ડાબેરીઓનો સંઘર્ષ .
પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ પતનની ગહન ગર્તામાં ફસાયેલા છે. તેમના ઉદ્ધારક કોઈ નથી. મમતા બેનરજી મનોમન એમ માનીને ચાલે છે કે રાજ્યના ડાબેરીઓમાં ફિનિક્સની જેમ સજીવન થઇ ફરી સત્તામાં આવવાની તાકાત હોઈ શકે છે એટલે તેઓ રાજ્યના તમામ ડાબેરી નેતાઓ અને કાર્યકરોનો આક્રમક પીછો કરી તેનું પગલું દબાવી રહ્યા છે.
આ સંજોગોમાં રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસનો પ્રમુખ શત્રુપક્ષ ભાજપ છે. ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં જ્યાં જગ્યા મળે ત્યાં પગ મૂકવો એ એક જ વિચારધારા છે.
મમતા બેનરજીથી અત્યંત પીડાઈ રહેલા ડાબેરીઓને આજકાલ ભાજપે પોતાના ખોળે રમાડવાની શરૂઆત કરી છે.
ભાજપ એક દક્ષિણપંથી વિચારધારા ધરાવતો અને માર્કસ્વાદીઓથી સાવ વિરુધ્ધના છેડાનો રાજકીય પક્ષ છે છતાં ડાબેરીઓને પંપાળીને અશાંત પશ્ચિમ બંગાળને વધુ અશાંત કરવાની યોજનાના ભાગ રૂપે ભાજપે હવે ડાબેરીઓને જમણા હાથે લાપશી પીરસવાની શરૂઆત કરી દીધી છે. આને કારણે ઇ.સ. ૨૦૧૯માંઆ જ ડાબેરીઓ કટોકટીની સંખ્યાઘટમાં ભાજપની પડખે આશ્ચર્યજનક રીતે ઊભા રહેશે.
મમતા બેનરજીની મર્યાદા એ છે કે તેઓ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં બહુ શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ તેમના પોતાના અભિપ્રાયથી જુદો મત ધરાવનારાઓને સ્વીકારી શક્તા નથી. પશ્ચિમ બંગાળમાં માર્કસ્વાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના પાયા બહુ ઊંડા છે અને પ્રજામાં એમના પરત્વે સહાનુભૂતિની લાગણી છે.
એનું એક કારણ એ પણ છે કે વર્ષો સુધી જ્યોતિ બસુ જેવા રાજનેતાને આદર્શ માનીને ઘડાયેલા કોમ્યુનિસ્ટ નેતાઓ અને કાર્યકરોમાં સજ્જનતાની ઊંચાઈ પણ અસામાન્ય છે, જેને કારણેતેઓની પાસેથી સત્તા સરી ગઈ હોવા છતાં તેઓ પ્રત્યે લોકાદર અને ચાહના જળવાયેલા છે. આવા આ વામ મોરચાના સમર્થકોને મમતા બેનરજી સખત હેરાન-પરેશાન કરી રહ્યા છે.
બંગાળના ગ્રામ વિસ્તારોમાં તો મમતા બેનરજીએ એટલો ત્રાસ વર્તાવ્યો છે કે છેલ્લા ચારપાંચ વરસથી તો વામ મોરચાના સમર્થક રહેલા નાના અને સીમાંત ખાતેદારને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના લાભથી વંચિત રાખ્યા છે. એટલી હદે તૃણમૂલ કોંગ્રેસે આ પ્રવૃત્તિ કરી છે કે કેટલાક ડાબેરી કાર્યકરોએ તો તેમના રેશનિંગ કાર્ડ પણ ગમાવી દીધા છે.
હવે ડાબેરી કાર્યકરો અને નેતાઓ ભાજપના શરણે જવા લાગ્યા છે, જો કે એની ખરી શરૂઆત તો ઇ.સ. ૨૦૧૪માં જ થઇ ગઇ હતી જ્યારે ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે પહેલીવાર વ્યાપક રીતે ડાબેરીઓના સંપર્કમાં આવ્યા હતા. ઇ.સ. ૨૦૧૫-૧૬ પછી યોજાયેલી વિવિધ પેટા ચૂંટણીઓમાં ભાજપના મતો પંદર ટકાથી વધીને ત્રીસ ટકા સુધી પહોંચ્યા પછી ડાબેરીઓનો ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે.
હવે તો માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીન વિવિધ નેતાઓ અને કાર્યકરો જાહેરમાં એમ સ્વીકારતા થયા છે કે ભાજપ તરફથી અમને આર્થિક સહયોગ મળી રહ્યો છે અને સંગઠનમાં પણ ભાજપ અમને મદદ કરી રહ્યો છે. જો કે ભાજપની યોજના સમગ્ર પશ્ચિમ બંગાળમાં આજકાલ વેરવિખેર થઇ ગયેલા ડાબેરીઓને સંગઠિત કરીને એમને મમતા બેનરજી વિરુધ્ધ સક્રિય કરવાની છે.
માર્કસ્વાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ તેમના નેતાના મુખે બંગાળની પ્રાદેશિક ચેનલોમાં હમણાં જ પોતાની વ્યથાકથા કહી છે કે ભાજપ પાસે તૃણમૂલ કોંગ્રેસ સામે લડવા માટે પૈસા છે પરંતુ દુઃખની વાત એ છે કે અમારા ડાબેરીઓ પાસે અમારી વોટબેન્ક સાચવવા માટે જરૂરી એવા કોઈ મિનિમમ ફંડફાળા પણ નથી.
ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા શાસક તૃણમૂલ કોંગ્રેસે કુલ ૩૦,૦૦૦થી વધુ લોકોને વિવિધ ખોટા કેસમાં ફસાવ્યા હતા જેથી તેઓ ચૂંટણીમાં ઉમેદવારી કરી ન શકે. એ બધા કેસમાં લડનારા ડાબેરીઓને અદાલતી અને કાનૂની ખર્ચ પણ હવે ભારે પડી રહ્યો છે.
માર્કસ્વાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી રાજ્યની તમામ આંતરિક ઘટનાઓથી સારી રીતે વાકેફ છે છતાં તેઓએ જે રીતે મમતા બેનરજી સામે મોરચો માંડવો જોઇએ તેમાં તેઓ પાછી પડી રહ્યા છે. યેચુરીનાં આવા ઉપેક્ષિત વલણને કારણે જ હવે ડાબેરીઓ તબક્કાવાર ભાજપની પનાહ લેવા લાગ્યા છે.
ભાજપ આ મોકાનો પૂરેપૂરો લાભ લેવા ચાહે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની લોકપ્રિયતા હજુ ઓસરી નથી છતાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને પરાસ્ત કરવા માટે ભાજપે ડાબેરીઓને જ હથિયાર બનાવવાનો નિર્ણય લીધો છે. આમ પણ રાજ્યમાં ડાબેરી વિચારધારા હવે તો અસ્તાચળના આરે છે, એ જોઇને ભાજપે પોતાનું સંગઠન વિસ્તારવા માટે જૂના ડાબેરીઓને નવા જમણેરી બનાવવાનું એક અસંભવ લાગે તેવું સ્વપ્ન સેવ્યું છે.