પ્રાકૃતિક આપદાની તૈયારી
આગામી થોડાક જ વરસોમાં પ્રાથમિક શાળાઓમાં પ્રાકૃતિક આપદા સામે ટકી રહેવા માટે બાળકોને તૈયાર કરવા માટે અભ્યાસક્રમોમાં સંશોધિત પાઠયક્રમ ઉમેરવામાં આવશે. સામાન્ય રીતે કોઈ નવા ફલેટ, ટેનામેન્ટ કે બંગલામાં પરિજનો વસવાટ કરવા જાય છે ત્યારે તેમની નજર રંગરોગાન અને ફર્નિચર તરફ જ હોય છે.
પરંતુ હવે એવા ઈન્ટિરિયર ડિઝાઈન અને વાસ્તુવિજ્ઞાાનને બદલે હવામાન શાસ્ત્ર સંદર્ભે નિવાસીઓની સુખાકારીનો વિચાર કરવાનો રહે છે. છેલ્લા દસ વરસમાં માત્ર વાતાવરણના પલટાઓને કારણે સર્જાતા ઝંઝાવાતથી અનેક ઈમારતો ધરાશયી થઈ છે. હજારો બાળકો મધરાતે એકાએક આવેલા કાળના પ્રવાહ જેવા અણધાર્યા પ્રલયમાં વહી ગયા છે. કુદરત હવે એ વળાંક પર છે જયાં મનુષ્ય નિઃસહાય સ્થિતિમાં મૂકાઈ જાય છે.
ધુ્રવ પ્રદેશોની નજીક અને દુનિયાના ત્રીજા ધુ્રવ પ્રદેશ જેવા હિમાલયન દેશોમાં ગમે ત્યારે ભૂસ્ખલન અને હિમસ્ખલનના દાયકાઓ હવે શરૂ થયા છે. એ જ રીતે સમુદ્રમાં ભૂકંપનું પ્રમાણ વધવા તરફ છે. ઈ.સ. ૨૦૦૪ માં હિન્દ મહાસાગરમાં આવેલા ભૂકંપથી જે ત્સુનામી ભરતીઓ આવી તેમાં એક સાથે અંદાજે અઢી લાખ લોકો તણાઈને, અથડાઈને, શ્વાસ રૂંધાઈને મૃત્યુ પામ્યા. ઈ.સ. ૨૦૦૫માં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરમાં આવેલા ભૂકંપથી એંસી હજાર પાકિસ્તાની નાગરિકો મોતને ભેટયા.
ત્યાર પછી જાવા સુમાત્રાના ટાપુઓ નજીકના સમુદ્રપેટાળમાં ભૂકંપે કાંઠે-કાંઠે ભીષણ તબાહી મચાવી હતી. એ જ રીતે ગત દાયકામાં સિચુઆન પ્રાન્તના ધરતીકંપે ૬૦,૦૦૦થી વધુ ચીનાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. કેલિફોર્નિયામાં ધોધમાર વરસાદ પડે પછી નદીના પ્રવાહની જેમ જ માટીનો પ્રવાહ પુરપાટ વેગે વહે છે. દુનિયામાં અનેક સ્થળોએ હવે જમીનોના ધોવાણ શરૂ થયા છે. રાસાયણિક ખાતરોથી માટીની તાકાત અને પક્કડ ઓછા થતાં જમીનનું ધોવાણ વધી ગયું છે.
પૃથ્વીના પેટાળમાં રહસ્યમય હલચલ છે અને એને કારણે જ્વાળામુખી પર્વતો અવારનવાર સજીવન થવા લાગ્યા છે. જ્વાળામુખીની તાકાત સમગ્ર પૃથ્વી પર વિનાશ વેરવાની છે. એ અંગે એક પ્રચલિત 'ટોબા' સિદ્ધાન્ત છે. આજથી ૭૫ હજાર વરસ પહેલા મહાકાય જ્વાળામુખી ફાટતા પૃથ્વી પર બહુ થોડા માનવયુગલો જ બચ્યા હતાં, ભૂગોળવેત્તાઓ એના ઈતિહાસનું 'લાવારસપ્રદ' વર્ણન કરે છે.
એ સ્થિતિ જો ફરી આવે તો કમ સે કમ એકાદ દેશની જનસંખ્યાને તો લાવા ગળી જ જાય. પશ્ચિમી દેશોમાં બરફવર્ષાએ ગત દાયકામાં વિનાશક સંયોગો સર્જીને અબજો ડોલરનું નુકસાન કર્યું છે. વરસાદ હવે વધુ અનિયત છે એટલે પડે છે ત્યાં પ્રલયકારી જળ વરસાવે છે. આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બહુ પ્રાથમિક અવસ્થામાં છે.
એ માટેની બુનિયાદી સમજણનો જ હજુ વિકાસ થયો નથી. આપણા દેશમાં બધી જ જવાબદારીઓ સરકાર માથે નાંખવાનો રિવાજ છે, પરંતુ લોકાનુભવ છે કે એનું કોઈ પરિણામ આવતું નથી. સંભવ એવી કુદરતી આપદાઓ સામે સાવધ રહેવું પડશે અને આપત્કાળે સ્વપરિવારના ઉદ્ધાર અર્થે જરૂરી એવી સામગ્રી ઘરમાં વસાવવી પડશે. કારણ કે સંકટકાળે શોપિંગ મોલમાંથી ખરીદેલી એક પણ ચીજ લાઈફ સેવિંગ માટે કામમાં નહિ આવે !
મધરાતે કટોકટી ઊભી થાય અને સૂસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ હોય ત્યારે દેશનાં અંતરિયાળ પ્રદેશોમાં કોણ કોની સંભાળ લે જેવી હાલતમાં એક પછી એક પરિવારો તબાહ થવા લાગે છે. એનું મુખ્ય કારણ એ છે કે તેઓએ કદી કલ્પના જ કરી હોતી નથી કે વિનાશ તેમનાં દ્વારે ટકોરા મારી શકે છે.
અકસ્માતે સર્જાતો વિનાશ અને પ્રાકૃતિક આપદા વચ્ચે જે તફાવત છે તે આમજનની સમજણમાં હજુ નથી. કેરળ અને ઓરિસ્સાના કાંઠાળ વિસ્તારની પ્રજાએ હવે હવામાનની અનિશ્ચિતતા સ્વીકારી છે, પરંતુ જેમને કદી એક પણ કુદરતી આપદાનો અનુભવ નથી તેમણે હવે આવનારા સંકટોની સંભાવનાને સ્વીકારવાની જરૂર છે.
દેશમાં મોટો સમુદાય એવો છે જેનામાં પ્રાકૃતિક આપદા પરત્વેની સભાનતા નથી. પ્રવાસો આનંદકારી હોય છે અને પ્રવાસ વિના તો જિંદગીના અનેક ડાયમેન્શન માણવાના જ રહી જાય છે. પરંતુ હવે પ્રવાસો જોખમથી ભરેલા છે. જેઓ પ્રવાસ દરમિયાનની કુદરતી આફતમાં મોતને ભેટે છે, તેમને જોઈને કેટલાક લોકોને ઘરની ચાર દીવાલોના અપ્રતિમ સૌન્દર્યનું જ્ઞાાન લાધે છે. એનો અર્થ એ નથી કે પ્રવાસ વિમુખ થવું. પરંતુ સાવધાની, ઋતુજ્ઞાાન અને ચોક્કસ અભ્યાસ વિનાનો રઝળપાટ જિંદગીની અંતિમ સફર બની શકે છે.