ડેંગ્યુની જીવલેણ આગેકૂચ
કોઈ પણ રાજ્યના મૂલ્યાંકનમાં પ્રથમ તબક્કે જ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આવે છે. ગુજરાતમાં આ બન્ને સેવાઓ કથળેલી છે. રાજ્ય સરકારે ડેન્ગ્યુ જેવા સતત આગળ વધતા જીવલેણ તાવ માટે કોઈ મેડિકલ ટાસ્ક ફોર્સની રચના કરી નથી. સરકારી હોસ્પીટલો કરતાં ખાનગી દવાખાનાઓમાં ડેંગ્યુના દર્દીઓ પારાવાર છે.
જેમને ગયા વરસે પહેલીવાર ડેંગ્યુ થયો હતો અને આ વખતે પણ થાય તો બે-ચાર દિવસમાં જ એ ગંભીર બની જાય છે અને દર્દી શ્વાસ છોડી દે છે. ગુજરાતનું અત્યારનું હવામાન એવું છે કે હજુ આ રોગચાળો વધુ વકરવાની સંભાવના છે. આજકાલ ડેંગ્યુ યુવાવયના નાગરિકો તરફ આક્રમક છે. રાજ્યના અનેક આશાભર્યા યુવાનો અને કોડભરી કન્યાઓ જિંદગી ગુમાવી ચૂક્યા છે. સરકાર શીતળ કલેજે બધું જોયા કરે છે. મોટાભાગની સિવિલ હોસ્પીટલોમાં ડેંગ્યુના નવા દરદીને દાખલ થવાની જગ્યા જ નથી.
ગુજરાતી પ્રજાનો સ્વાદશોખ જગખ્યાત છે. પ્રિય ખાદ્ય પદાર્થો જોયા નથી કે મન ઢળ્યું નથી ! વિવેકની પછી શી તમા ? નજર સામે જુએ છે, બધું જાણે તો પણ સ્વજ્ઞાનની ઉપેક્ષા. તંદુરસ્તી હોય એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પૂરતી હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ પછી આરોગ્ય લથડવા લાગે છે. લગભગ દરેક ગુજરાતી પચાસ વરસની વય સુધીમાં અરધો ડોક્ટર અને સાંઈઠ વરસ સુધીમાં તો અરધો વૈદ્યરાજ થઈ જાય છે. આપણા ગ્રામ વિસ્તારમાં ડેન્ગ્યુ ફેલાયો એને ઘણો સમય થવા આવ્યો.
તમામ ધારાસભ્યો આ અંગે નિષ્ક્રિય છે. તેઓ પોતાના વિસ્તારના પ્રતિનિધિ છે અને એ વિસ્તારમાં ફેલાતા ડેન્ગ્યુ અંગે એમણે સરકારને લેખિત જાણ કરવી જોઈએ. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના ધારાસભ્યો પોતાની વોટબેન્ક જાળવવા માટે લગ્ન સમારંભો, બેસણા અને ઉદઘાટનોમાં જ જાય છે. આ ધારાસભ્યો કદી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ એમાં ઊંડા ઉતરતા નથી. જો કે એમાંના કેટલાક તો એવા જી હુઝુર કંપનીના છે કે એમનામાં જનસેવાની આવડત કે ક્ષમતા પણ નથી. સાવ ઢ ઉમેદવારોને મત આપનારી પ્રજાએ પસ્તાવાનું જ રહે છે.
માનવજાત સદીઓથી મહામારીનો સામનો કરતી આવી છે. રોગચાળો અને રોગના વાયરા એવી સળંગ દુર્ઘટના છે કે તેમાં લાખો મનુષ્યોનો ભોગ લેવાયા પછી પણ કોઈ બ્રેક લાગતી નથી. બર્ડ ફલૂ અને ઈંફ્લુએન્ઝા જેવા રોગોએ પોતાની વિનાશક શક્તિ બતાવી છે. ગંદકી અને ઉંદરોને કારણે થતા પ્લેગથી ગુજરાતીઓ પરિચિત છે. વર્તમાનમાં આપણે ડેન્ગ્યુનો સામનો કરવાનો આવ્યો છે.
આજકાલ અખબારોમાં આવતી મરણનોંધોમાંથી પાંચેક ટકા નોંધ પાછળનું કારણ જાનલેવા ડેન્ગ્યુ છે. સુરત શહેર હજુ સુધી જેને ભૂલી શક્યું નથી એ પ્લેગ તો મોટાભાગે ગરીબોને થતો. ડેન્ગ્યુ તો કોઈ પણ વર્ગના વ્યક્તિને થાય છે. મેલેરિયાએ લાખો લોકોનો ભોગ લીધો છે. માનવ ઇતિહાસનું એક કલંકિત પ્રકરણ મેલેરિયાના નામે છે. એવું જ બીજું પ્રકરણ ડેન્ગ્યુના નામે લખાવા જઇ રહ્યું છે. માનવજાતની લાચારી છે કે ચંદ્ર ઉપર પહોંચનાર માણસ જાત હજુ મચ્છરથી છૂટકારો મેળવી શકતી નથી. મચ્છરજન્ય રોગને કારણે થતા જીવલેણ રોગમાં અનેક લોકોને મરતાં જોવા પડે છે.
ડેન્ગ્યુ એવા મચ્છરોથી થતો રોગ છે જે સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે. આ મચ્છર ડરપોક છે એટલે મોટા ભાગે એના શિકાર ઉપર પાછળથી ત્રાટકે છે. પગની ઘૂંટી, ગોઠણ કે વધીને કોણી ઉપર પાછળથી આવીને ડંખ મારે છે. જો આ એડીસ ઇજિપ્તિ જાતિના મચ્છરે એના શિકારને ડંખ માર્યા પહેલા ડેન્ગ્યુથી પીડિત દર્દીનું લોહી ચુસ્યું હોય તો નવા શિકારને ડેન્ગ્યુ થવાની શકયતા સો ટકા છે. આ મચ્છર બહુ ઊંચે ઉડી શકતા નથી માટે નીચી હાઈટ ઉપર ઉડતા મચ્છરથી દૂર રહેવું.
અનાયાસે આ મચ્છરે લોકોને શોર્ટ્સ અને હાફ સ્લીવના કપડાં પહેરતા બંધ કરી દીધા છે. વધુમાં આ મચ્છર ગંદા પાણીમાં થાય એવું નથી. ચોખ્ખા પાણીના મચ્છર છે આ. એટલે સ્વિમિંગ પુલ જ્યાં હોય કે ટાંકી હોય ત્યાં પણ આ મચ્છરની મોટી વસાહતો હોવાની શકયતા ખરી. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય દરમિયાન સ્વિમિંગ પુલ કે તળાવ કે ખાબોચિયાથી દૂર રહેવું હિતાવહ છે.
ડેન્ગ્યુના મચ્છર ભલે ડરપોક હોય પણ જો ડેન્ગ્યુ થાય તો આપણે ડરવાની જરૃર નથી. સતત તાવ અને માથાનો દુખાવો તેના લક્ષણ છે. સમયસરની સારવાર ડેન્ગ્યુથી બચાવી લે છે. ડેન્ગ્યુના દર્દીના સગાવહાલાઓનું ધ્યાન દર્દીના લોહીના ત્રાકકણોમાં જ રહે છે. ત્રાકકણો એટલે પ્લેટલેટ્સ અને ડેન્ગ્યુ લોહીના આ કોષોનું પ્રમાણ બહુ ઘટાડી નાખે છે. સરખો આરામ અને બરાબર દવાને કારણે વધુમાં વધુ પંદર દિવસની અંદર દર્દી સાજો થઈ જતો હોય છે. પરંતુ અમુક અપવાદ કેસો એમાં પણ હોવાના જ.
ડેન્ગ્યુને કારણે ડર ફેલાયો છે. એની કોઈ રસી નથી. કોઈ રસી આપવાનો દાવો કરે તો એને ખોટો સમજવો જોઈએ. હોમિયોપેથી દવાઓ આગોતરી સારવારના રૃપે લેવાય છે પણ મેડિકલ સાયન્સ એને પુષ્ટિ નથી આપતું. અત્યારે ડેન્ગ્યુના હાઉ સામે લડવાની એક જ રીત છે અને એ છે સ્વસ્થતા અને જાળવણી. એમાં રાજ્ય સરકાર જો હવે ઝુંબેશ નહિ ઉપાડે અને આંકડાઓ છુપાવવાની ટેવ પ્રમાણે ખરા અહેવાલો ધ્યાનમાં નહિ લે તો સતત આગળ વધતો ડેન્ગ્યુ હજુ અનેકની જિંદગીનો ભોગ લેશે.