ટ્રમ્પને ડરાવે છે - રિક
જી-૨૦ દેશોનું શિખર સંમેલન ઓસાકા-જાપાનમાં શરૂ થઈ રહ્યું છે. આ ગુ્રપ આમ તો વિશ્વની વીસ માથાભારે આથક સત્તાઓનું જૂથ છે. દોઢ દાયકા પહેલા એની રચના તો માંગલિક કારણોસર થઈ હતી પરંતુ હવે એમાં અનેક તિરાડો પડી ગઈ છે. જો કે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે એમ એ જૂથના દસ વિવિધ દેશો સાથે ભારત અનેક વિકાસલક્ષી દ્વિપક્ષીય કરાર આ વખતે કરશે. પરંતુ આ બધું તો આવા સંમેલનમાં એક બાહ્યાચાર હોય છે.
દિવાનખંડ કરતા રસોડામાં કંઈક જુદો જ ખેલ હોય છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યાપારી યુદ્ધમાં હવે નવા વળાંક આવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકાના ત્રાસનો ભોગ બનતા બનતા દરેક દેશ સ્વતંત્ર રીતે લડતો હતો. હવે વ્યાપારિક હિતોના સંદર્ભમાં અમેરિકા વિરોધીઓનું નવું જૂથ રચાવાની સંભાવના છે. આ વખતના જી-૨૦ શિખર સંમેલનમાં ટીવી બધાની નજર 'રિક' દેશો ઉપર છે. રિક એટલે - રશિયા, ઈન્ડિયા અને ચાઇના.
છેલ્લા ઘણા સમયથી ચીનના ૨૦૦ અબજ ડોલરના ઉત્પાદનો પર જુદી જુદી રીતે આયાતી વેરો અમેરિકાએ વધારી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વેપારી છે અને આખી જિંદગી એમણે પોતાની માલિકીની મલ્ટી નેશનલ કંપનીઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સાથે પસાર કરી છે. ઉપરાંત પોતે આયાત-નિકાસનો અજબ નિષ્ણાત છે. એટલે એ પોતાના સલાહકારોને પણ ઘોળીને પી જાય છે. ટ્રમ્પે કેનેડા જેવા મિત્રદેશોને પણ છોડયા નથી અને ભારતની જેમ એને પણ આકરા આથક ફટકાઓ આપ્યા છે.
માત્ર પોતાના દેશના ખાડે ગયેલા વાણિજ્ય તંત્રને પાટે ચડાવવા માટે ટ્રમ્પ આખી દુનિયા સાથે વ્યાપારિક વેર બાંધવા બેઠા છે જે અત્યારે તો એનો અહંકાર પોષે છે પરંતુ અમેરિકાની આવનારી પેઢીઓને એ ભારે પડશે. રશિયાની યોજના છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનને પોતાની સાથે રાખીને નવા ત્રિપક્ષીય કરારો કરવાની છે.
વરસાદના વાદળાની જેમ એનું વાતાવરણ સર્જવા માટે તેઓ સક્રિય છે. એ સમય બહુ નજીક આવી ગયો છે કે જેમાં આ ત્રણેય રિક દેશો પરસ્પર અવલંબિત રહીને અમેરિકાને દૂર ફંગોળી દે. ભારત અને ચીન પાસે વિરાટ જનસંખ્યા છે. ચીનની વિશેષતા અને મર્યાદા બન્ને એક જ છે કે એના ઉત્પાદન યુનિટો બલ્કમાં એવા ધમધમે છે કે ભરપુર નિકાસ વિના એ ભાંગી પડે.
ટ્રમ્પે તમામ ચીની ઉત્પાદનો પર જે આયાતી વેરો હતો તે અઢીગણો વધારી દીધો છે. આ સ્થિતિને લગભગ એક રીતે તો ચીની ઉત્પાદનોની આયાત પરનો અઘોષિત પ્રતિબંધ જ કહેવાય. ચીને અમેરિકાના ૬૦ અબજ ડોલરના ઉત્પાદનો પર પચીસ ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવીને સામુ વેર લેવાની કોશિશ કરી છે.
જી-૨૦ શિખર સંમેલનમાં પરદા પાછળ અમેરિકા વિરોધી વાતાવરણ ભડકે એવી સંભાવના છે. રિક રાષ્ટ્ર વડાઓની ત્રિપુટીની એક મિટિંગ પણ થવાનો સંકેત છે. એ આજ નહિ તો કાલનું ભવિષ્ય છે અને ટ્રમ્પને પણ એનો ભય સતાવે છે. અમેરિકાના વિદેશ સચિવે ગયા મહિને ત્રણેય રિક દેશોની પરસ્પરની શત્રુતા વધે એવો એક લાંબો બક્વાસ કરતું નિવેદન કર્યું હતું પરંતુ એનો આ ત્રણ દેશો પર કોઈ પ્રભાવ નથી.
ડોકલામ વિવાદ દ્વારા ચીને ભારતને સ્પષ્ટ એવો મેસેજ આપવાની કોશિશ કરી હતી કે ચીનને ભૌગોલિક સીમા ઉલ્લંઘનમાં કોઈ રસ નથી. એમ કહીને ચીને પીછેહઠ કરીનેય પોતાના વ્યાપારિક હિતોને ભારત સાથે મજબૂત કરી લીધા હતા. જી-૨૦ ની આ વખતની શિખર પરિષદ એ રીતે મહત્વની બની રહેશે કારણ કે વ્યાપારયુદ્ધના પડછાયામાં આ સંમેલન શરૂ થઈ રહ્યું છે.
યુરોપીય દેશોની અમેરિકા તરફ સતત વધતી જતી ખિન્નતા પણ ઓસાકામાં જોવા મળશે. ભારતનું હજુ સુધીનું વલણ બિનજોડાણવાદી રહ્યું છે પરંતુ આ નીતિમાં ભારતે બાંધછોડ કરવી પડે તેવું રશિયાનું દબાણ દેખાય છે. રશિયા પોતે પણ અત્યારે આથક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઓસાકાનું આ વખતનું સંમેલન અમેરિકા તરફના વિશ્વસમુદાયના બદલાયેલા અભિગમની અભિવ્યક્તિ પણ બનશે.
ભારત અંગે એ ટીકા તો બહુ જાણીતી છે કે ભારતીય વિદેશનીતિ સંદિગ્ધ છે. ગત ટર્મમાં સુષ્મા સ્વરાજ જેવા વિચક્ષણ વિદેશ પ્રધાન પણ દેશને અસ્પષ્ટ વિદેશ નીતિમાંથી બહાર લાવી શક્યા નહિ. વડાપ્રધાન મોદી ખુદ જેટલા વિદેશ પ્રવાસોને ચાહે છે એટલું ધ્યાન તેઓ નીતિ નક્કી કરવામાં આપી શકતા નથી.
તો પણ એમના વિદેશ પ્રવાસોને આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેશની છબી સુધારી છે. અપડેટ અને અપગ્રેડ કરી છે. પરંતુ વ્યાપારિક યુદ્ધ જેવા સંજોગોમાં છબી બહુ કામ આવતી નથી. હવે જોવાનું રહે છે કે અમેરિકા જેવા શૃંગ ઉછાળતા આખલા સામે ભારતની વિદેશનીતિ કેવોક માર્ગ અખત્યાર કરે છે.