પાણી માટે પાણીપત નિશ્ચિત
આમ તો સમગ્ર દેશમાં અનિયત વરસાદને કારણે જુદા જુદા રાજ્યો માટે આ વખતે ઉનાળો આકરો નીવડે ત્યારની વાત છે પરંતુ અત્યારે તો ગુજરાત અને મહારાષ્ટ્રની હાલત વેરાન બુંદેલખંડ જેવી થવા લાગી છે જ્યાં પીવાના પાણી માટે ગ્રામવાસીઓએ નિત્ય લાંબી પગપાળા સફર કરવી પડે છે.
સહુ જાણે છે અને સરકાર જે વાત છુપાવે છે તે હકીકત જ એ છે કે નર્મદા ડેમમાંથી આ પહેલાની વિજય રૂપાણી ભાગ-૧ સરકારે ભાગ-૨ જીતી લેવા માટે આ ડેમના દરવાજા ખોટા સમયે ખુલ્લા મૂક્યા હતા, એટલે કે જ્યારે સંયમ રાખવાનો હતો ત્યારે એ પાણીનો રાજ્યભરમાં બેફામ વેડફાટ કર્યો હતો જેનું પરિણામ હવે પ્રજા અને શાસકો બન્નેએ ભોગવવાનું આવ્યું છે.
દાયકાઓ પછી ગુજરાતમાં આ એક એવો શિયાળો છે જેમાં પીવાના અને વપરાશના પાણીની ચહુદિશ બૂમાબૂમ સંભળાવાની શરૂ થઈ ગઈ છે. શિયાળો હજુ પણ તેના પ્રથમ ચરણમાં છે અને કાર્તિકનો પૂર્ણ ચંદ્ર હજુ હમણાં જ આભમાં હતો.
આના પરથી એ અંદાજ લગાવવાનો રહે કે ચૈતર- વૈશાખના વાયરાઓ વચ્ચે જ્યારે ધોમધખતા હશે ત્યારે રાજ્યમાં ટેન્કરોનું વિશાળ સામ્રાજ્ય છવાયેલું હશે અને પ્રજા પાણી માટેના પાણીપતના સંઘર્ષમાં ઉતરી ગઈ હશે.
ગુજરાતમાં મોટા ભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત કે જ્યાં પાણીના સ્તર બહુ ઊંડે ઉતરી ગયા છે એને માટે આ શિયાળો જ વસમો નીવડવાનો છે. ઉત્તર ગુજરાતના પંદર ડેમોમાં હાલ માત્ર ૩૦ ટકા જેટલું જ પાણી છે.
ઉનાળાના પ્રારંભ પહેલાં જ આ તમામ ડેમ એના તળિયાના સરકારને દર્શન કરાવશે ! ધરોઈ ડેમ અને દાંતીવાડા ડેમ જે ઉત્તર ગુજરાતના જનજીવન અને કૃષિ જીવનનો પ્રાણાધાર છે તે પણ શિયાળા પૂર્વે બાળકોને ક્રિકેટ રમવાના મેદાનોમાં રૂપાંતરિ થઈ જશે આવી જ સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની પણ છે.
રવિ પાક લેતા ખેડૂતોની હાલત અત્યારથી જ કફોડી છે. દક્ષિણ ગુજરાતના ડેમોમાં પચાસ ટકા જેટલું પાણી છે પરંતુ કચ્છના વિવિધ ડેમોમાં તો હવે માત્ર દસ ટકા જ પાણી છે. કપાસ અર્ધ શિયાળુ પાક કહેવાય છે.
કપાસનો એક પગ ચોમાસામાં અને એક પગ શિયાળામાં હોય છે. ગત વર્ષાકાળે છેલ્લા રાઉન્ડમાં જે વરસાદ આવવો જોઈતો હતો તે ન આવવાને કારણે હવે ખેડૂતોએ સિંચાઈના અભાવે કપાસ ઉપાડી લેવાની શરૂઆત કરી છે. કપાસની અછતને કારણે ભાવ ઊંચા જઈ રહ્યા છે.
જાણીતા તમામ શિયાળુ પાકમાં આ વખતે ઓછી ફસલનો અણસાર દેખાય છે ને તેનું કારણ પણ પાણી છે. નર્મદાની કેનાલોમાંથી ચોરી થઈ રહી હોવાના અહેવાલોએ પણ રાજ્ય સરકારને દોડધામ કરાવી છે. કચ્છના માલધારીઓ હિઝરત કરવા લાગ્યા છે. સમગ્ર રાજ્યના પશુપાલકો માટે પાણી અને ઘાસચારાની સમસ્યા અત્યારે જ વર્તાવા લાગી છે.
અત્યારે સમય છે ત્યારે જ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યનું સર્વતોમુખી સર્વેક્ષણ કરાવીને પાણી, પીવાનું પાણી અને ઘાસચારાના ઉપલબ્ધ જથ્થા અને સંભવિત જરૂરિયાતનું મૂલ્યાંકન કરી લેવું જોઈએ અને હકીકતો પ્રજા સમક્ષ જાહેર કરવી જોઈએ જેથી પ્રજામાં પણ સ્વયંશિસ્ત આવે અને જળવ્યય ઘટે.
જ્યારે લોકસભાની આગામી ચૂંટણીના નગારા વાગતા હશે ત્યારે પાણીના પોકારો પણ ચોતરફથી ગુંજતા હશે. આ વખતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાણીપતની શક્યતા છે, આજથી દાયકાઓ પહેલા જૂની પેઢીના ભૂસ્તરશાસ્ત્રના અનુભવી મિસ્ટર એમ. એમ. ટોટાવાળાએ ભારત સરકારને સમુદ્રના જળમાંથી પેય મીઠું જળ બનાવવાના વ્યાપક પ્રોજેક્ટ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો પરંતુ તત્કાલીન સરકારે એને કાને ધર્યો ન હતો.
હવે સંયોગો જ એવા છે કે બહુ જ નજીકના ભવિષ્યમાં દેશના તમામ દરિયા કિનારાના રાજ્યોએ ખારા પાણીને મીઠું બનાવી આપતી ટેક્નોલોજી અખત્યાર કરવી પડશે.
સમગ્ર ભારતનું હવામાન ચક્ર બદલાઈ ગયું છે. નવેમ્બર પૂરો થવા આવ્યો તો પણ હજુ પંખા અને એસી ચાલુ છે. દક્ષિણ ભારતના હવામાનશાસ્ત્રી પ્રો. પિશારોટ્ટીએ દરેક બદલાયેલી ભારતીય ઋતુઓનો અહેવાલ કેન્દ્ર સરકારને આપેલો છે. કેન્દ્ર પાસે આ પ્રકારના સંશોધનાત્મક અભિગમથી કામ કરવાની હવે તો કોઈ ક્ષમતા રહી નથી.
પૂનાની આપણી સરકારી વેધશાળાના હવામાનશાસ્ત્રીઓ પર અદાલતમાં કેસ ચાલે છે, કારણ કે તેમણે બિયારણ કંપનીઓની સૂચના પ્રમાણે ખોટી આગાહી કરીને ખેડૂતોને એક જ મોસમમાં ત્રણ વાર બિયારણ ખરીદવાની સ્થિતિ પર લાવી મૂક્યા હતા.
દેશના હવામાન, સિંચાઈ, જળ વ્યવસ્થાપન સહિતના અનેક વિભાગોમાં ધૂળ ચડી ગઈ છે અને એને કારણે એ તમામ ક્ષેત્રોમાં સજ્જન મહાપુરુષ વિદ્વાનો અથવા ખરા દિલના લોકસેવકોની જરૂરિયાત ઊભી થઈ જાય છે જેઓને દીવો લઈને શોધવા જવા છતાં જલદી મળે એમ નથી.
ભારતમાં માત્ર પાણીની દુષ્કાળ જેવી સ્થિતિ છે એવું નથી, હવે તો પ્રતિભાઓનો દુષ્કાળ પણ દેખાવા લાગ્યો છે. કેન્દ્રના નાણાં ખાતાએ ચૂંટાઈને આવેલા નેતાઓની સૂચના પ્રમાણે જે છબરડા કર્યા એના કારણોમાં નાણાં સચિવે અને અન્ય ઉચ્ચાધિકારીઓની મૂર્ખતાઓ પણ સમાન રીતે જવાબદાર છે.
રાજ્યમાં પીવાના પાણી અને ઘાસચારાના નવા વ્યવસ્થાતંત્રમાં પણ બુદ્ધિમાન અધિકારીઓને સરકારે કામે લગાડવા પડશે. એક તરફ પાટીદાર આંદોલન ફિનિક્સ પંખીની જેમ સજીવન થવાની તૈયારીમાં છે અને બીજી તરફ શિયાળુ પાક લેતા કિસાનો મુંઝવણમાં છે, રાજ્યના શાસકોની, લોકસભાની ચૂંટણી પૂર્વેની આ ખરેખરી કસોટી છે.