કૃત્રિમ બુદ્ધિમત્તાના ચમકારા
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ જોકો વિડોડોએ હમણાં એમની સરકારમાં એક અર્દ્ભુત દરખાસ્ત પ્રગટ કરી છે જેનાથી સનસનાટી મચી ગઈ છે. વૈજ્ઞાાનિકો માને છે એનાથી વહેલા કૃત્રિમ બુદ્ધિમત્તા ( આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ) કોઈ પણ દેશની સરકારના સચિવ કક્ષાના અધિકારીઓનું સ્થાન હવે લઈ શકે છે.
જોકો વિડોડોએ પોતાના દેશની યુપીએસસી જેવી ભરતી સંસ્થાઓને કહ્યું છે કે તે આગામી વરસે સિવિલ સેવાની ભરતીની બે રેન્ક સમાપ્ત કરી દે અને એનું કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાસેથી કરાવી લેવાનું નવું વ્યવસ્થાતંત્ર ગોઠવી લે. આની પાછળ રાષ્ટ્રપ્રમુખ વિડોડોનો હેતુ અધિકારીઓનો કાર્યબોજ ઓછો કરવાનો કે સરકારી ખર્ચ ઘટાડવાનો નથી. એમનો ઉદ્દેશ તુમારશાહીનો અંત લાવવાનો છે જે દેશમાં આવતા નવા ઔદ્યોગિક રોકાણકારો માટે બહુ બાધક છે.
જો કે આજકાલ દુનિયાભરમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ ખર્ચ ઘટાડવા માટે જ થવા લાગ્યો છે. જે કામ એક આખા-આખા વિભાગો દ્વારા થતું હતું તે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કરાવવામાં આવે છે. દુનિયાના વિવિધ દેશોની એમાં ફાવટ આવતી જાય છે. પરંતુ ઇન્ડોનેશિયાના વિડોડોએ તો સિવિલ સેવાની બે રેન્ક ઉડાડીને એના સ્થાને કૃત્રિમ બુદ્ધિમત્તાનો જ ઉપયોગ કરવાનો હુકમ કરી દીધો છે. ભલે એનો અમલ થતા થોડી વાર લાગશે પરંતુ આવનારા વરસોનો પૂરો અણસાર આપવા માટે આ ઘટના પૂરતી છે.
મનુષ્યો પૃથ્વીને પોતાનું ઘર માને છે પણ એ એની ગેરસમજ છે. જો પૃથ્વીના જન્મને એક વર્ષ થયું હોય તો મનુષ્યજાત છેલ્લી દસ મિનિટમાં જ અસ્તિત્વમાં આવી કહેવાય. ઔદ્યોગિક ક્રાંતિને તો હજુ બે સેકન્ડ જેટલો પણ સમય વીત્યો નથી એવું કહી શકાય ! માણસ હવે અવકાશમાં ક્યાંય જીવસૃષ્ટિ છે કે નહીં એ શોધીને થોડો કંટાળ્યો છે. માણસનો આગામી પડાવ મંગળ ગ્રહ છે. ટેસ્લા અને નાસા જેવી સંસ્થાઓ પચ્ચીસેક વર્ષની અંદર સમાનવ મંગળયાત્રાનું આયોજન કરી લેશે.
એ ઉપરાંત માણસને હવે જે શોખ જાગ્યો છે એ પૃથ્વી ઉપર જ સૌથી શક્તિશાળી જીવ પેદા કરવાનો છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા મશીનો, કમ્પ્યુટર, રોબોટો કે રોબોટ-હ્યુમનના મિશ્રણ જેવા સાયબોર્ગ માટે મિલિયન ડોલરોનું બજેટ ફાળવવામાં આવે છે. આપણાં મોબાઈલ ફોન જેટલા સ્માર્ટ થયા છે એનાથી અનેકગણા સ્માર્ટ કોમ્પ્યુટર ઉપલબ્ધ છે. ગુગલ, નાસા, એપલ જેવી કંપનીઓ એના ઉપર સખત અને સતત કામ કરે છે.
કૃત્રિમ બુદ્ધિમતાનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે એ ગજબનાક છે. તેના વિકાસની ગતિ માનવ ઉત્ક્રાંતિ કરતાં દસેક લાખ ગણી વધુ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ફક્ત ઇજનેરો કામ કરે છે એવું નથી. ફિલસુફો, ગણિતશાીઓ અને સોફ્ટવેર નિષ્ણાતોને વારંવાર પૂછવામાં આવે છે કે મશીન કઈ સાલ સુધીમાં મનુષ્ય જેટલી બુદ્ધિમત્તા હાંસલ કરી લેશે? જુદા જુદા પ્રોફેશનલ્સનું અનુમાન જુદું જુદું આવે છે.
પણ એ બધાના અનુમાનોની સરેરાશ કાઢીએ તો ૨૦૪૦ કે ૨૦૫૦ નો દાયકો આવે. આનો અર્થ એમ કે એકવીસમી સદીના અંત ભાગમાં મશિનો આપણાં કરતાં વધુ બુદ્ધિશાળી હશે. ઇતિહાસ અને વિજ્ઞાાન બંને સાક્ષી છે કે મોટી માછલી નાની માછલીને ગળી જાય. તો શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરારૂપ સાબિત થશે?
આ સવાલના જવાબમાં પણ મતમતાંતર છે. બે જૂથો પડી જાય છે અને બંને જૂથો અંતિમવાદી વાત કરે છે. એક વર્ગ એવો છે જેમનું માનવું છે કે માણસને અતિક્રમી શકે એવુ મશીન ક્યારેય સંભવિત નહીં બની શકે. અમુક ડોકટરો પણ કહે છે કે રોબોટિક સર્જરીની ઘણી મર્યાદાઓ છે અને તે મર્યાદાઓને ઓળંગી શકાશે નહીં. માણસનું દિમાગ બ્રહ્માંડનું અતિસંકીર્ણ એન્ટીટી છે.
તેની નકલ કરવી કોઈ કાળે શક્ય નહીં બને. જ્યારે નિષ્ણાતોનો બીજો વર્ગ એવું દ્રઢપણે માને છે કે મશીનને માણસને ગુલામ બનાવતા વાર લાગી શકે પણ એ થઈને રહેશે જ. મશીનની બુદ્ધિમતા જે રીતે આગળ વધતી જાય છે એ જોતા માણસ માટે ખતરો છે અને માનવજાત ગંભીરતાથી ધ્યાન નહીં રાખે તો એ લુપ્ત પણ થઈ શકે. સાયન્સ ફિક્શન ફિલ્મો વાસ્તવિકતામાં ગમે ત્યારે ફેરવાઈ શકે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખે પોતાના વ્યવસ્થાતંત્રને હુકમ કરીને એક રીતે દુનિયાભરમાં નવેસરથી કૃત્રિમ બુદ્ધિમત્તાને ચર્ચાને ચાકડે ચડાવી છે.