધીમાં ભારતમાં માત્ર પાંચ ટકા લોકો  એવા હશે જે અત્યંત નિર્ધન હશે. જો કે ગરીબી અને નિર્ધનના બન્નેમાં આસમાન જમીનનો ફેર છે. ગરીબ પાસે બચત, સંપત્તિ, સ્વાભિમાન અને કરકસર હોઈ શકે છે, પરંતુ નિર્ધન પાસે આમાંનું કંઇ હોતું નથી અને એ જ એની નિર્ધનતાનું અલબત્ત, એક કારણ પણ હોય છે. ગરીબી તો સંજોગો છે પરંતુ નિર્ધનતા તો અભિશાપ છે. ગરીબી દેખાય છે, નિર્ધનતાની ખબર પડતી નથી.

નોટબંધીને કારણે દેશમાં નિર્ધનતાનું એક મોજું આવ્યું અને ગયું પણ પછી જે મંદી આવી એને કારણે ગરીબાઈ વધવા લાગી. ભારતના એક ટકા સૌથી શ્રીમંત લોકો પાસે દેશની ૭૩ ટકા સંપત્તિ છે. જે ૭૭ ટકા લોકો છે એમાંથી દસ ટકા લોકો એવા છે જેમણે કુદરતની તમામ ઋતુઓને એ જેવી છે તેવી માણવી પડે છે.

એટલે કે શિયાળામાં તેમણે ઠરવું પડે છે, ઉનાળામાં તપવાનું રહે છે અને ચોમાસામાં તેઓ અવારનવાર પલળતા રહે છે. આ દસ ટકા ભારતીય નાગરિકોનું જીવન આ અર્થમાં પશુ-પક્ષીઓથી બહુ જુદુ નથી. વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકાર એમને ખોરાક પહોંચાડે છે એ ખરું પરંતુ ઋતુઓ સામે ટકી રહેવામાં એમની પડખે કોઈ નથી.

બહુ થોડાક જ પૈસા હોય તેમાંથી તેઓ બરફ લઇ આવે છે. હમણાં કેરળના ચાર અધ્યાપકોએ આવા સાવ ગરીબ લોકોની બપોર જાણવા રાજ્યમાં લાંબો પગપાળા પ્રવાસ કર્યો. તેમણે જોયું કે પૂંઠા જેવા હાથપંખા તેમને કામમાં આવે છે. બાળકોને આછું ભીનું વસ્ત્ર ઓઢાડે છે. બરફનું પાણી ઘરમાં છાંટે છે, બારીઓ પર લગાવેલા જૂના પરદા જેવા કંતાન પર પણ ઠંડુ પાણી રેડે છે. કોઈ રીતે બપોર પસાર થતી નથી. અગિયાર બાર વાગ્યા પછી તકલીફની શરૂઆત થાય છે.

તો પણ કેરળમાં સમગ્ર દેશમાં આ મોસમમાં જે ઉષ્ણતામાન હોય એનાથી સરેરાશ પાંચ ડિગ્રી ઓછું હોય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બંગાળના અતિ ગરીબોના મધ્યાહનનો તો વિચાર કરવાનો રહે. ઓરિસ્સામાં ગરીબો બહુ સંખ્ય છે પરંતુ આ વખતે તો સતત ઓરિસ્સા જ કુદરતના નિશાન પર છે. એટલે એની ગરમી તો આજકાલમાં ઊડી જ ગયેલી છે, પરંતુ આવનારી ઠંડક મેઘગર્જનાઓ સાથેની છે અને આજે તો તોફાની વરસાદ ત્રાટકવાની સંભાવના છે.

એ સિવાય પણ દેશના અનેક અંતરિયાળ વિસ્તારોમાં જે સાવ ગરીબ લોકો છે એમને માટે શિયાળો અને ચોમાસુ ઘાતક નથી પરંતુ ઉનાળો પ્રાણઘાતક છે. આપણા દેશમાં છે એવી મનોહર ઋતુઓ અને એનો આહલાદ બીજે ક્યાંય નથી, પરંતુ આપણું જનવ્યવસ્થાપન જ એ રીતે ચાલ્યું આવે છે કે દરેક મોસમને પોતપોતાના આગવા મૃત્યુ આંક હોય છે. ઉનાળાનો આ વખતનો મૃત્યુઆંક ૩૫થી વધારે છે. જો કે ગઇકાલથી પવનની દિશા બદલાઈ છે એટલે હવે રાહત મળવાનો સંકેત છે.

Tags :