ઝેરી ખાતરોનો અભિષેક
આકાશ આ મોસમમાં પૃથ્વી પર અમૃતનો અભિષેક કરી રહ્યું છે અને આપણે મનુષ્યો કાચા સોના તરીકેના એ ખેતરોમાં સંઘરાયેલા અમૃત પર ઝેરી રાસાયણિક ખાતરોનો અભિષેક કરી રહ્યા છીએ. ખેડૂતો એ વાત જાણતા જ નથી કે તેઓ દરેક પાકને રોકડિયો બનાવવા માટે જમીનનું જે બેફામ દોહન કરી રહ્યા છે એના પરિણામો જે ભારતે ભોગવવાના છે એ ભારતમાં જ તેમના સંતાનો વસે છે. ઝેરી ખાતરનો રેલો માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવે પધરાવ્યા પછી એ રેલો સર્પાકાર ગતિએ ક્યારે તેમના ખુદના ઘર તરફ પાછો ફરશે એ તેઓને ખબર નથી.
પંજાબના ખેડૂતોને હમણાં સુધી આ હકીકતની ખબર ન હતી. પરંતુ ઘઉંમાં ઝેરી ખાતરોનો અધિક માત્રામાં છંટકાવ કરવાથી હવે પંજાબના મહત્તમ ગ્રામ વિસ્તારોમાં ઘરે ઘરે કેન્સરના દર્દીઓની દુ:ખદ શય્યા જોવા મળે છે. ભટિન્ડાથી આજુબાજુના વિશાળ વિસ્તારમાં તો કેન્સર ચેપી રોગ ન હોવા છતાં કેન્સરનો 'રોગચાળો' (એપિડેમિક) જોવા મળે છે. તે પણ એટલી હદ સુધી કે ભટિન્ડાથી રાજસ્થાનના બિકાનેર જિલ્લાની એક જાણીતી ચેરીટેબલ હોસ્પીટલ જવા માટે રેલવે મંત્રાલયે ભટિન્ડા - બિકાનેર ટ્રેન રોજ દોડાવવી પડે છે.
આ ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન છે. આ ટ્રેન દર્દીઓનું જ વહન કરે છે, છલોછલ હોય છે. જે રેલવે સ્ટેશને રાસાયણિક ખાતરોના વેગનો ઠલવાય છે તે જ સ્ટેશનેથી આ કેન્સર ટ્રેન ઉપડે છે. પૂછપરછની બારીએ કે ટિકિટબારીએ કેન્સર ટ્રેન શબ્દ જ પ્રયોજાય છે. ઘઉં ભારતીય પ્રજાનો મુખ્ય ખોરાક છે અને હવે એમાં ઝેર પ્રસરવા લાગ્યું છે એવી વ્હીસલ બ્લોઅર આ ટ્રેન જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતા હજારો લોકો માટે જો કે એક આશ્વાસન પણ છે.
કેન્દ્ર કે રાજ્ય સરકારના કૃષિ ખાતાઓ ખાતરોને જાણે કે પોતાના કાર્યક્ષેત્રમાં ગણતા જ નથી. ખુદ વડાપ્રધાન તેમનાં જાહેર ભાષણોમાં કિસાનોને રાજી રાખવા માટે કહેતા રહે છે કે અમે ખાતરોની કમી દૂર કરી દીધી ! ખાતરો માટેના નવા ધારા ધોરણો ઘડવાની જરૃર આમ તો છેલ્લા ત્રણ દાયકાથી છે. રાસાયણિક ખાતરોના ઉત્પાદકો અને કૃષિલક્ષી દવાઓના ઉત્પાદકો પર સરકારનું જે નિયમન છે તે માત્ર કહેવા ખાતરનું જ છે કારણ કે જેટલી રકમ જ્યાં પહોંચવી જોઇએ તે 'હપ્તા'વાર પહોંચતી હોય છે. ભાજપનો ભ્રષ્ટાચાર પર અંકુશ નથી.
જ્યાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં રાજકારણીઓ અને અધિકારીઓ સંપીને વિવિધ શૈલીથી આબાદ લૂંટ ચલાવી રહ્યા છે. તેઓ પાપ કરવામાં પાછું વળીને જોતા નથી. રાસાયણિક દવાઓની કંપનીઓ એમના વિક્રેતાઓને હવે વિદેશની ટુર કરાવવા લાગી છે. હમણાં જ આ જ પંજાબના રાસાયણિક ખાતરોના વિક્રેતાઓને એક કંપનીએ થાઈલેન્ડનો પ્રવાસ કરાવ્યો. માણસજાતના આહારમાં ઝેરી રસાયણો ઢોળીને તેઓ વિહાર કરવા ઊડી નીકળે છે ! ગુજરાતના ખેડૂતોએ અને ખાતરયુક્ત ખોરાક આરોગતા સ્વાદઘેલા ગુજરાતીઓએ ભટિન્ડાથી બિકાનેર જતી ટ્રેનનો એકાદવાર સાક્ષાત્કાર કરવા જેવો છે જેથી અંતિમ (જેવી) એ યાત્રામાંથી પરિવારને સાવધાનીથી ઉગારી શકાય.
જે આપણે ખુદ ખુદ આરોગવા ચાહતા ન હોઇએ એ બીજાઓને કઇ રીતે પીરસી શકાય ? ખેડૂતો અન્નદાતાર કહ્યા છે ને જગતના તાત કહ્યા છે. કોઇનું પણ આત્મભાન અને સ્વસુધારણા એ સરકારનો વિષય ન હોઇ શકે. બધું જ કાયદાથી થઇ શકતું નથી અને કાયદો આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ જતું હોય છે.
જે દ્રશ્યો અત્યારે પંજાબમાં દેખાય છે તે દેશના અન્ય રાજ્યોમાં પણ ભવિષ્યમાં દેખાઇ શકે છે. એમ ન થાય એટલે પંજાબની અનેક બિનસરકારી સંસ્થાઓ અને સંગઠનોએ ઝેરી ખાતરો અને દવાઓ સામે મીડિયા અને સોશ્યલ મીડિયામાં નવી સકારાત્મક ઝુંબેશ ઉપાડી છે. પોતાની બધી જ સમસ્યાઓના ઉકેલ સરકાર પાસેથી શોધવા જતી પ્રજા સામાજિક અને આરોગ્યલક્ષી જીવનમાં ક્યારેક અવળે પાટે ચડી જાય છે.
મનુષ્યની વ્યાખ્યામાં જ એ વાત સમાવિષ્ટ છે કે માત્ર પોતાના એકના દોષ-દુર્ગુણ બાદ કરીને આપણને સહુના વાંક દેખાય છે. ભલે દેખાય પણ અનાજ જે આપણા ભોજનથાળ સુધી આવી પહોંચ્યું છે એમાં છુપાયેલા ઝેર અંગે તો દરેકે પોતપોતાના દોષ ઓળખવા, કબૂલવા અને દૂર કરવા પડશે. ભારતીય રેલવેએ આવી ઉપકારક છતાં અફસોસજનક વધુ ટ્રેનો ન દોડાવવી પડે તે જવાબદારી રેલવે મંત્રાલયની નથી, સમાજની પોતાની છે.