કોંગ્રેસનો બૌદ્ધિક અભિગમ
દેશના નાગરિકોને ભાવનાત્મક પ્રવાહોમાં તાણી જઇને એમના હાથમાંથી મત પડાવી લેવાની ભાજપની નવી અને અવનવી યોજનાઓ પર પાણી ફેરવી દેવાના આક્રમક પ્રયાસરૂપે કોંગ્રેસે એની મૂળભૂત પદ્ધતિ પ્રમાણે વાસ્તવિક, તાર્કિક અને પ્રવર્તમાન જરૂરિયાત સંગત પોતાની યોગ્યતા અંગેની દલીલોની શરૂઆત કરી છે જે ભાજપ માટે આઘાતજનક છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુનિયાની સૌથી મોટી લઘુતમ આવક ગેરેન્ટી યોજનાની જાહેરાત કરીને દેશના ચૂંટણી પ્રચાર માહોલને લાગણીઓ તરફથી વાળીને સામાજિક-આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે અને ભાજપના કહેવાથી નીતિ આયોગે આ યોજના પર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે તો પણ દેશના મતદારો પર એનો જે મહત્ પ્રભાવ પડવાનો છે એની અવગણના કોઇ કરી શકે નહિ.
રાહુલે જાહેર કરેલી આ યોજનાને ભાજપ દ્વારા (કિસાનોને વરસે ૬૦૦૦ રૂપિયા આપવાની) જાહેર થયેલી યોજનાના જવાબ તરીકે જોવામાં આવે છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે જો એમની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે તો દેશના ૨૦ ટકા પરિવારોને દર વરસે ૭૨,૦૦૦ રૂપિયા આપવામાં આવશે, જે સીધી જ તેઓના એટલે કે ગરીબોના ખાતામાં જમા થશે.
દેશના પાંચ કરોડ પરિવારો અથવા અંદાજે ૨૫ કરોડ લોકો આ યોજનાના લાભાર્થી બનશે. આ એલાનને કારણે દેશના રાજકીય વાતાવરણમાં હલચલ તો મચી ગઇ છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ પણ દિમાગને કસરત કરાવી રહ્યા છે અંદાજ છે કે લગભગ ૩,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આ યોજનામાં થશે, જે દેશના વાર્ષિક બજેટના ૧૩ ટકા જેટલો ભાગ કહેવાય.
એ જો કે હજુ સ્પષ્ટ નથી કે આ રકમ, હાલ ચાલુ સબસિડીઓ સહિત ગણવાની થશે કે સબસિડી ઉપરાંત ? અત્યારે ભારત સરકાર દેશના નાગરિકોને વિવિધ યોજનાઓના માધ્યમથી વિવિધ ૩૫ પ્રકારની સબસિડીઓનો લાભ આપે છે. આ બધી જ સબસિડીઓની વચ્ચે લઘુતમ આવક યોજનાને અમલી બનાવવી જો કે આસાન નહિ હોય.
રાહુલની આ યોજના ત્યારે જ લાગુ થઇ શકે કે જ્યારે બધી જ સબસિડીઓ ઓછી અથવા તો ખત્મ કરી દેવામાં આવે. પરંતુ અત્યારે જે સહાયતાઓ આપવામાં આવે છે.તે સમાજમાં પાછળ રહી ગયેલા વર્ગને જ આપવામાં આવે છે હાલની સબસિડીઓમાં કાપકૂપ કરવામાં આવે તો ઊહાપોહ થવાની સંભાવના રહેશે.
સહુના મનમાં એક સામાન્ય પ્રશ્ન એે તરવા લાગ્યો છે કે આટલી મોટી યોજનાના સંસાધનો એટલે કે નાણાંકીય સ્રોત શું હોઇ શકે ? જો કે રાહુલ ગાંધીનો દાવો છે કે સમગ્ર યોજનાનું માળખુ સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવામાં આવ્યું છે અને દુનિયાના કેટલાક ટોચના અર્થશાસ્ત્રીઓએ એમાં પોતાના દિમાગ લડાવેલા છે.
આ યોજના માટેનું નાણાં ભંડોળ ઊભું કરવા માટે કોઇ નવો ટેક્સ તો નહિ આવે ને ? એ પણ ચર્ચા છે. દુનિયાના અનેક દેશોમાં શ્રીમંતો પર વધુ ટેક્સ લગાવીને એ રકમમાંથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રણવ મુખરજી જ્યારે અગાઉ કોંગ્રેસ સરકારમાં નાણાં પ્રધાન હતા ત્યારે તેમણે આ પ્રકારના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે અપર્યાપ્ત સાબિત થયા હતા.
એની સામે એ પણ હકીકત તો છે જ કે ભારતના સુપર રિચ કહેવાય એ મહાશ્રીમંતો અન્ય દેશોની તુલનામાં બહુ ઓછો ટેક્સ ભરે છે. તેઓ પોતાના સામર્થ્યના પ્રમાણમાં જે ટેક્સ ભરે છે તે નહિવત્ હોવાનું અર્થશાસ્ત્રીઓ ઘણીવાર કહી ગયા છે. આજ સુધીની તમામ સરકારો ટેક્સના બહાને નોકરિયાત મધ્યમ વર્ગને નિચોવતી રહી છે. કોંગ્રેસ કદાચ પોતાની આ યોજનાને પાર પાડવા માટે દેશના સુપરક્લાસ શ્રીમંતો પર ટેક્સ વધારશે એવી દહેશત પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
ભારત જેવા દેશમાં જ્યાં આર્થિક અસમાનતા વધવાની ગતિ ભીષણ છે, ત્યાં ગરીબો માટેની લઘુતમ આવક યોજના લાવવી અત્યંત જરૂરી છે, પરંતુ દેશના સામાન્ય અર્થતંત્ર પર એનો બોજ પડે નહિ એ સાવધાની પણ રાખવી પડશે. સામાજિક અસંતોષ ઘટાડવા માટે પણ આ પ્રકારના ઉપક્રમો ચમત્કૃતિપૂર્ણ પરિણામો લાવી આપે છે. દેશમાં સુપરક્લાસ અમીરોની સંખ્યા જનસંખ્યાના પ્રમાણમાં વધુમાં વધુ એક ટકો જ છે.
એ તો હજુ જોવાનું રહે છે કે કોંગ્રેસ પોતાના સાથીદાર પક્ષોને આ યોજના ગળે ઉતારી શકે છે કે નહિ અને આનો રાજકીય લાભ કેટલો મળે છે. પરંતુ દરેક નાગરિકના ખાતામાં પંદર લાખ જમા કરાવવા જેવા ભાજપના ગતકાલીન તરંગોની તુલનામાં કોંગ્રેસની યોજના વાસ્તવિક ધરાતલ પર અને ખરેખર જેમને જિંદગીની પ્રાથમિકતાઓ નિભાવવા ટેકાની જરૂર છે એમને માટે છે.
રાહુલ ગાંધીની યોજનામાં એક શરતો લાગુ જેવી ફૂદડી પણ આવે છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગરીબ પરિવારની માસિક આવક ૧૨,૦૦૦/-માં જેટલી રકમ ઓછી હશે એટલી રકમ તેના ખાતામાં જમા કરાવવામાં આવશે. દેશના પાંચ કરોડ ગરીબોની માસિક આવક નક્કી કરવાના ધોરણો, આધાર અને પુરાવાઓનું પણ એક જંગલ તો સર્જાશે, જેને સુગમ સરળ બનાવવાનું રહેશે. અત્યારે તો રાહુલની આ આખી યોજના જો અને તો વચ્ચે લટકતી યોજના છે.