Get The App

કોરોનાનો કાંટાળો તાજ

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાનો કાંટાળો તાજ 1 - image


છેલ્લા પાંચથી છ દાયકામાં કે છેલ્લી સદીમાં સૌથી વધુ જોલહમી બીમારીઓ માનવજાતમાં ફેલાઈ છે તે બધી બીમારીઓના સ્ત્રોત પ્રાણીસૃષ્ટિ રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધના ગાળામાં ફેલાયેલો સ્પેનિશ ઈંફ્લુએન્ઝા વાયરસે જે તબાહી મચાવી હતી તે વિશ્વયુદ્ધ દરમિયાન રણમેદાન પર મૃત્યુ પામેલા શહીદો કરતાં વધુ હતી. કરોડોની સંખ્યામાં ટપોટપ લોકો જે વાયરસને કારણે મર્યા એ વાયરસ જંગલમાંથી અને મહત્ અંશે તો પક્ષીઓમાંથી માણસમાં પ્રવેશ્યો હતો. 

માનવજાતને હજુ તો માંડ કળ વળી હશે અને તે ઈંફ્લુએન્ઝાને અભૂતપૂર્વ રોગચાળો માની લીધો હશે ત્યાં તો એચઆઈવી નામના યમદૂતની એન્ટ્રી થઈ જે આજ દિવસ સુધી હાહાકાર મચાવી રહ્યો છે. વચ્ચે વચ્ચે ઝીકા વાયરસ, સાર્સ, બર્ડ ફલૂ જેવા અનેક વાયરસોએ કરોડો લોકોના જીવ લીધા છે. તાજેતરમાં આવેલા નવા કોરોના વાયરસે તો જિંગપિંગ સરકારની ઊંઘ સમૂળગી ઉડાડી દીધી છે.

કોરોના વાયરસ ખરેખર તો વાયરસના એક સમૂહનું સંયુક્ત નામ છે જે મોટાભાગે ફક્ત સસ્તન વર્ગના પ્રાણી ઉપર જ હુમલો કરે. માટે અત્યાર સુધી દૂધાળા પશુઓ અને ભૂંડ જેવા પશુઓને કોરોના વાયરસથી ચેપ લાગતો. આ પશુઓમાં ચેપના પરિણામ સ્વરૂપ અતિસાર કે ઉલટી જોવા મળતાં.

છેલ્લા થોડા સમયથી કોરોના વાયરસ પક્ષીઓને પણ પોતાનો શિકાર બનાવતો થયો અને પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. હજુ સુધી માણસો માટે સુરક્ષિત ગણાતા વાયરસના આ સમૂહે માનવજાતને પોતાનું નવુ લક્ષ્ય બનાવ્યું છે. કોઈ કમનસીબ માણસને કોરોનાનો ચેપ લાગે તો એનું શ્વસનતંત્ર પડી ભાંગે. ફેફસા ખલાસ થવાના શરૂ થઈ જાય અને તે પ્રાણઘાતક નીવડે. કોરોના વાયરસની કોઈ દવા કોઈ દેશ પાસે નથી કે એનાથી બચવા માટેની એક પણ રસી આજ સુધી શોધાઈ નથી.

દવા કે રસી શોધવામાં નિષ્ફળતા મળવાના ઘણા કારણો હશે પણ એક કારણ એ પણ છે કે કોરોના વાયરસનો આકાર બીજા વાયરસ કરતા અલગ છે. ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે જોતા એનો આકાર મુગટ જેવો લાગે. ગ્રીક ભાષામાં કોરોને એટલે ક્રાઉન અર્થાત મુગટ. સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ ધરાવતા આ હઠીલા વાઇરસની બાંધણી અને પ્રોટીન બંધારણ એટલું વિચિત્ર અને બીજા વાયરસોના પ્રમાણમાં કદમાં મોટું છે કે એની આગેકૂચ અટકાવવી વર્તમાન મેડિકલ સાયન્સના ગજામાં નથી.

આ વાત ચીન જાણે છે અને માટે જ તે હાંફળુંફાંફળુ થઇ ગયું છે. ઘણા બધા જીવલેણ વાયરસનું ઉદભવસ્થાન વર્ષોથી ચીન જ રહ્યું છે. ડુક્કર પ્રેરિત સાર્સ વાયરસે લાખો ચાઈનીઝ લોકોનો ભોગ લીધો હતો એ ઘટનાને પંદર વર્ષ જેટલો જ સમય થયો છે માટે તેની અસર તાજી છે. કોરોના વાયરસની સામે ચાઈનીઝ સરકાર જે પગલાં ભરી રહી છે એ અભૂતપૂર્વ છે. અને તો પણ સ્થિતિ કાબૂ બહાર છે.

ચાઇનાએ તેર જેટલા મોટા શહેરોને વિશાળ જેલમાં ફેરવી નાખ્યા છે. અર્થાત સંપૂર્ણ નાકાબંધી જાહેર કરવામાં આવી છે. કોઈ શહેરની બહાર જઈ ન શકે અને કોઈ પ્રવેશી ન શકે. એકવીસમી સદીમાં એકસાથે ચાર કરોડ લોકો નજરકેદ હોય એવું આ પહેલું ઉદાહરણ છે.

આવા સંજોગોમાં ચાઇના ઉપર દયા આવે એ સ્વાભાવિક છે પણ આવી વિષમ પરિસ્થિતિ માટે ચાઇના પોતે જવાબદાર છે. આ વાયરસનું એપીસેન્ટર વુહાન નામની માર્કેટ છે જેમાં રોજના કરોડોના હિસાબે પ્રાણીઓની કતલ થાય છે અને લોકો માંસ ખરીદે છે. તે કતલખાનાની ચોપાસના વિસ્તારમાં જ એકસાથે ૮૦૦ કેસ રજિસ્ટર થયા છે.

સાર્સ પણ ૨૦૦૩માં ચાઇનાથી ફેલાયો હતો. પણ હવે ચાઇનાની સ્થિતિ વધુ ટાઈટ થઈ ગઈ છે. પહેલા કરતા એ દુનિયા સાથે આથક વ્યવહારો બાબતે વધુ સંકળાયેલું છે અને તેની ફાઈવ-જીની અમેરિકા સાથેની લડાઈ જગજાહેર છે. આવા સંજોગોમાં જ્યારે ગ્લોબલ લીડર બનવાના ખ્વાબ ઉપર પાણી ફેરવી શકવાની તાકાત ધરાવતો મુગટધારી વાયરસ ફરી વળે તો જિંગપિંગને પોતાનું સિંહાસન ડોલતું દેખાય તે સ્વાભાવિક છે.

ભારતમાં કોરોના વાયરસ ન ફેલાય એના માટે એરપોર્ટ ઉપર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. હજુ સુધી તો એક પણ કેસ નોંધાયો નથી એ ધરપતની વાત ખરી પણ ભારતીયો આ મહામારીના કિસ્સાઓમાંથી પાઠ નથી ભણ્યા એ દુઃખની વાત છે. એઇડ્સના વાયરસથી લઈને લગભગ બધા વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશે છે. ચાઇના જ કેમ આવા વાયરસનું ઉછેરકેન્દ્ર બને છે? કારણ કે સાપથી લઈને ગરોળી અને ભૂંડથી લઈને મરઘી સુધીના બધા જ પ્રાણીઓના માંસ ચાઈનીઝ લોકો બેફામ ખાય છે.

નોન વેજિટેરિયન ખોરાકનો વધતો જતો ફેલાવો કુદરતમાં તો અસંતુલન સર્જે જ છે પણ માનવજાતને લપડાકના સ્વરૂપમાં આવા રોગો આપીને લાખો-કરોડોના જીવ લઈ લે છે. ચીન ખરેખર બહુ જ ઘેરા સંકટમાં છે પણ આખી દુનિયા સાથે એણે આજ સુધી જે વર્તન કર્યું છે એને કારણે એના પ્રત્યે કોઈને સહાનુભૂતિ નથી. અમેરિકી દૈનિકોએ તો એમ કહ્યું કે ચીન હજુ કોરોના જેવા દસ વાયરસોને લાયક છે. ચીને એક રાષ્ટ્ર તરીકેનું માન તો ગુમાવ્યું છે પણ બહારના જગતની દયા અને કરૂણા પણ ગુમાવી છે. માનવીય સિદ્ધાન્તોની દ્રષ્ટિએ આ વાત પણ રોગચાળા જેટલી જ દુઃખદ છે. 

Tags :