કેદીઓનો ભીષણ જંગ .
આપણા દેશની જેલોની જે સ્થિતિ છે એની તપાસ માટેની કોઈ પદ્ધતિસરની પ્રવિધિ સરકારે વિકસાવી નથી. એને કારણે બહારનું જગત જાણતું જ નથી કે જેલના સળિયા પાછળની જિંદગી શું છે. જેલ સત્તાધીશો કેદીઓને એક તો બહુ જ ખરાબ અને અમુક હદે અમાનવીય રીતે રાખે છે અને આ સિક્કાની બીજી બાજુ એ છે કે ગુનેગાર જેલ બહાર સાદો મોબાઈલ વાપરતો હોય તો જેલમાં એન્ડ્રોઇડ વાપરતો થઈ જાય છે.
ગત સપ્તાહે લુધિયાણાની જેલમાં કેદીઓએ અંદરો-અંદર જે જંગ લડયો તે ઘટનાએ ભારત સરકારના ગૃહખાતાની ઊંઘ ઉડાડી દીધી છે અને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નવા જેલ મેન્યુઅલ સાથે આકરા નિયમો બનાવવા સક્રિય થઈ છે. હવેના નિયમો કેદીને બદલે જેલના અધિકારીઓને સાણસામાં લેનારા હશે. જેલમાં શું મળે છે એના બદલે હવે જેલમાં શું નથી મળતું એ પૂછવાનો સમય આવ્યો છે.
લુધિયાણાની જેલમાં કેદીઓના બે જુથો વચ્ચે એવી અથડામણ થઈ કે જેલ અધિકારીઓનો એમના પર કોઈ કાબુ ન રહ્યો. એ જંગમાં એક કેદીનું તરત જ મોત થતાં જેલમાં આક્રોશ ફેલાઈ ગયો. થોડી જ વારમાં કેદીઓએ ત્યાંના જેલમાં ફરજ બજાવતા પોલીસમેનોના હથિયારો આંચકી લીધા, એમને બેરેકમાં પૂરી દીધા.
પછી જ્યારે બહારથી નવા પોલીસ કાફલાઓ આવ્યા ત્યારે એના પર કેદીઓએ એમના જ હથિયારોથી ગોળીબાર ચાલુ કરી દીધા. સામસામા કુલ નેવું રાઉન્ડ ગોળીબાર થયા. પરિસ્થિતિને થાળે પાડવા માટે જેલ સત્તાવાળાઓને કુલ ચાર કલાક જેટલો સમય થયો - આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આપણે માનીએ છીએ કે જેલમાં એવો કડક બંદોબસ્ત હોય છે કે ત્યાં ચકલું પણ ફરકતું નથી એ વાત ખરેખર પોકળ અને હાસ્યાસ્પદ સાબિત થઈ જાય છે.
આમ પણ દુનિયામાં ભારતીય જેલ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. બ્રિટિશ અદાલતો પણ તાજેતરની વિવિધ ઘટનાઓમાં ભારતીય જેલોની ટીકા કરી ચૂકી છે. માનવ અધિકાર પંચના અનેક તહોમતનામાઓ ભારતીય જેલો સામે ઉભા છે. આપણા ગુજરાતમાં જ અનેક કેદીઓ એવા છે જેની સજાનો નિશ્ચિત સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં એનું પેપરવર્ક બાકી હોવાને કારણે જેલ સત્તાવાળાઓએ એમને જેલમાંથી હજુ મુક્ત કર્યા નથી. દેશભરમાં અનેક જેલોમાં સંખ્યાબંધ કેદીઓ એવા છે કે જેઓ સજા પૂરી થયા પછીની વધારાની અકારણ સજાઓ ભોગવી રહ્યા છે.
કેદીઓ જેલમાંથી અદાલતમાં રજૂઆત પણ કરી શકતા નથી કારણ કે તેઓ જેલને આધીન હોય છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં સુરેન્દ્રનગરની જેલના વિડીયો વાયરલ થયા હતા જેમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓ કેદીઓ પર કેટલો જુલમ આચરે છે અને જેલમાં કેટકેટલી વસ્તુઓ કેવા કેવા ભાવે વેચાતી મળે છે. કેટલાક સાહસિક ગુનેગારોએ પોલીસ સ્ટેશનની પરવા કર્યા વિના આ બધી સત્ય હકીકતો પ્રજા સમક્ષ ખુલ્લી મૂકી દીધી હતી.
સાબરમતી જેલનો ઇતિહાસ પણ બહુ જુના પાના ઉથલાવવા જેવો નથી. ત્યાં પણ બેદરકારીના અનેક કિસ્સાઓ નોંધાયા છે. ભારતમાં જેલની દીવાલો જાણે કે માત્ર કહેવા ખાતરની દીવાલો હોય એવી ઘટનાઓ વારંવાર બનેલી છે. પંજાબની જેલો વિષે પણ એમ કહેવાય છે કે જેલમાં રહેલા કેદીઓ તો નશીલા દ્રવ્યોના મોટા વિક્રેતાઓ હોય છે અને સમગ્ર રાજ્યમાં એનું એક વ્યવસ્થાતંત્ર ચાલતું હોય છે. લુધિયાણામાં સરકાર હવે પગલા લેશે અને તપાસ પણ કરશે પરંતુ દેશભરના લોકોએ એ ઘટના નજરોનજર નિહાળી છે કારણ કે જ્યારે જેલમાં દંગલ ચાલતું હતું ત્યારે કેટલાક કેદીઓ સોશિયલ મીડિયામાં એ ઘટનાનું જીવંત પ્રસારણ શરૂ કરી દીધું હતું
ભારતીય જેલો નવીનીકરણની જરૂરિયાતથી પીડાઈ રહી છે. જેલના સળિયા પાછળની દુનિયામાં એક અલગ જ પ્રકારની અંધારી આલમ ધબકતી હોય છે. ક્યારેક એની સત્તા જેલના સત્તાવાળાઓની ઉપરવટ જતી રહે છે અને એમાંથી લુધિયાણા જેવી ઘટનાઓ આકાર લે છે. જેલનું જ્યારે પણ ઇન્સ્પેક્શન હોય છે ત્યારે સબ સલામતના બ્યુગલ બજાવવામાં આવે છે.
પરંતુ વાસ્તવિકતા તો વિપરિત જ હોય છે. દેશની અનેક જેલોમાં એની ક્ષમતા કરતા વધુ કેદીઓને પૂરવામાં આવે છે એ અંગે પણ વિવિધ સ્વાયત સંસ્થાઓએ અનેકવાર બૂમાબૂમ કરેલી છે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું હજુ સુધી એ તરફ ધ્યાન જતું નથી. સરકાર કદાચ લુધિયાણા જેવી કેટલીક અધિક ઘટનાઓની હજુ અપેક્ષા રાખે છે.