નેપાળની આંખે કાળાપાણી
ભારતના ઉત્તરાખંડ અને નેપાળની સરહદે કાલાપાની નામે ઓળખાતા પાંત્રીસ ચોરસ કિલોમીટરના વિસ્તારને ભારત સરકારે પોતાનામાં હતો અને એ રીતે ફરી નકશામાં દર્શાવતા ચીને ઊહાપોહ કરાવ્યો છે. નેપાળને ગળી જવા માટે ચીને છેલ્લા ત્રણ દાયકાથી અજમાવેલા વિવિધ પ્રયોગોના પરિણામ હવે દેખાવા લાગ્યા છે. નેપાળના સામ્યવાદી અને માઓવાદી નેતાઓને કારણે એ દેશ એની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા અને સભ્યતાને બદલાવવાની ઉતાવળમાં છે.
નેપાળમાં ચીન વિરોધી સ્વતંત્ર વિચારધારા ફેલાવનારા જે કોઈ ક્રાન્તિકારીઓ હતા તેમાંના મોટાભાગના જેલમાં છે અને જે બહાર છે એમણે માથે લટકતી તલવારથી બચવા ભૂગર્ભમાં ઉતરી જવું પડયું છે. આજે હજુ હિન્દુઓ માટે સ્થિતિ સારી છે પરંતુ નજીકના ભવિષ્યમાં ચીનનું આયોજન સમગ્ર નેપાળમાંથી હિન્દુઓને હાંકી કાઢવાનું છે. કોઈ ને કોઈ બહાનાસર ચીનાઓના નેપાળ પ્રવાસમાં અતિશય વધારો થયો છે અને દરેક પ્રવાસી જુથમાંથી થોડાક લોકો તો નેપાળમાં રોકાઈ જાય છે. જે હાલત તિબેટની છે એ જ દશા નેપાળની થવાની નિશ્ચિત છે.
નેપાળી પ્રજા આ વાતથી સારી રીતે વાકેફ છે. પરંતુ નેપાળી વડાપ્રધાન તમામ આંદોલનને ક્રૂરતાથી પગની એડી તળે દાબી રહ્યા છે. સમગ્ર નેપાળમાં વર્તમાન સરકાર વિરુદ્ધમાં ભીષણ પત્રિકા યુદ્ધ ચાલે છે. નેપાળમાં અત્યારે જાહેર કર્યા વિનાની કટોકટી જેવું વાતાવરણ છે. નેપાળ સરકારે ભારતની બેતાલીસ ટેલિવિઝન ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
એન્ટી સિગ્નલ જેવી સિસ્ટમને કારણે આ ચેનલો નેપાળમાં જોઈ શકાતી નથી. સરહદે ચોકી પહેરો કરતા બીએસએફના જવાનોની નેપાળ દ્વારા અવારનવાર ધરપકડ અને પછી મુક્તિ થતી રહે છે. નેપાળ માટે ભારતનો એક ફૂંફાડો જ પૂરતો છે. ડંખ મારવાની પણ જરૂર નથી. પરંતુ આવા જ ખયાલમાં ભારત કરંડિયામાં જ ચૂપ હોય એવી હાલત અત્યારે છે. કારણ કે હવે નેપાળે ભારતને ધમકી આપવાની શરૂઆત પણ કરી દીધી છે.
પાછલી યુપીએ સરકારનો દાયકો અને પછીની આ એનડીએ સરકારના આજ સુધીના વરસો દરમિયાન ભારતે નેપાળની ઉપેક્ષા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ભારતે ખરેખર ત્યારથી જાગૃત થવાની જરૂર હતી જ્યારે માઓવાદીઓ નેપાળની રાજકીય પ્રક્રિયામાં જોડાવા લાગ્યા. ભારતીય નેતાઓને રાજકારણમાં જ ડૂબેલા રહેવું ગમે છે એટલે એમને દેશકારણ ફાવતું નથી.
રાજકારણ અને દેશકારણ બન્ને અલગ છે. એ ન આવડવાને કારણે એથી સરહદી મિત્રો પણ ક્રમશઃ દુશ્મન બનતા જાય છે. નેપાળ તો હવે ભારત સાથે શત્રુતાની ભાષામાં જ વાત કરે છે કારણ કે નેપાળના તમામ સત્તાધારી નેતાઓની જીભ પર ચીન સવાર છે. ભારત સરકારે હમણાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે પ્રદેશોને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે દર્શાવવા માટે ભારતનો નવો નકશો સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આમ તો એને એક મહિનો થવા આવ્યો પછી નેપાળને પેટમાં શૂળ ઉપડયું છે.
જે વિસ્તારનો વિવાદ છે ત્યાં ભારતીય સરહદી સલામતી દળોની પણ ઉપસ્થિતિ છે. નેપાળના વડા પ્રધાન મિસ્ટર ઓલીએ કહ્યું કે અમે એક ઈંચ જમીન પણ આપવાના નથી. (આપણે એમ સાંભળવાનું કે ઓલી ભલે એનો આખો દેશ ચીનને આપી દે.) ભારત સરકારે ઠંડકથી સ્પષ્ટતા કરી છે કે અમે નવા નકશામાં નેપાળી સરહદોએ કોઈ ફેરફાર કર્યો નથી, બધું અગાઉ જેમ હતું તેમનું તેમ છે.
ચીન ભૌગોલિક સામ્રાજ્યવાદી દેશ છે. એનું ધ્યાન ભૂગોળમાં વધારે છે અને ભારતનું ધ્યાન ઈતિહાસમાં વધારે છે. વળી ચીન પાસે ભૂગોળ તરફનું ધ્યાન અને જ્ઞાાન બન્ને છે અને એ જ ભારત માટે સૌથી મોટું જોખમ છે. પાકિસ્તાન જેવા બેવકૂફ શત્રુનું રટણ કરી કરીને આપણે દરેક દુશ્મનને બેવકૂફ માનતા થઈ ગયા છીએ પરંતુ ચીનના કિસ્સામાં એવું નથી. બેજિંગ કહે તેમ જ કાઠમંડુ કરે છે. નેપાળી વડાપ્રધાન ઓલી હંમેશા ઓલાને પૂછીને જ પાણી પીવે છે !
વડાપ્રધાન ઓલીએ કહ્યું કે ભારતે કાલાપાની ક્ષેત્ર પર ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. જ્યારે હકીકત એ છે કે પાંત્રીસ ચોરસ કિલોમીટરનો આ ત્રિકોણીય વિસ્તાર ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવે છે. જેની હદ નેપાળ અને ચીન બન્નેને સ્પર્શે છે. આ વિસ્તાર છેલ્લા બસ્સો વરસોથીય વધુ સમયથી ભારતના અધિકારમાં છે. એટલે જ નેપાળના કોઈ ભૂતપૂર્વ શાસકે આને વિવાદનો મુદ્દો બનાવ્યો નથી.
ઈ. સ. ૧૮૧૬માં ગોરખાઓ અને બ્રિટિશરો વચ્ચે થયેલી સંધિમાં પણ આ વિસ્તાર ભારતને સોંપી દેવામાં આવ્યો હતો. ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ પૂરું થયું ત્યારથી આ પ્રદેશમાં ભારત સરકારની બનાવેલી વિવિધ સીમા સુરક્ષા દળોની ચોકીઓ છે. નેપાળે હવે એ ચોકીઓ તાત્કાલિક દૂર કરીને ભારતને તેના સૈનિકો ત્યાંથી પાછા બોલાવી લેવાની બૂમાબૂમ અને રજુઆત કરી છે.
એકાએક જ નેપાળની આંખમાંથી આ ભારતભૂમિ માટે કાળા પાણી કેમ વહેવા લાગ્યા ? દાવેદારી માટે વડાપ્રધાન ઓલી પાસે એક પણ તર્ક નથી. ચીનના આક્રમક ભૂગોળવેત્તાઓએ આ એક ઊભું કરેલું ભૂત છે. આવા ભૂત આજકાલ તેઓ અરૂણાચલ પ્રદેશમાં પણ ઊભા કરવા લાગ્યા છે અને એ તરફ પણ એનડીએ સરકારનું ધ્યાન કે જ્ઞાાન નથી.