લંકામાં ભારેલો અગ્નિ
શ્રીલંકાનું રાજકીય સંકટ ભારત માટે સ્વાભાવિક રીતે જ ચિંતાનો વિષય છે. દક્ષિણ એશિયામાં શ્રીલંકા તમામ સંજોગો અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત માટે મહત્વનો ટાપુ છે.
ચીને જે રીતે તિબેટમાં પોતાનું પરોક્ષ શાસન સ્થાપી દીધું છે અને હવે તો તિબેટનું નામ માત્ર જ છે અને એ જ રીતે નેપાળમાં પણ ચીને પોતાની કઠપૂતળીઓ ગોઠવી છે એ જ રીતે શ્રીલંકાના તમામ ઘટનાક્રમમાં ચીનનો હાથ હોવાની આશંકા રહે છે.
શ્રીલંકામાં અત્યારે જે નવી રાજકીય અસ્થિરતા પેદા થઇ છે તે આપણા આ દક્ષિણી પાડોશી દેશ સાથેના સંબંધોને નિશ્ચિત રીતે પ્રભાવિત કરશે. એક નાટયાત્મક ઘટનાક્રમમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને એકાએક જ વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. એની પહેલા સિરિસેનાના પક્ષે વિક્રમસિંઘેનું નેતૃત્વ ધરાવતી ગઠબંધન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.
વિક્રમસિંઘેનો શ્રીલંકામાં એક રાજનેતા તરીકે સારો પ્રભાવ છે. વિક્રમસિંઘેેએ પોતાને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે અને તેઓ હવે શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવી રહ્યા છે. તેઓને બરતરફ કર્યા બાદ પણ તેમની દિનચર્યા અગાઉ જેવી જ છે અને તેઓ કહે છે કે હું તો વડાપ્રધાન તરીકે કામ કરવાનું ચાલુ રાખીશ.
શ્રીલંકાના બંધારણ પ્રમાણે અન્યો દ્વારા બહુમતી પુરવાર થયા વિના પ્રવર્તમાન વડાપ્રધાનને ખસેડી શકાતા નથી. આમ તો અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તે થવાનું જ હતું અને એમાં ખાનગી કંઈ ન હતું પરંતુ રાષ્ટ્રપતિ આટલી હદે જશે એની કલ્પના શ્રીલંકાની પ્રજાને પણ ન હતી. ભારતના જેમાં અતિશય ઉચ્ચસ્તરના અને લાંબાગાળાના હિતો રહેલા છે તેવો આ એક જંગ છે જેને લડી રહ્યા છે શ્રીલંકાના જ ટોચના બે નેતાઓ.
વડાપ્રધાન વિક્રમસિંઘેે ભારત પ્રત્યે દોસ્તી દાખવનારી અને ખરા અર્થમાં ભારતને ઓળખનારા નેતા છે, છેલ્લા કેટલાક સપ્તાહથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેના વાક્યુદ્ધના તણખા ઝરતા હતા, આ વિવાદના મૂળમાં પણ ભારત સરકાર અને ભારતીય કંપનીઓના શ્રીલંકામાં થઈ રહેલા રોકાણ જ છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર કોલંબોમાં પોર્ટ વિકસાવી આપવાની મથામણમાં છે.
જે રીતે અને જે કંપનીઓએ ગુજરાતના પીપાવાવ પોર્ટને વિકસાવ્યું એ જ કાફલો કોલંબો નજીકના એક નવા દરિયા કિનારે પોર્ટ વિકસાવી આપવા માટે કામે લાગે એ માટે ભારત સરકારે ધમધોખાર પેપરવર્ક પણ પૂરું કરી નાંખ્યું છે.
શ્રીલંકા સરકારની કેબિનેટ મિટિંગોમાં આ પ્રકરણ વારંવાર ગાજતું રહ્યું છે કારણ કે કેબિનેટમાં પણ કેટલીક ચાઇનિઝ કઠપૂતળીઓ સમાવિષ્ટ છે જે ચીનના ઇશારે કામ કરે છે. ભારતના વિદેશ મંત્રાલયમાં કોલંબો નજીકના આ પ્રોજેક્ટને અત્યારે સ્કિલ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
સ્કિલ પ્રોજેક્ટ એ ભારતે પાડેલું નામ છે અને શ્રીલંકાના પ્રધાન મંડળમાં એને ઇસ્ટ કન્ટેનર કોસ્ટ તરીકે ઉલ્લેખવામાં આવે છે. વિક્રમસિંઘેે અનેકવાર કહી ચૂક્યા છે કે શ્રીલંકાના કોઇ પણ નવા આધુનિક બંદરનો વિકાસ ભારતની મદદ લઇને જ કરવાનો છે, જ્યારે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને એ સહેજેય મંજુર નથી.
સિરિસેના એમ માને છે કે ભારતીય જાસૂસી સંસ્થા રો સતત એની પાછળ પડેલી છે, તેઓ સતત રો વિરુદ્ધ બોલે છે. થોડા દિવસો પહેલા જ સિરિસેનાએ કંઇ વિચાર્યા વિના અને આધાર પુરાવાઓ વિના રો પર આરોપ મૂકયો હતો કે ભારતના જાસૂસો મારી હત્યા કરવાનો પ્રયાસ કરે છે.
ભારત વિરુદ્ધની આવી અનેક વાતો વહેતી કરીને રાષ્ટ્રપતિ સિરિસેના સતત દ્વિપક્ષીય સંબંધોને આડે પાટે ચડાવવાની કવાયત કરતા રહે છે. પરંતુ વિક્રમસિંઘેેે શ્રીલંકન કેબિનેટ અને પ્રજાને સતત સમજાવતા રહે છે કે આ સિરિસેના આખો દેશ ચીનને વેચી દેવા ચાહે છે અને જે હાલત તિબેટિયનોની થઇ છે તે જ દશા શ્રીલંકન પ્રજાની થવાની છે, એની આવી વાતોથી જનસમુદાયનો એક મોટો વર્ગ હવે સિરિસેનાની વિરૂદ્ધમાં છે. આ રાષ્ટ્રપતિ સિરિસેના એક ખતરનાક રાજનેતા છે અને શ્રીલંકન સૈન્યને વિશ્વાસમાં લીધા પછી એણે વડાપ્રધાન વિક્રમસિંઘેને પદભ્રષ્ટ કર્યા છે.
વડાપ્રધાન વિક્રમસિંઘે પોતાના દેશની વિવિધ પરિયોજનાઓની વિસ્તૃત ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીને મળવા અગાઉ દિલ્હી આવ્યા હતા ત્યારે ભારતને એમ લાગતું હતુ કે શ્રીલંકા સાથેના સંબંધો યોગ્ય દિશામાં હવે આગળ ધપી રહ્યા છે. પરંતુ બે દિવસ પહેલાની ઘટનાએ ફરી સ્પષ્ટ કરી આપ્યું કે રાષ્ટ્રપતિ સિરિસેનાના અપલક્ષણો એના એ જ છે અને તેઓ હજુ શ્રીલંકાને ચીનના ખોળે બેસાડવા ઉત્સુક છે.
જે રાજપક્ષેને અત્યારે સિરિસેનાએ વડાપ્રધાનના શપથ લેવરાવ્યા છે તે રાજપક્ષ ખરેખર તો સિરિસેનાનો જૂનો શત્રુપક્ષ જ છે. રાતોરાત દુશ્મન સાથે દોસ્તી કરવાનું સાહસ સિરિસેનાએ કેમ કર્યું એ રહસ્ય શ્રીલંકન પ્રજાને પણ સમજાયું નથી. ઇ.સ. ૨૦૧૫માં તો રાજપક્ષેને સત્તાથી દૂર રાખવા માટે સિરિસેના અને વિક્રમસિંઘેએ સમજુતી કરી હતી.