Get The App

યુદ્ધજહાજની જ્વાળા .

Updated: Apr 29th, 2019

GS TEAM

Google News
Google News
યુદ્ધજહાજની જ્વાળા                                            . 1 - image



ભારતીય નૌકાદળની જગતમાં વિશેષ પ્રતિષ્ઠા છે. ઇન્ડિયન નેવી દુનિયામાં પાંચમા ક્રમનું સૌથી વિરાટ સામુદ્રિક સૈન્ય છે. ભારતીય દરિયાઈ સીમાઓની સુરક્ષા નિભાવવા ઉપરાંત સૈન્ય શિક્ષણમાં એવી કેટલીક વિશિષ્ટ પ્રણાલિકાઓ આપણા નૌકાદળ પાસે છે કે મિત્ર રાષ્ટ્રો અવારનવાર ભારત સાથે એમના નૌકાદળની સંયુક્ત કવાયત ચાહતા હોય છે. તેમ છતાં છેલ્લા એકાદ દાયકાથી દરેક વરસે ભારતીય યુદ્ધ જહાજોમાં કોઈને કોઈ નાની-મોટી દુર્ઘટના થતી આવી છે. 

હમણાં આઇએનએસ વિક્રમાદિત્યમાં લાગેલી આગ, એ પરંપરાનો નવો દુઃખદ અધ્યાય છે. રશિયાનું અગાઉનું વિમાનવાહક જહાજ 'એડમિરલ ગોર્શકોવ' જ નવા રૂપાંતરિત સ્વરૂપે ભારતને આઇએનએસ વિક્રમાદિત્ય નામે ભારતને મળેલું છે. અંદાજે સવા બે અબજ રૂપિયાના જંગી ખર્ચથી ભારતે આ જહાજને રશિયા પાસે અપડેટ કરાવેલું છે.

આ જહાજ એક હરતું ફરતું અને તરતું લશ્કરી મથક છે. એની લંબાઈ ત્રણ ફૂટબૉલ મેદાનો જેટલી અને ઉંચાઈ બાવીસ માળની બિલ્ડીંગ જેવી છે જ્યાં આઇએનએસ વિક્રમાદિત્ય ઉપસ્થિત હોય ત્યાંથી એક હજાર કિલોમીટરના અંતરમાં કોઈ લડાયક વિમાન કે યુદ્ધજહાજ ફરકી પણ ન શકે એ એની તાકાત છે. એની એન્ટિમિસાઇલ પ્રણાલિકા ખતરનાક છે.

રશિયાએ આ જહાજ ભારતને વેચવાનો કરાર કર્યો, ભારતે મહત્ રકમ ચૂકવી દીધી અને એને ટેકનોલોજીકલ અપડેટ કર્યા પછી એક તબક્કો એવો આવ્યો કે ખુદ રશિયન નૌકાદળને આ જહાજની ફરી માયા લાગી એટલે રશિયાએ ચાલાકી શરૂ કરી. કારણ કે, અપડેટ થતાં થતાં તે અજેય કક્ષાએ પહોંચી ગયું હતું. ભારતે બહુ જ ફૂટનીતિ પ્રયોજીને એ સોદાને ફોગટ થતા અટકાવ્યો અને જહાજને ભારતીય સીમામાં લઈ આવ્યા એ એક અલગ પ્રકરણ છે.

કર્ણાટકના કરવાર બંદરમાં આઇએનએસ વિક્રમાદિત્ય ગત શુક્રવારે દાખલ થઈ રહ્યું હતું. ત્યારે એના એન્જિન વિભાગમાં આગ લાગી. છતાં તુરત ખ્યાલ ન આવ્યો એથી આગ વધુ ભડકી અને ઉપર સુધી આવી ગઈ. જહાજ ઉપર દોડધામ મચી ગઈ અને ખબર પડયા પછી વીજળીક વેગે આગ પર કાબૂ મેળવી લેવાયો. પરંતુ આગ બુઝાવવામાં વ્યસ્ત એક લેફ્ટનન્ટ કમાન્ડર ધુમાડાને કારણે બેહોશ થઈ ગયા, એમને જાનની બાજી ખેલીને ભયાનક મોટી દુર્ઘટના અટકાવી હતી, નહિતર આગ એવી હતી કે પછીના થોડાક જ સમયમાં વિસ્ફોટક સ્વરૂપ લઈ લેત.

એન્જિન વિભાગની સદાય ઇંધણના પુરવઠા સાથે લિન્ક ધરાવે છે અને એથી મોટી હોનારત થતા વાર લાગતી નથી. ગત વરસના અંતે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને આઇએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી હતી અને વિસ્તારપૂર્વક આ યુદ્ધજહાજની તાકાત જોઈ હતી. નૌકાદળે યુદ્ધ જેવી જ એક મોકડ્રિલનો તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો. છતાં આ વિમાનવાહક જહાજ પર થયેલી નવી દુર્ઘટના અંગે કે તેમાં પોતાની જાન કુરબાન કરનારા નૌકાદળના લેફ. કમાન્ડર વિશે પ્રધાને કોઈ ઉચ્ચાર કર્યો નથી તે દુઃખદ છે.

હજુ હમણાં જ એક સપ્તાહ પહેલા શ્રીમતી સીતારામને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરોની સાથે એક બેઠક યોજીને વાર્તાલાપ કર્યો હતો. જેને ઉત્તરીય અરબી સમુદ્ર કહેવાય એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જળવિસ્તાર ત્યાં અત્યારે બન્ને દેશોનું નૌકાદળ અત્યન્ત સતર્ક દેખાય છે અને ભારત છેલ્લા ત્રણ મહિનાથી આ ઉત્તરીય અરબી સમુદ્રમાં નૌકાદળના વધુ ને વધુ યુદ્ધજહાજો ખસેડી રહ્યું છે ત્યારે આઇએનએસ વિક્રમાદિત્યને લાગેલી આગને સાવ અકસ્માતરૂપે ન જોવી જોઈએ.

એન્જિનરૂમમાં એક ચિનગારી પણ પ્રગટે તો જહાજ પર એલાર્મ વાગે છે, છતાં આગની જ્વાળાઓ છેક ઉપર આવીને આકાશ તરફ ફૂંફાડા મારવા લાગી ત્યાં સુધી ન તો કોઈને ખબર પડી કે ન તો કોઈ એલાર્મ વાગ્યો ! ભારતીય નૌકાદળનું આ સૌથી મોટું વિમાનવાહક જહાજ છે અને એની પોતાની ટેક્નિકલ સુરક્ષા અંગે સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. બે વરસ પહેલાં પણ આ જહાજ પર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઝેરી ગેસને કારણે બે નૌસૈનિકોની જિંદગી હોમાઈ ગઈ હતી.

કદાચ આ કવચિત જ બનતી દુર્ઘટના હોય તો એને આકસ્મિક કહેવાય પરંતુ ભારતીય નૌકાદળના જહાજો કે જે વ્યૂહાત્મક અને હિંસક તાકાત ધરાવે છે એમાં જુદી જુદી દુર્ઘટના સર્જાવાનો એક સિલસિલો છે, એના ઉપલબ્ધ ડેટા પર નજર નાંખો તો પણ સ્તબ્ધ થઈ જવાય એમ છે.

કેન્દ્ર સરકારે હિન્દ મહાસાગરમાં ચીનનો ઉપદ્રવ અને પાકિસ્તાન સાથેની તંગદિલીને ધ્યાનમાં રાખીને તાત્કાલીક અસરથી નૌકાદળને હજુ એક નવી ઉંચાઈ અને દરિયાઈ ગહેરાઈ સુધી વ્યાપ વિસ્તારી આપવાની જરૂર છે એ વાત અલગ છે કે અત્યારે તો કેન્દ્રની એનડીએ સરકાર પોતાનું જહાજ ડૂબી ન જાય એની ચિંતામાં છે એટલે અત્યારે તો એ જહાજમાં આગ ન લાગે એની જ એમને ચિંતા છે.

Tags :