ઉત્તર અને દક્ષિણ .
કાશ્મીરનું કનેક્શન જેમ પાકિસ્તાન સાથે છે તેમ કેરળનું અનુસંધાન ભૂગર્ભ રીતે ઈરાક અને સિરિયામાં છેલ્લા અવશેષરૂપ કેમ્પ ધરાવતા ઈસ્લામિક સ્ટેટ સાથે છે. ભારતીય જાસૂસી સંસ્થાઓએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનાઈએ) ને માહિતી આપી છે કે શ્રીલંકાથી પંદર જેટલા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે કેરળ થઈને ભારતમાં પ્રવેશવા રવાના થઈ ગયા છે. આ હકીકત જાહેર થવાને કારણે હવે તેઓ કિનારો બદલી પણ નાંખશે.
છતાં દક્ષિણ ભારતના કાંઠાળ રાજ્યોને સરકારે સાવધ કર્યા છે. થોડા સમય પહેલા શ્રીલંકામાં આત્મઘાતી વિસ્ફોટો કરનારા આતંકવાદીઓ પણ તેમના મિશન પર જતાં પહેલા કેરળમાં રોકાયા હતા. ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં લડાયક યોદ્ધા તરીકે જોડાનારા સૌથી પહેલા કેરળના ટેક્નિકલ સ્નાતકોની એક ટુકડી હતી.
ત્યારથી આજ સુધીમાં ચાલીસેક ટોચના એન્જિનિયરો આઈએસમાં જોડાયા હતા. તેઓ એકાએક જ ગુમ થઈ ગયા હતા. તેમાંના કેટલાક તો પત્ની અને બાળકો સહિત સિરિયા પહોંચ્યા હતા. એ ટ્રેન્ડ ખતરનાક હતો. તેમાંના જ કેટલાક હજુ પણ અખાતી દેશોમાં છુપાઈને ભારતીય ઉપખંડમાં અશાંતિ ફેલાવવામાં સક્રિય છે.
ભારતમાં જમણેરી સરકારનું પુનરાગમન આગામી હુમલાનું એક કારણ હોઈ શકે છે. ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકરે લંકન હુમલાઓ પછી શેખી મારતા તેના બકવાસમાં જે કંઈ કહ્યું એનો પરોક્ષ અર્થ જ એવો થતો હતો કે ભારતીય ઉપખંડમાં અરાજકતા ઊભી કરવા માટે તેની પાસે આતંકવાદીઓનું પૂરતું સંખ્યાબળ છે. હવે અબુ બકરનો ઈરાદો દક્ષિણ ભારતીય પ્રદેશોમાં પોતાની હયાતી નોંધાવવાનો છે.
ભારતમાં કાશ્મીર સિવાયના પ્રદેશોમાં આતંકવાદી સંભવિત હુમલાઓ સામેની સાવધાની રાતોરાત કેળવવી સરકાર માટે આસાન નથી. જાસૂસો થોડી અપૂરતી માહિતી આપતા હોય છે અને એને આધારે સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરો સુધી આગોતરા પહોંચવાનું હોય છે.
લંકાથી આવી રહેલા પંદરેક આતંકવાદીઓ કોઈ એક બોટમાં ટીમ બનીને આવતા હોતા નથી. તેઓ જુદા જુદા માર્ગે ભારતમાં આવવાની અધિક સંભાવના છે જેમાં બંગાળનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પણ તેઓ પસંદ કરે એવી દહેશત છે. નવી સરકાર માટે આ આવતાવેંતનો પડકાર બનશે.
આતંકવાદીઓ સામે કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી એકદમ આક્રમક તબક્કામાં છે ત્યારે જ દક્ષિણમાં આતંકવાદના નવા મોરચા ખુલવાની ભીતિ જાહેર થઈ છે. ગયા ગુરુવારે દક્ષિણ કાશ્મીરના નાનકડા ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે થયેલી સૈન્યની જીવ સટોસટની અથડામણમાં કુખ્યાત આતંકવાદી ઝાકિર મુસાને સૈનિકોએ ભીષણ જંગ ખેલીને મોતને ઘાટ ઉતાર્યો. આ ઘટના સૈન્યની એક મોટી સફળતા છે. અંસાર- ગઝવત- ઉલ-હિન્દ નામક એક સંગઠન કાશ્મીરમાં સક્રિય છે.
આમ તો આ સંગઠન અલ કાયદાની કાશ્મીર શાખા તરીકે ઓળખાય છે. માર્યો ગયેલો આતંકવાદી ઝાકિર મુસા આ સંગઠનનો પ્રમુખ હતો. છેલ્લા ત્રણ વરસથી એ સૈન્યના નિશાન પર હતો. એના પર ભારત સરકારે રૂપિયા પંદર લાખનું ઈનામ જાહેર કરેલું હતું. ઝાકિરને એ વિસ્તારમાં જ ઢાળી દેવાયો જ્યાં ઈ. સ. ૨૦૧૬માં બુરહાન વાનીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
બુરહાન હિઝબુલનો એક ટોચનો કમાન્ડર તરીકે જાણીતો હતો અને સોશ્યલ મીડિયાની મદદથી તેણે એક આંતરરાષ્ટ્રીય જાળ બનાવી હતી. બુરહાનના મોતની ઘટનાની જેમ જ ઝાકિરના મોત સામે પણ કાશ્મીરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને દેખાવો થયા હતા જેને સેનાધિકારીઓએ ભારે કૂટનીતિથી શાંત કર્યા હતા. તો પણ હજુ એનો આછો ધૂમાડો કાશ્મીર ખીણમાં બાકી રહ્યો છે.
દેશમાં જમ્મુ અને કાશ્મીર શાંત થાય એ પહેલા જ અન્ય અનેકવિધ આતંકવાદી ગતિવિધિઓ નવેસરથી આકાર લઈ રહી છે. ચીન પ્રેરિત અને ફંડિત માઓવાદીઓ પૂર્વોત્તર ભારતથી વાયા દક્ષિણ ભારત હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા છે. સુરક્ષાદળો સાથે અવારનવાર એમનું ઘમાસાણ યુદ્ધ ચાલતું જ રહ્યું છે અને સીઆરપીએફના અનેક જવાનો એ લડતમાં શહીદ થતા રહે છે.
દક્ષિણ ભારતમાં ઈસ્લામિક સ્ટેટનો પગપેસારો આસાન એટલે નીવડશે કારણ કે અબુ બકરના બાકી બચેલા કાફલામાં હજુય દક્ષિણ ભારતમાંથી સિરિયા જઈને આતંકવાદી બનેલા ખૂંખાર ઈજનેરોની મોટી ટુકડી હજુ સાબૂત છે. ભારત સરકાર આ દિવસોમાં ઉત્તર અને દક્ષિણ એમ બેય છેડે અત્યન્ત સાવધાની રાખવી પડશે. દક્ષિણમાં લંકાથી આવી રહેલા આતંકવાદીઓને ઝડપી પાડી ભારતીય ઈન્ટેલિજન્સ અને સુરક્ષાનો દાખલો બેસાડવાની જરૂર છે.