મોદીનું વાગ્યુદ્ધ શરૂ
વડાપ્રધાન તેમના ચૂંટણી ભાષણોમાં આજ સુધી તો આગામી પાંચ વર્ષ માટેનું એનડીએ સરકારનું નવું વિઝન પ્રસ્તુત કરી શક્યા નથી. એમની પાસે પોતાના સત્તાકાળના કેટલાક સારા દ્રષ્ટાંતો છે જ, જેનો તેઓ પુનરુચ્ચાર કરીને મતદારો પાસેથી પોતાના વિજયની અપેક્ષા રાખી શકે છે. પરંતુ એ પ્રસ્તુત કરવામાં પણ તેઓ પાછા પડી રહ્યા છે.
સૈદ્ધાંતિક રીતે તેઓ પોતે ખેડૂતોની દેવા માફીના વિરોધી છે. તેઓ અગાઉ કહી ચુક્યા છે કે ક્યારેક થોડા સમય માટે ખેડૂતોની થોડી રકમ માફ કરી દેવામાં આવે તો બહુ વાંધો નથી, પરંતુ કોંગ્રેસ જે રીતે ષિણ માફી આગળ રાખીને એને ચૂંટણી મુદ્દો બનાવે છે તે યોગ્ય નથી.
વડાપ્રધાને જાહેર કર્યુ છે કે ઈ. સ. ૨૦૧૪થી ઈ. સ. ૨૦૧૯ સુધીનો સમય જરૂરિયાતોની પરિપૂત માટે નો સમય હતો પરંતુ ઈ. સ. ૨૦૧૯ પછીનો સમય આકાંક્ષાઓની પરિપૂત માટેનો સમય છે. જો કે આ વાત જેટલી દેશને લાગુ પડે છે તેટલી જ ખુદ ભાજપને પણ લાગુ પડે છે. તેઓ તેમના આજ સુધીના પ્રચાર વ્યાખ્યાનોમાં કિસાનો અને બેરોજગારો વિશે જે અપેક્ષાઓ છે એ અંગે મૌન ધારણ કરી બેઠા છે અને એ જ વિષયોની ઉપરછલ્લી પ્રદક્ષિણા કરીને સરકી જતાં જોવા મળે છે.
તો પણ વડાપ્રધાન મોદીનો ભાષાવૈભવ હજુ પ્રભાવક રહ્યો છે. પૂર્વોત્તરમાં તેમણે કરેલી પ્રચારની શરૂઆતમાં તેમની કથનરીતિ અને વાક્છટાના અભિનવ પ્રયોગો દર્શાવે છે કે ભલે એમનો જાદુ ઓસરી ગયો છે અને મોદી લહેરનું તો નામોનિશાન નથી તો પણ તેમની વ્યાખ્યાનો આપવાની શૈલી ફરીવાર ઈ. સ. ૨૦૧૪માં હતી તેવી જ છે. એમની સામે રાહુલ ગાંધીની રજુઆતો મુદ્દાસરની અને જેનો ભાજપ જવાબ જ ન આપી શકે એવી હોય છે ખરી પરંતુ વાણીના પ્રભાવ સર્જનથી તેઓ હજુ દૂર છે.
પ્રિયંકા ગાંધી પાસેથી કોંગ્રેસને એક સાથે લાખો લોકોને વાકપાશમાં જકડી લે એવા વક્તૃત્વની અપેક્ષા છે પરંતુ તેઓ પણ હજુ એ ક્ષમતાથી દૂરના અંતરે છે. એટલે એક રીતે જુઓ તો આ વખતની લોકસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારકો તરીકે ભાજપ તરફથી નરેન્દ્ર મોદીની અવિરત આક્રમક વાક્ધારા અને રાહુલ ગાંધીના સત્તાધારીઓ સામે ઉઠાવવામાં આવેલા અઘરા પ્રશ્નો વચ્ચેની ટક્કર બની રહેશે.
નોટબંધી અને જીએસટીને કારણે ભાજપની જે પ્રતિાનું દેશના સામાન્ય નાગરિકોમાં ધોવાણ થયું અને ખુદ મોદીની પરંપરિત લોકપ્રિયતામાં ગાબડાં પડયાં તેનું હવે તેઓએ રિપેરિંગ ચાલુ કર્યું છે. જો કે આટલા ટૂંકા સમયમાં તેઓ કેટલુંક રિપેરિંગ કરી શકે છે તે સવાલ છે.
વડાપ્રધાનની વાણી પર જ ભાજપના પ્રચાર પડઘમનો વિશેષ આધાર હોવાને કારણે તેમના અસલી વાકવૈભવનો રથ દક્ષિણમાં રોકાઈ જાય છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરનારા સમાંતર વક્તાઓ દ્વારા થયેલા છબરડાઓ જાણીતા છે. એટલે જાહેર સભાઓમાં એ પદ્ધતિ જોખમી છે.
ઉપરાંત વાત કહેવાનો જે રણકો છે તે તો લુપ્ત જ થઈ જાય છે. પૂર્વોેત્તર સહિતના ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તો હિન્દીને લોકો ચાહે છે અને હિન્દીમાં રહેલી સિનેમેટિક સંવાદોની આતશબાજીની સંભાવનાઓ મતદારો માટે ચિત્તાકર્ષક નીવડી શકે છે. પરંતુ દક્ષિણના રાજ્યોમાં તો હિન્દીની હાલત એવી છે કે લોકો એને પ્રત્યાયનના માધ્યમ તરીકે ચાહતા જ નથી. એ સંકટને વડાપ્રધાન આ વખતે કઈ રીતે ઓળંગે છે તે જોવાનું રહે છે.
માત્ર પ્રચાર વિદ્યાની જ વાત કરો તો ભાજપ એમાં એક્કો છે અને રાજવિદ્યાની વાત કરો તો એમાં કોંગ્રેસની નિપુણતા જુગજુની છે. હજુ સુધી તો ભાજપ અને કોંગ્રેસ બન્નેના પ્રચારની આધારશીલા તો મતદારોને લોભ અને લાભ આપવા તરફની જ છે.
એમાંથી તેઓ જરાક વિરામ પામે કે તુરત જ એકબીજા સામેના આક્ષેપોની બોફોર્સથી રાફેલ સુધીના શપ્રયોગ જેવા વળાંક આપીને પોતપોતાના ભાષણોને જરાક વધુ રંગીલા અને રસદાર બનાવે છે. મોદીની કોશિશ છે કે તેમણે કરેલી ભૂલો તેમણે સ્વીકારી ન હોવા છતાં નાગરિકો તેમને માફ કરીને ફરી એક તક આપે અને એની સામે રાહુલ ગાંધીનો પ્રયત્ન પોતાને પ્રથમ તક મળે એ છે.
બન્ને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના રાજકીય અનુક્રમે ટૂંકા-લાંબા ઈતિહાસથી ભારતીય મતદારો બધું જ બ્લેક એન્ડ વ્હાઇટમાં જાણે છે. પરંતુ એ તો સદાય સ્નેહશાનો સિદ્ધાંત છે કે પ્રજા જેને ચાહે છે તેનો એક પણ અવગુણ ધ્યાનમાં લેતી નથી અને જેને ધિક્કારે છે તેના વિરાટ ગુણભંડારની પણ ઉપેક્ષા કરે છે. એટલે મતદારો કઈ રીતે કોને ચાહશે એ નક્કી કરવું કઠિન છે.
જે થોડાં સર્વેક્ષણો પહેલા વહેલા પ્રગટ થઈ ગયા તે બધા જ સ્પોન્સર્ડ હોવાની ગંધ આવતી હતી. એક સાથે માઈનોર ડિફરન્સ સાથે કોઈ એક જ પક્ષને જીતતો બતાવવાનું કામ કેટલીક કંપનીઓ મોંઘાભાવે કરી આપે છે પરંતુ લોક નજરમાં તેનું કોઈ મૂલ્ય નથી. લોકોને અનુભવ ન હોય ત્યારે કોઈ પણ દંતકથા ચાલી જાય છે અને ઈ. સ. ૨૦૧૪ એની હજુય ગવાહી આપે છે પરંતુ અનુભવ પછી જે પક્ષનો પ્રજા પક્ષ-પાત કરે તે પક્ષ અધઃપાતમાંથી ઉગરી જાય છે.
દેશમાં કિસાનો અને બેરોજગારો ભારે ઉત્કંઠાથી મતદાનના દિવસની રાહ જોઈ રહ્યા છે એ હકીકત છે ને સામે એ પણ હકીકત છે કે મોદીનો પોતાનો કરિશ્મા ઝંખવાઈ ગયો હોવા છતાંય તેમની વાણીના સ્વ-છંદ અને અલંકારો હજુ બરકરાર રહ્યા છે. મોદીનું આ ચૂંટણી યુદ્ધ અગાઉ પણ એક વાગ્યુદ્ધ હતું જે ઈ. સ. ૨૦૧૪માં તેઓ જીતી ગયા હતા અને ઘોર વાસ્તવિકતાઓનો પ્રજાને પરિચય થયા પછીનું આ વખતનું યુદ્ધ પણ વડાપ્રધાન મોદી માટે એક ઔર વાગ્યુદ્ધ જ છે જે તેઓ જીતે છે કે હારે છે એ જોવાનું રહે છે.