ટયુશન ક્લાસ સંકટ .
રાજ્યના તમામ ટયુશન ક્લાસિસ છેલ્લા કેટલાક સમયથી બંધ પડી ગયા છે. સુરતના અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યના વહીવટીતંત્રોને આપેલી સૂચના પ્રમાણે ચોતરફ દરોડા પાડવામાં આવ્યા અને વર્ગો બંધ થઈ ગયા છે. એકાએક જ સરકાર ટયુશન ક્લાસ પર તૂટી પડી છે. વાસ્તવિકતા એ છે કે ખુદ રાજ્ય સરકારના બહુમાળી ભવનો અને સચિવાલયના કેટલાક વિભાગોમાં પણ હજુ ફાયર સેફટીના ઠેકાણા નથી.
એક જમાનામાં આ ટયુશન ક્લાસિસને શિક્ષણની હાટડીઓ કહેવામાં આવતી હતી પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે શાળાઓ અને કોલેજોમાં જે શીખવા મળતું નથી અને શિક્ષણ સંસ્થાઓ ઇરાદાપૂર્વક એ ભણાવતી નથી એ તમામ વિદ્યાઓ આ ટયુશન ક્લાસિસમાં ભણવા મળે છે. ઉદાહરણ તરીકે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓમાં સારું પર્ફોર્મન્સ આપવા માટે વિદ્યાર્થીઓએ કોમ્પિટિટિવ એકઝામના ખાનગી ટયુશન ક્લાસમાં જવું પડે છે.
આ ટયુશન ક્લાસિસને કારણે જ રાજ્યના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ રાજ્ય કે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગોઠવાયા છે. એ જ રીતે મેડિકલ અને એન્જિનિયરિંગની અનેક પ્રવેશ યોગ્યતા કસોટીઓમાં ઉત્તીર્ણ થવા માટે પણ વાલીઓએ આ પ્રકારના ખાનગી ટયૂશન ક્લાસનો સહારો લેવો પડે છે. કારણ કે એ બધુ ભણાવવાની વ્યવસ્થા ખાનગી કે સરકારી શાળા-કોલેજો પાસે નથી.
સુરતમાં લાગેલી રુફ ટોપ ફાયરને કારણે રાજ્યભરના ટયુશન ક્લાસીસ પર દરોડા પાડવામાં સરકારે થોડી ઉતાવળ પણ કરી છે. જો રાજ્ય સરકારે ફાયર સેફટીનું એન.ઓ.સી રજૂ કર્યા પછી જ ટયુશન ક્લાસ ચાલુ કરવાની વાત કરી તો એ જ રીતે રાજ્યની અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીનો તો આજની તારીખે ધડો નથી તો શું સરકાર એક હોસ્પિટલમાં આગ લાગે પછી જ હોસ્પિટલ માટેના નિયમો ઘડશે?
રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાના પોતાના કાર્યાલયો પણ પુનઃમૂલ્યાંકનને પાત્ર છે. મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર પાસે આ પ્રકારના ટયુશન ક્લાસિસના રજિસ્ટ્રેશનનો કોઈ કાયદો જ નથી. અત્યારે ગુજરાતમાં જે અનેક ગેરકાયદે બાંધકામો થયેલા છે એમાંના મોટા ભાગના એવા છે જેને ઈમ્પેક્ટ ફીના ધારાધોરણ પ્રમાણે સરકારે જ કાયદેસર કરી આપેલા છે. એમ કરતી વખતે સરકારે પોતે પણ ફાયર સેફટીનો વિચાર કર્યો નથી.
ગુજરાતમાં આજ સુધીની સરકારમાંથી કોઈએ બાંધકામ અંગે એવો કાયદો બનાવ્યો જ નથી કે દરેક ઇમારતમાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોવી જોઈએ. માત્ર સરકારે જ નહિ તમામ બિલ્ડરોએ પણ માનવતાના ધોરણે પણ પોતાના બાંધકામોમાં અગ્નિશમનના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું જોઈએ. સુરતની દુર્ઘટના માત્ર કોઈ અકસ્માત નથી, એમાં અનેક પક્ષકારો અને હિત ધરાવતા તમામ પરિબળોની બેદરકારી પણ છે.
કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય અને આઇએલટીએસ કે ટોફેલની પરીક્ષા આપવી હોય તો એ માટે રાજ્ય સરકાર તરફથી કોઇ વ્યવસ્થા નથી. એ તો એમણે ખાનગી ટયુશન ક્લાસમાં જ અભ્યાસ કરવા જવું પડે. એ જ રીતે જીઆરઈ, જેઈઈ, નિટ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, સ્પોકન ઇંગલિશ, સ્કેટિંગ, બેંકિંગ, નૃત્ય, સંગીત, ફેશન ડિઝાઇનિંગ, સી. એ. ફાઉન્ડેશન એમ અનેક પ્રકારના ખાનગી ટયુશન ક્લાસિસ ચાલે છે. રાજ્યના દરેક મોટા શહેરોમાં ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાાન પ્રવાહના ખાનગી ટયુશન ક્લાસમાં જ વિદ્યાર્થીઓ ભણતા હોય અને શાળાએ કદી ન જતા હોય એવો પણ મોટો વર્ગ છે. અને એમના નામ માત્ર નામ ખાતર જ અન્ય શાળાઓના દફતરે ચાલે છે.
ફાયર બ્રિગેડ પાસે પણ કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. જ્યારે કે આગ લાગી ન હોય ત્યારે ફાયરબ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની જવાબદારીના સંબંધિત વિસ્તારમાં સુપરવિઝન કરવાનું હોય અને એ અંગે સરકારને રિપોર્ટ કરવાનો હોય પરંતુ આપણે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી. આગ ન લાગી હોય એવા સમયને ફાયર બ્રિગેડનો સ્ટાફ આરામનો સમય માને છે, જ્યારે કે એ જ ખરેખર કામનો સમય હોય છે.
એ જ રીતે જીઈબી પાસે પણ આગ ન લાગે એ માટે વીજ પુરવઠા પ્રવાહના પૂર્વ નિરીક્ષણની ગાઈડ લાઈન નથી. દેશની અન્ય રેસ્ટોરન્ટમાં લાગેલી આગની ઘટનાઓને ગુજરાત સરકારે ગંભીરતાથી લેવાની જરૂર છે. રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ અને કિચન બન્ને વિભાગો અડોઅડ હોય છે. અધિકાધિક સંખ્યામાં ગેસ સિલિન્ડરનો જથ્થો એ જ રસોડામાં હોઈ શકે છે. આગ લાગવાની સંભાવના ત્યાં અનેક રીતે વધારે હોય છે. આપણા ફૂડ ઈન્સ્પેક્ટરની આ રેસ્ટોરન્ટ મુલાકાતો જાણીતી છે. એકડે એકથી રાજ્યના બાંધકામોનું પ્રહલાદકરણ કરવાની જરૂર છે જેને આગની એક પણ જ્વાળા કદી સ્પર્શી ન શકે.