Get The App

BSNLને જીવતદાન .

Updated: Oct 25th, 2019

GS TEAM

Google News
Google News
BSNLને જીવતદાન                                         . 1 - image


છેલ્લા ઘણાં સમયથી દેશમાં બીએસએનએલના આર્થિક સંકટ પર ધમાલ ચાલે છે. કર્મચારીઓના પગાર પણ કોઈવાર ન થયા હોય કે મોડા થયા હોય ત્યારે ઉહાપોહ મચેલો છે. દેશવ્યાપી એની શાખાઓમાં કર્મચારીઓએ દેખાવો પણ કરેલા છે. લગભગ સરકાર ભારત સંચાર નિગમને તાળુ મારી દેવાની તૈયારી કરતી હોય એવું પણ દેખાતું હતું. આવી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે જે સમયે દેશના નાણાંપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે એમણે પણ આ સરકારી કંપનીને સંકેલી લેવાની વાત કરી. 

આ એક ચિત્ર છે પરંતુ બીજુ ચિત્ર એ છે કે વિરાટ ભારતના અનેક દુર્ગમ અંતરિયાળ ક્ષેત્રોમાં જ્યાં ખાનગી ટેલિકોમ કંપનીઓ પગ પણ મુકી શકતી નથી ત્યાં ભારત સંચાર નિગમની એકમાત્ર સેવા ચાલે છે અને એનાથી એવા વિસ્તારોમાં રહેતા કરોડો ભારતીયો માટે એ પ્રણાલિકા હુંફાળા માનવીય સંબંધોનો અદ્વિતિય સેતુ છે.

આપણાં દેશમાં રાજકારણમાં રાતોરાત સપાટી પર આવી જનારા અનેક પ્રધાનો એવા છે જેને હિંદુસ્તાનની માટીની મહેંકનો પરિચય જ નથી. તેઓ સીધા આસ્ફાલ્ટ અથવા આરસ પરથી જ ખુરશી પર ચડી ગયા છે. જે રીતે ભારતીય રેલવે સેવાઓ આખા દેશને એકસૂર એક તાલમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ જોડે છે એ જ રીતે ભારત સંચાર નિગમ પણ આપણી પ્રજાના અવાજને એકબીજાના હૈયા સુધી પહોંચાડવામાં ફ્લેગશીપ કંપની તરીકે કામ કરે છે.

એક જમાનો હતો કે આખી સોસાયટીમાં એક જ ઘરે ટેલિફોન હોય. પછી આજુબાજુ રહેતા બધા લોકો પોતાના સગાવહાલાને એ નંબર આપે. જેને ત્યાં ફોન હોય એના આખા પરિવારે સમાજની સેવા કરવાનો આ ધરાર મોકો સ્વિકારવાનો આવે. પરંતુ આપણા સમાજમાં એ સમયે એવા સજ્જનો હતા કે જેનો ફોન આવે એને વરસતા વરસાદે છત્રી લઈને ઘરે બોલાવવા જાય અને ફોનમાં વાત કરાવે પછી ફરી છત્રી લઈને એમના ઘરે મુકવા પણ જાય.

આજે જે લોકો ૨૫થી ૫૦ની ઉંમરના છે એમના જન્મના સમાચાર એ રીતે જ ટેલિફોનમાં જે તે સમયે પ્રસારિત થયેલા છે. ગ્રેહામ બેલે બનાવેલા ટેલિફોને ભારતમાં જનજીવનને વ્યાપાર વ્યવસાય અને સામાજિક બાબતોમાં અનેક ઊંચાઈઓ આપેલી છે. લેન્ડલાઈન ટેલિફોનની દુનિયા હવે જો કે અસ્તાચળને આરે છે અને ભારત સંચાર નિગમે મોબાઈલ ક્ષેત્રમાં અનેક ફરિયાદો વચ્ચે પણ ચોક્કસ વ્યાપ વધારીને વિકાસ હાંસલ કરેલો છે ત્યારે જો સરકાર એને ન ટકાવે તો દેશનું એક બહુ જ વિરાટ કોમ્યુનિકેશન નેટવર્ક ધ્વસ્ત થઈ જવાની ભીતિ રહે છે.

ભાજપ સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે એને સત્ય ગળે ઉતરતા બહુ વાર લાગે છે. ક્યારેક તો મોડું પણ થઈ જાય છે. એના દ્રષ્ટાંતો જોઈએ તેટલા છે. બીએસએનએલના અસ્તિત્વને ટકાવવાની બાબતમાં આજસુધી કેન્દ્ર સરકારે બહુ જ નકારાત્મક વલણ અખત્યાર કર્યું. લગભગ એ વાત જાહેર થઈ ગઈ કે બીએસએનએલ હવે ઓક્સિઝન પર છે ત્યારે એકાએક જ કેન્દ્ર સરકારને સુમતિ સુઝી છે અને એટલે હવે કેન્દ્ર સરકારે દિવાળીના શુભ સમાચાર તરીકે બેએસએનએલના પુનરોદ્ધાર માટે ૬૮૭૫૧ કરોડના પેકેજને મંજુરી આપી દીધી છે.

જે હાલત બીએસએનએલની છે એ જ હાલત મહાનગર ટેલિકોમ નિગમની પણ છે. એટલે આ નિગમને ભારત સંચાર નિગમમાં વિલય કરી દેવાનો પણ નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર ટુંક સમયમાં ભારત સંચાર નિગમના કર્મચારીઓ માટે પદ્ધતિસરની સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના પણ દાખલ કરશે. જે પણ સમગ્ર નિગમની આર્થિક સમૃદ્ધિ માટે અનિવાર્ય છે. ખરેખર આ ફેંસલો સરકારે જો સમયસર લીધો હોત તો ઉપરોક્ત બંને કંપનીઓની હાલત અત્યારે જે લાચાર થઈ ગઈ છે તે ન થાત.

ખુદ કેન્દ્રના દૂરસંચાર વિભાગે ભારત સરકારના નાણાં મંત્રાલય સમક્ષ ૭૪૦૦૦ કરોડની દરખાસ્ત મુકી હતી અને વડાપ્રધાન કાર્યાલયને પણ વારંવાર દંડવત કરીને સમજાવવા મથામણ કરી હતી કે અમારી આ દરખાસ્તને મંજૂરી આપો તો અમને જીવતદાન મળે. પરંતુ એ સમયે નાણાં મંત્રાલયે દૂરસંચાર વિભાગને સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર ભારત સંચાર નિગમને સંકેલી લેવા અથવા તો કોઈ ખાનગી કંપનીને પધરાવવા ચાહે છે.

સ્પર્ધાત્મક રીતે ભારત સંચાર નિગમની સેવાઓ થોડીક પાછળ રહી ગઈ છે પરંતુ આર્થિક રીતે જૂઓ તો દેશના સામાન્ય નાગરિકને બીજી કંપનીઓની તુલનામાં એ ઘણા સસ્તા ભાવે પડે છે. બીએસએનએલ માટે ગુજરાતીઓએ કરેલી મજાક જાણીતી છે કે બાજુની (બી) શેરીમાં (એસ) પણ ન (એન) લાગે (એલ) એવી આ ટેલિફોન સેવાઓ છે એમાં કંઈક વાસ્તવિકતા પણ છે પરંતુ ખાનગી કંપનીઓ જે રીતે આડેધડ લૂંટફાટ કરે છે એ ધંધો ભારત સંચાર નિગમ કરતું નથી. સરવાળે ભારતના સામાન્ય જનને બીએસએનએલના તમામ ભાવપત્રકો પોસાય છે.

એનો બીજો અર્થ એ છે કે દેશની લગભગ એકાધિકાર કહેવાય એવી ચાર પાંચ ટેલિકોમ કંપનીઓની જે રીંગ બનેલી છે એ રીંગ એવું ચાહે છે કે જો બીએસએનએલ ખતમ થઈ જાય તો ગ્રાહકોનો વિરાટ ખજાનો લૂંટવા માટે આપણાં હાથમાં આવે. આ સંજોગોમાં ભાજપના નેતૃત્વની કેન્દ્રની એનડીએ સરકાર માટે તેના પોતાના કલ્ચર અને સ્વભાવ પ્રમાણે ઉદ્યોગપતિઓને નારાજ કરવાનું મુશ્કેલ હોય તે સમજી શકાય છે અને તે ભાજપની સૌથી મોટી બદનામી પણ છે. છતાં કેન્દ્ર સરકારે સામા પાણીએ ચાલીને પહેલી વખત કદાચ ટેલિકોમ કંપનીઓના માલિકોને નારાજ કરીને બીએસએનએલને જીવતદાન આપ્યું છે.

Tags :