Get The App

આ દિવાળી કેવી રહેશે ?

Updated: Oct 28th, 2018

GS TEAM

Google News
Google News
આ દિવાળી કેવી રહેશે ? 1 - image

દર વરસે શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઢળવા લાગે એટલે દિવાળીના દિવસોની ખરી શરૂઆત થાય. પૂર્ણ ચંદ્ર પછીની આ મોસમમાં બજારમાં ભીડ છલકાતી જોવા મળે.

હજુ દિવાળીની ખરીદીની આછી અમથી શરૂઆત જ થઈ છે અને બજારને આશા છે કે એ ગતિ પકડશે. ગયા વરસે છેલ્લી ઘડીની 'ઘરાકી' દેખાઈ હતી તે એવી ને એટલી  આ વરસે દેખાય તો પણ સારું છે.

દેશની ટોચની કહેવાય એવી સંખ્યાબંધ ફાઇનાન્સિયલ કંપનીઓ નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. દેશની વિધવિધ બજારોમાં જે રૂપિયો લ્હેરથી ફરતો હતો અને એનડીએ સરકારે બે વાર વેક્યુમ બ્રેક મારી છે, એક નોટબંધી અને બીજી જીએસટી. દેશના કોઈ પણ વ્યાપાર- વાણિજ્ય સમુદાયને તેના દુઃખનું કારણ પૂછો તો જવાબ પણ આ બે બ્રેકની દુર્ઘટના જ આવશે.

અકારણ બ્રેક મારવાથી ભીષણ દુર્ઘટના સર્જાય છે તે વાહન ચાલકોને તો ખબર હોય,પરંતુ એ સામાન્ય જ્ઞાાન દેશના નાણામંત્રીને ન હોય તો અજાયબી છે. શેરબજારમાં મંદીનો વાયરો આ વખતે તો શિયાળાના પવનથી ય વહેલો છે. છતાં હજુ એ બજાર નવા તળિયાની શોધ કરે છે. નાગરિકોના અબજો રૂપિયાનુ ધોવાણ થયું. રોકાણકારોના એ નાણાં ક્યાં ગયા અને હવે એ ક્યાં વપરાશે એ બજારના અઠંગ ખેલાડીઓ તો જાણતા જ હોય છે.

શેર બજારમાં ગુજરાતીઓની તો એ જૂની કહેવત છે કે જે ઘોડા પરથી આપણે પડયા હોઈએ એના પર બીજી વાર સવારી ન કરાય અને જ્યારે તેજીનો પવન ચાલુ થાય ત્યારે નવા ઘોડાઓ પર જ ક્રમશઃ સવારી કરાય એટલે રોકાણકારો અત્યારે બજારમાંથી છાને પગલે સરકવા લાગ્યા છે.

પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પર શેર બજારની હવે નજર છે. એટલે ડિસેમ્બરના અંત પછી જ બજારમાં નવી સક્રિયતાઓ જોવા મળશે. વિદેશી રોકાણકારો તો ક્યારના ય છટકીગયા છે. તેઓ સમયસર વચગાળાનો નફો બાંધીને નીકળી ગયા પછી જ બજારે મોટી પછડાટ ખાધી છે.

ગુજરાતની જેમ દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસુ બિનઉપયોગી નીવડયું છે. પ્રમાણસરના વરસાદ વિના ચોમાસાનો સુખદ અનુભવ ખેતીવાડીને હોય નહિ. વીતેલા ચોમાસાનું રાષ્ટ્રીય સરવૈયું સરકાર હવે પ્રગટ કરતી નથી. પરંતુ લોકાનુભવ છે કે, આ વખતનો વરસાદ ખેડૂતો માટે કોઈ કામનો વરસાદ ન હતો.

સૌરાષ્ટ્રમાં તો હમણાં બે દિવસ પહેલા ક્યાંક ક્યાંક વરસાદ અને કરા પડયા. એક તો કપાસ ઝંખવાઈ ગયેલો છે અને તેમાં કરા પડયા એટલે બિયારણના નાણાં પણ હવે ખેડૂતોને નહિ મળે. રાજ્ય સરકારને બધી જ બાબતો ચૂંટણી પ્રચારના ત્રાજવે તોળવાની જે કુટેવ પડી ગઈ છે એને કારણે અછતગ્રસ્ત જિલ્લાઓની યાદી અને એ માટેની રાહતો જાહેર થતી નથી.

ચોમાસુ પૂરું થઈ ગયું છે એટલે અછત કે અર્ધ અછત અંગે સરકારે પોતાની જવાબદારી અને પેકેજ નક્કી કરી લેવા જોઈએ. આવી વિષમ પરિસ્થિતિમાં સરદાર પટેલના પડછાયામાં ઊભા રહેવાનો અભિનય કરીને ભાજપે જે એકતા યાત્રાનો રાજ્યવ્યાપી ખેલ કર્યો તે સંપૂર્ણ ફ્લોપ ગયો છે એના કારણમાં પણ એક જ હકીકત છે કે ગુજરાતનો ગ્રામસમાજ અને કૃષિસમાજ આજે કેવા સંયોગોમાંથી પસાર થઈ રહ્યો છે તે અંગે રાજ્ય સરકારમાં સભાનતાની ઘોર તંગી પ્રવર્તે છે.

ડિજિટલ ઇન્ડિયાની વાતો બજારને ઑનલાઇન શોપિંગ સ્વરૂપે હવે વિકરાળ લાગે છે. દેશના કેટલાક શહેરોમાં તો બજારોમાં હજુ ય સન્નાટો દેખાય છે. આજે ગુજરાતના બજારોની હાલત એ થઈ ગઈ છે કે સોમાંથી દસ વેપારીઓ પોતાના વેપાર દિવાળી પછી સમેટી લેવા ચાહે છે. ઑનલાઇન પ્લેટફોર્મની સામે તેઓ ટક્કર લઈ શકતા નથી.

બજારમાં વેચાતી દરેક વસ્તુના ભાવો હવે 'ઉઘાડા' થઈ ગયા છે. એવું પણ જોવામાં આવે છે કે ગ્રાહકો માત્ર વસ્તુ ચેક કરવા માટે દુકાનો પર આવે છે અને ઑનલાઇન ઓર્ડર આપે છે કોઈ અન્ય કંપનીને ! ગુજરાતીઓની બહુ જૂની ગણતરી વ્યાજની છે કે, દુકાનની વર્તમાન વેચાણ કિંમત જે હોય તેના વ્યાજ જેટલો આ ચાલુ ધંધામાંથી ચોખ્ખો નફો ન થતો હોય તો એ દુકાનને બીજાને પધરાવી રોકડમાં રૂપાંતર કરી લેવું સારું અને સારી એવી રકમ ગુજરાતીના હાથમાં આવે તો પછી એમાથી ફરી કેમ કમાતા થવું એ તો કોઈએ ગુજરાતીને શીખવવાની જરૂર નથી. એવી એ વ્યાજની ગણતરી જો કામે લગાડવામાં આવે તો અત્યારે નામાપદ્ધતિના સિદ્ધાન્તો પ્રમાણે ભલભલા શોરૂમ પણ ખોટ કરી રહ્યા છે.

બજારમાં વેપારીઓની આ યાતનાઓ પર સોશ્યલ મીડિયામાં પણ ઘણાં લાંબા સમયથી ચર્ચાનો ચકડોળ ચાલી રહ્યો છે. કરૂણતાના ઘણાં દ્રશ્યો છે. ટેક્સટાઇલ દુકાનનો માલિક ઑનલાઇન જૂતા ખરીદી રહ્યા છે. જૂતાની દુકાનના માલિક મોબાઇલ ફોન ઑનલાઇન મંગાવી રહ્યા છે. મોબાઇલ દુકાન લઈને બેઠેલો શોપમાલિક ટી-શર્ટ ઑનલાઇન મેળવે છે.

વોચશોપના માલિક ઑનલાઇન ઘરેલુ ચીજો ખરીદે છે અને ઘરેલુ ચીજોનો વેપારી તો વળી ઑનલાઇન ફર્નિચરનો ઓર્ડર આપે છે. આ બધા જ લોકો નિત્ય પોતાની દુકાને અગરબત્તી, ધૂપ- દીપ કરીને ગ્રાહકોને મોકલવા માટે દેવોને પ્રાર્થના કરી રહ્યા છે. સ્હેજ મજાક લાગે છે, પરંતુ આ મજાક નથી, આપણી બજારોનું આ અખિલ ભારતીય દર્શન છે.

પરસ્પરાવલંબન ઘટી ગયું છે અને સહુ વિદેશી કંપનીઓ દ્વારા સંચાલિત ઑનલાઇન પર અવલંબિત થવા લાગ્યા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ એકબીજાને પૂછે કે આ વખતે દિવાળી કેવી રહેશે તો એનો જવાબ અબજો રૂપિયાના ટર્નઓવરમાં આવી શકે, પરંતુ આપણી સ્થાનિક બજારમાં સામસામા પાટિયે બેસીને બે વેપારી એકબીજાને પૂછે તો તેનો જવાબ શું આવે તે સહુ જાણે છે.

Tags :