કોર્પોરેટ સરકારી અધિકારી ?
હા. ભારત સરકારમાં હવે ઉચ્ચ અને સચિવની કક્ષાએ એવા અધિકારીઓ સત્તામાં આવી રહ્યા છે જેમને કોર્પોરેટ સરકારી અધિકારીઓ જ કહેવાય. સરકારી અધિકારીઓના પરંપરાગત કાફલામાં પ્રયોગરૂપે આ એક નવી આબોહવા છે. કોર્પોરેટ મેનેજરો કક્ષાની નવી ટેલન્ટને સરકાર સીધી ભરતીથી હવે કેટલાક મંત્રાલયો અને અન્ય જવાબદાર ક્ષેત્રોમાં નિયુક્ત કરી રહી છે. કેન્દ્ર સરકારે હમણાં પ્રાઇવેટ સેક્ટરમાંથી વિવિધ નવ અધિકારીઓને જોઈન્ટ સેક્રેટરી એટલે કે સંયુક્ત સચિવ પદે નિમણૂંક આપી છે.
છેક ગયા જૂન મહિનામાં ભારત સરકારે આ માટેની દરખાસ્તોને જાહેર નિમંત્રણ આપ્યું હતું. એટલે કે હવે આ નવનિયુક્ત સચિવો કે જેઓ પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંતો છે તેઓ યુપીએસસીની કોઈ પણ, આઇએએસ, સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપ્યા વિના સીધા જ નિમણૂંક પામ્યા છે.
સરકારનો હેતુ દેશમાં વ્યાપ્ત તુમારશાહીને અભિનવ સ્વરૂપમાં ઢાળવાનો છે. જોકે આ પ્રણાલિકા એવી છે કે એનો બહુ આસાનીથી દુરૂપયોગ થઈ શકે. છતાં બહુ જ સાવધાની રાખીને સરકારે યોગ્ય દાવેદારોને નિયુક્તિ આપી છે. ટૂંક સમયમાં જ તેઓ પોતાનો કાર્યભાર સંભાળીને કામગીરી શરૂ કરી દેશે.
આ પ્રકારની નિયુક્તિને જાહેર વહીવટમાં લેટરલ એન્ટ્રી કહેવાય છે. આ રીતે સરકાર કોર્પોરેટ સેક્ટરના અન્યના સફળ નવલોહિયાઓને કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અને દેશના વધુમાં વધુ લોકો સુધી તેમની સેવાઓ પહોંચાડવાનો મોકો આપે છે. દેશની નોકરશાહીમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત તો ઘણા લાંબા સમયગાળાથી અનુભવાઈ રહી છે.
કેટલાક લોકોનો એવો આરોપ રહ્યો છે કે સિવિલ સેવાની પરીક્ષાનું માળખું જ એવું રહ્યું છે કે જેમાં પોપટપાઠ ઉચ્ચારનારા ગોખણવીરો કે પુસ્તકિયા સરઝુકાવ પંડિતો બહુ સરળતાથી પસંદગી પામી જતા હોય છે, જેને વ્યાપક જનસમુદાયના કલ્યાણમાં એટલે રસ હોતો નથી કે એ માટેનું એમનું વિઝન કેળવાયેલું હોતું નથી. અને એ વિઝન કેળવાય ત્યાં સુધીમાં તો તેઓ નિવૃત્ત થઈ જાય છે.
ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આઇએએસની કેડરને સમાપ્ત કરીને એની જગ્યાએ ઇન્ડિયન મેનેજમેન્ટ સર્વિસની નવી કેટરની રચના કરવી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાંતોને પસંદ કરવામાં આવે. ઇ.સ. ૨૦૦૫માં ભારતીય વહીવટીય સુધારણા આયોગના પ્રથમ રિપોર્ટમાં જ લેટરલ એન્ટ્રીની પ્રણાલિકા દાખલ કરવા ભારત સરકારને સૂચવવામાં આવ્યું હતું. એક રીતે જુઓ તો આ સાવ નવી વાત નથી.
અગાઉ પણ સિવિલ સર્વિસમાં બહારના લોકોને નિયુક્તિ આપવામાં આવતી હતી. સામ પિત્રોડા પણ એ જ રીતે ભારત સરકારમાં દાખલ થયા હતા, પરંતુ તેઓ અધિકારી નહિ, સલાહકાર હતા, જેમને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વિશેષ સત્તાઓ આપી હતી, જેને કારણે તેઓ ભારતની ટેલિકોમ ક્રાન્તિના ભીષ્મપિતા બની શક્યા.
એ જ રીતે ડૉ. મનમોહનસિંહ ઇ.સ. ૧૯૭૧માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે દાખલ થયા હતા. ડૉ. મનમોહનસિંહ ખુદ વડાપ્રધાન બન્યા પછી એમણે પોતાના મુખ્ય આર્થિક સલાહકાર સ્વરૂપે રઘુરામ રાજનની નિમણૂંક કરી હતી. રાજન પણ યુપીએસસીનાં દરવાજેથી આવ્યા ન હતા.
ન્યૂઝિલેન્ડ, બ્રિટન અને અમેરિકામાં આ પ્રકારે નિયુક્તિઓ થવાનો ક્રમ પાછલા ઘણા વરસોથી ચાલે છે અને એવા નિપુણ લોકો પોતાના જ્ઞાાન અને અનુભવથી તેમની સરકારની દ્રષ્ટિસંપન્નતા સમૃદ્ધ કરતા આવ્યા છે. ભારતમાં આ પ્રયોગ આપણી જૂની પુરાણી અફસરશાહીમાં નવચેતનાનો સંચાર કરી શકે છે.
વર્તમાન સિસ્ટમમાં એક અધિકારી એટલા ખાતાઓમાંથી પસાર થતા રહે છે કે એમનામાં એક પ્રકારની યાંત્રિકતા આવી જાય છે. એને કારણેઆ અધિકારીઓમાં કલ્પનાશીલતા, ઈનોવેશન અને જોખમ લેવાની પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા પારંગત લોકો કાર્યમાં જીવંતતા લાવી શકે છે.
તેઓ યોજનાઓને એકની એક ઘરેડમાંથી બહાર લાવીને ખરા અર્થમાં અમલી બનાવી શકે છે. તો પણ નવનિયુક્ત લેટરલ એન્ટ્રીથી આવેલા અધિકારીગણની એક સમસ્યા એ તો રહેવાની છે કે તેઓ જૂની ઘરેડમાં ચાલવા ટેવાયેલા અન્ય અધિકારીઓના સમૂહથી ઘેરાયેલા રહેશે. એવા જૂના જોગીઓ પાસેથી આ નવનિયુક્તો કઈ રીતે કામ પાર પાડી શકે છે તે જોવાનું રહે છે.
નવનિયુક્ત અધિકારીઓનો સત્તાકાળ શરૂઆતમાં ત્રણ વરસનો રહેશે. આ અધિકારીઓ અગાઉ કોર્પોરેટ ક્ષેત્રમાં રાષ્ટ્રીયસ્તરની જવાબદારીઓ અદા કરવાનો અનુભવ ધરાવે છે અને તેમાંના કેટલાક તો બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારત ખાતેના વડા રહી ચૂક્યા છે. તેઓ તેમના ક્ષેત્રમાં નામાંકિત હોય છે.
જોબ એ તેમને માટે કોઈ પ્રશ્ન નથી હોતો અને કોર્પોરેટ સેક્ટરમાં તો અન્ય કોઈ પણ જાયન્ટ કંપનીઓ ગમે તે ક્ષણે તેમને સ્વીકારવા તૈયાર હોય છે. એક ઉચ્ચત્તમ પ્રતિભાના તેઓ માલિક હોય છે. ભારત સરકારનો આ નવનિયુક્તો સાથેનો અને આ અધિકારીઓનો સરકાર સાથેનો અનુભવ કેવો રહે છે તે પણ અન્ય અધિકારીઓની લોબી માટે જિજ્ઞાાસાનો વિષય રહેશે.