ચાર રાજ્યોનો મેસેજ .
લોકસભાની ચૂંટણીના ઢોલનગારા અને પરિણામોનો વિજયઘોષ એટલો બધો બુલંદ હતો કે લોકસભા સાથે જ યોજાયેલી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ તરફ ભારતીય લોકસાગરનું બહુ ધ્યાન ન ગયું. એમાંય આન્ધ્રપ્રદેશ અને ઓરિસ્સાની ધારાસભાની ચૂંટણીઓના પરિણામોએે કંઈક એવી વાત કહી જે પ્રજાએ કાને ધરવી જરૂરી છે.
આ બન્ને એવા રાજ્યો છે જ્યાં નરેન્દ્ર મોદીનો વિજયરથ અટકી ગયો. આન્ધ્ર પ્રદેશમાં તો જાણે એ રથને પ્રવેશવાનો મોકો જ ન મળ્યો. કેન્દ્રમાં એક બાર ફિર સરકાર બનાવવા માટે ભાજપે જે ભીષણ જંગ ખેલ્યો એની અનેક રીતે વ્યાખ્યાઓ કરવામાં આવે છે. જેમાંની એક વ્યાખ્યા છે કે ભાજપે વંશવાદને ધ્વસ્ત કર્યો. પરંતુ આ જ સમયમાં ઉક્ત બન્ને રાજ્યોમાં સત્તા વંશજોને જ મળી.
ઓરિસ્સામાં પાંચમી વખત મુખ્યમંત્રીપદના શપથ લેનારા નવીન પટનાયક ઉડિયા રાજકારણના ભીષ્મ પિતા મનાતા બીજુ પટનાયકના પુત્ર છે. બીજી તરફ આન્ધ્ર પ્રદેશમાં ચન્દ્રાબાબુ નાયડુને પછાડનારા જગનમોહન રેડ્ડીના પિતા રાજશેખર રેડ્ડી પણ એ જમાનામાં આન્ધ્રના મુખ્યમંત્રી રહ્યા છે જ્યારે તેલંગણા રાજ્ય પણ આન્ધ્રનો જ હિસ્સો હતું. રસપ્રદ વાત એ પણ છે કે ચન્દ્રાબાબુ નાયડુનું રાજકારણ પણ એક રીતે તો વંશ પરંપરાનો જ ભાગ છે, કારણ કે નાયડુ તેલુગુ રાજનીતિની દિશા બદલનારા નંદમુરિ તારક (એનટી) રામારાવના જમાઈ છે. એમણે રામારાવનો તખ્તો પલટાવીને સત્તા હાંસલ કરી હતી.
નવીન પટનાયકે તેમના પિતાના અવસાનના ચાર વરસ પછી ઈ.સ. ૨૦૦૦માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે એમની ઈનિંગ બહુ લાંબી ચાલશે નહિ, પરંતુ એમણે તમામ પડકારોનો સામનો કરીને ઓરિસ્સાને એવું રાજ્ય બનાવ્યું કે જ્યાં એન્ટી ઈન્કમ્બન્સી પ્રવેશ કરતા જ ગભરાય છે.
આ વખતે જો કે ભાજપને ઓરિસ્સામાં ઘણી ઊંચી આશાઓ હતી, પરંતુ ભાજપના મનસૂબા અહીં કામયાબ ન નીવડયા, ન તો વિધાનસભાની બેઠકો પર કે ન લોકસભાની બેઠકો પર! રાજ્યની ૧૪૭ સદસ્ય ધરાવતી વિધાનસભામાં પટનાયકે ૧૧૨ બેઠકો સહેલાઈથી જીતી લીધી અને ભાજપે ૨૩ બેઠકોથી સંતોષ માનવો પડયો. હા, ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણી પરિણામોની એક લાક્ષણિકતા લોકસભા પરિણામો સાથે કોમન હતી, એ હતી કોંગ્રેસનો ઘોર પરાજય. કોંગ્રેસને માત્ર નવ બેઠકો મળી!
પરંતુ આન્ધ્ર પ્રદેશમાં ૪૭ વર્ષીય જગનમોહન રેડ્ડી માટે જીત એટલી આસાન ન હતી. એ માટે એમણે પૂરા દસ વરસ સંઘર્ષ કરવો પડયો. આજથી દસ વરસ પહેલા તેમના પિતા જ્યારે મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે જ તેમનું અવસાન થયું હતું. જગનમોહન રેડ્ડીએ પિતાના એ પદ પર આરોહણ કરવાનો પોતાનો દાવો પ્રસ્તુત કર્યો. પરંતુ તત્કાલીન કોંગ્રેસ કારોબારીએ એ દાવો ન સ્વીકાર્યો. પછી તો એમણે પોતાની અલગ પાર્ટી બનાવી અને જેલયાત્રા પણ કરી.
હવે જ્યારે એમણે આન્ધ્રમાં પ્રચંડ વિજય હાંસલ કર્યો છે ત્યારે કોંગ્રેસને રાજ્યમાં ખાતું ખોલાવવાનો મોકો પણ મળ્યો નથી. એક માત્ર અરૂણાચલ છે જ્યાં ભાજપને સત્તા હાંસલ કરવામાં સફળતા મળી છે, જ્યારે કે સિક્કીમની વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપની ક્યાંય ઉમેદવારી જ ન હતી. સિક્કીમ વિધાનસભાની ચૂંટણીમાં ૨૪ વરસની ચામલિંગ સરકારને ખસેડીને સિક્કીમ ક્રાન્તિકારી મોરચાના અધ્યક્ષ પ્રેમસિંહ તમાંગે મુખ્યમંત્રીપદ પર સત્તારોહણ કર્યું.
રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષો તરફ સિક્કીમની પ્રજાને સતત અવિશ્વાસ રહ્યો છે. ઈ.સ. ૧૯૭૯થી આજ સુધી કોઈ પણ વિધાનસભા ચૂંટણીમાં સિક્કીમની પ્રજાએ રાષ્ટ્રીય પક્ષોને એક પણ તક આપી નથી. અહીં સદાય પ્રાદેશિક પક્ષોની જ બોલબાલા રહી છે. ઓક્ટોબર, ૧૯૭૯માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં સિક્કીમ જનતા પરિષદના નરબહાદુર ભંડારીએ સરકાર બનાવી હતી. ત્યારથી આજ સુધી પ્રાદેશિકતાની વિભાવના જ અહીં સર્વોપરિ રહી છે.
મિસ્ટર ચામલિંગ અહીં ડિસેમ્બર ૧૯૯૪થી આજ સુધી મુખ્યમંત્રી પદે હતા, હવે તેઓ વિરોધ પક્ષમાં બેસશે. ભારતને વિવિધતાઓનો દેશ માનવામાં આવે છે. પરંતુ એ વિવિધતા માત્ર ભૂગોળ અને સંસ્કૃતિમાં જ નથી, રાજકારણમાં પણ અઢળક વૈવિધ્ય છે. દરેક રાજ્યની રાજનીતિ પાસે પોતપોતાનું સત્ય છે.
અખિલ ભારત જ્યારે પોતાની નવી કેન્દ્ર સરકારની પસંદગીમાં વ્યસ્ત હતો ત્યારે ચારેય રાજ્યો આન્ધ્ર, ઓરિસ્સા, અરૂણાચલ અને સિક્કીમે પોતપોતાના સત્ય પર ડંકો વગાડી દીધો. વડાપ્રધાને ચૂંટણીના પરિણામોને ભારતનો વિજય કહ્યો છે, પરંતુ આ ભારતની વિવિધતાની પણ જીત છે.