સ્વદેશી સ્વાસ્થ્ય શરણાર્થી
તેઓ શરણાર્થી છે પરંતુ કોઇ વિદેશી ઘુસણખોરો નથી. તેઓ આપણા જ દેશના નિઃસહાય નાગરિકો છે જેઓ આરોગ્યની ઝંખના સાથે અહીં-તહીં ભટકી રહ્યા છે. એમની સંખ્યા નાનીસૂની નથી, લાખોની છે. દેશના ટોચના મહાનગરોની સરકારી હોસ્પીટલોની બહાર તેમના પડાવ છે, કારણ કે અંદર ક્યાંય જગ્યા જ નથી. ગ્રામ વિસ્તારના ગરીબોની સારવાર કઇ રીતે થઇ રહી છે તેના પર કેટલીક એનજીઓ સંસ્થાઓ કામ કરી રહી છે, જેમના તારણો એવા છે ને એનો અર્થ ટૂંકમાં એ થાય છે કે જેમનું કોઇ નથી તેમનું ખરેખર કોઇ નથી. સ્વાસ્થ્ય મેળવવા માટે દેશભરના ગરીબો કોઇ ને કોઇ સરકારી હોસ્પીટલે પહોંચે છે જ્યાં તેમને સારવાર કે આવકાર તો ઠીક, રાતભર બહાર મેદાનમાં પડી રહેવા માટે પણ કદાચ જગ્યા મળે તો મળે. શરીર સચવાયું હોતું નથી, આજન્મ દરિદ્રતાને કારણે તેમના હાથમાંથી જિંદગી રેતીની જેમ સરકી જતી હોય છે.
સરકારી હોસ્પીટલોમાં જે અરાજકતા છે તે જાણીતી છે અને અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં હવે સ્થિતિ કંઇક ઠીક છે. છતાં અમદાવાદની સિવિલ હોસ્પીટલને બાદ કરતાં જિલ્લા મથકોની સિવિલ અને અન્ય સરકારી દવાખાનાઓની હાલત પણ કંઇ વખાણવા જેવી નથી. આનું એક કારણ એ પણ છે કે સરકાર આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી સાહસોને પ્રોત્સાહન આપે છે. અરવિંદ કેજરીવાલનો મોહલ્લા ક્લિનિક પ્રયોગ વગોવાયો હોવા છતાં એમણે નવી દિલ્હીના સ્થાનિક ગરીબોની ઘણી સેવાઓ વધારી છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તો તબીબી સેકટરમાં પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (પીપીપી મોડેલ)ના બહાને પણ રાજ્ય સરકારે ફાયદો તો ખાનગી ક્ષેત્રને જ કરાવી આપ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. આ પ્રકારની હોસ્પીટલોમાં સરકારી ઉચ્ચાધિકારીઓની પણ જવાબદારી હોય છે, પરંતુ તેઓ પછીથી કોઇ પ્રકારનું મોનિટરિંગ કરતા નથી અને ખાનગી ક્ષેત્ર જેવા જ એના હાલ થઇ જાય છે. ગુજરાતમાં અનેક સહાયકારી ટ્રસ્ટની હોસ્પીટલોને બ્રાન્ડેડ કોર્પોરેટ જાયન્ટ મેડિકેર કંપનીઓ ગળી ગઇ છે, તેવું જ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થઇ રહ્યું છે.
દેશમાં વિવિધ રાજ્ય સરકારો હસ્તકની સિવિલ હોસ્પીટલોની તેની સુવિધા અને ઉપચારની ગુણવત્તાના સંદર્ભમાં ટીકા થતી રહે છે તે ભલે, પરંતુ આખરે તો દેશના કરોડો લોકો માટેનું એ છેલ્લું આશ્વાસન હોય છે. જેમને કલ્પના પણ નથી કે મેડિકલ ખર્ચ કઇ હદ સુધીનો હોઇ શકે છે એવા લોકો માટે આ સરકારી હોસ્પીટલો ંઇ નહિ તો કંઇક તો કરે જ છે. કેટલીક સરકારી હોસ્પીટલોમાં હજુ પણ જૂની પેઢીના એવા ડૉકટરો જોવા મળે છે જેઓનામાં માનવીય સદગુણોનો ધોધ વહેતો હોય છે. તો પણ સામાન્ય નાગરિકોનો સરકારી હોસ્પીટલો અંગેનો સરેરાશ અનુભવ સકારાત્મક નથી.
એનડીએ સરકારે સત્તામાં આવ્યા પછી તરત કરવાના કામોમાં સરકારી આરોગ્ય તંત્રની સુધારણા હોવી જોઇતી હતી, પરંતુ હવે મુદત પૂરી થવા આવી ત્યારે સરકારને યાદ આવ્યું છે. રાજસ્થાનની વસુંધરા સરકારે તો એ રાજ્યની અંદાજે ૩૦૦ તબીબી સેવા કેન્દ્રોને અન્ડર લાઇન કરીને એક પછી એક કેન્દ્ર ખાનગી કંપનીને ચલાવવા આપવાની શરૃઆત કરી છે. એટલે કે ક્રમશઃ રાજસ્થાનના મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીપીપી મોડેલ પ્રમાણે ખાનગી કંપનીઓને સોંપી દેવાશે. રાજસ્થાનમાં વિપક્ષોએ આનો ઘણો વિરોધ કરીને ઊહાપોહ મચાવ્યો છે તેની સામે વસુંધરા રાજેએ વ્યર્થ ખાતરીઓ ઉચ્ચારી છે.
જે કેન્દ્રોમાં વિનામૂલ્યે અથવા નહિવત્ દરે આરોગ્ય સેવાઓ પ્રજાને ઉપલબ્ધ થતી હતી ત્યાં હવે ગરીબ લોકોએ શરૃઆતમાં થોડા અને પછી ખાનગી હોસ્પીટલો જેટલા પૈસા આપવા પડશે. ચાલુ સરકારી તબીબી સેવાઓનું પીપીપીના બહાને ખાનગીકરણ કરવાની પ્રવૃત્તિ જનઆરોગ્ય માટે ખતરનાક છે. દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (એઈમ્સ)ના દરવાજા બહાર દરરોજ રાત્રે અનેક બેસહારા દર્દીઓ જોવા મળે છે. તેઓ કહે છે કે તેમનો વારો હજુ આવ્યો નથી. દર્દીને માટે ફૂટપાથ પર રાત્રિઓ પસાર કરવી પડે એ તો હદ કહેવાય. દર્દ ઓછું કરવા આવેલા દર્દીઓના દર્દ એ એક રાતમાં જ વધી જવા સ્વાભાવિક છે.
સરકારી હોસ્પીટલોમાં સ્ટાફની અછત છે. ગુજરાતની તમામ સિવિલ હોસ્પીટલોમાં આઉટ સોર્સિંગના બહાને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી સ્ટાફ કામ કરે છે, સરકાર આ સ્ટાફ માટેના કોન્ટ્રાક્ટરોને તગડી રકમ આપે છે અને કોન્ટ્રાક્ટરો એમાંથી પોતાની પસંદગી પ્રમાણે ઓછી રકમ આપે છે. આ મોટું ચક્કર છે, જેનો એક છેડો રાજ્ય સરકારના આરોગ્ય ખાતા સુધી પહોંચે છે. આ અંગે અનેક રજૂઆતો થઇ છે, છતાં સેવાઓ, પગાર કે કોન્ટ્રાક્ટ પ્રણાલિકામાં કોઇ ફેરફાર હજુ સુધી થયો નથી. આ જ હાલત મધ્યપ્રદેશની પણ છે.
ભારતીય જનતા પક્ષમાં શરૃઆતમાં લોકહિતના કામો કરવા માટેનું જે આત્મબળ-આત્મશક્તિ હતા તે એકાએક ક્યાં લુપ્ત થઇ ગયા તે પ્રજાને સમજાતું જ નથી. વિરોધ પક્ષ તો મગફળીના ધૂળ અને ઢેફાના ગોડાઉનમાં સત્ય શોધવા ગયો છે, એનું ધ્યાન આરોગ્યમાં ક્યારે જાય કોને ખબર ? અને ભાજપના જે ધારાસભ્યો છે તે તો યસ સર નામની કઠપૂતળીઓ છે એટલે પ્રજાએ પરેશાન થયા વિના મુક્તિ નથી.