ભાજપ વિરુદ્ધ IPL .
દેશની ક્ષિતિજો પર હવે ક્રિકેટ અને રાજકારણની ટક્કર જોવા મળશે જેનું સૌથી વધુ નુકસાન ભાજપે સહન કરવાનું આવશે, કારણ કે મોટા ભાગની ટેલિવિઝન ચેનલો પર ભાજપનો પ્રચાર કરવાની જે ગપ્પાબાજી આજકાલ ચાલી રહી છે તે નિહાળવા માટેનો સમય લોકો પાસે નહિ હોય. એટલે કે દેશમાં ખરા અર્થમાં હવે રમત વિરુદ્ધ રાજરમત જોવા મળશે.
અસલી ખેલાડીઓ, પેલા મોસમી નકલી ખેલાડીઓને ખસેડી મૂકશે અને સ્ક્રીન પર છવાઈ જશે. આઇપીએલ માટે ખેલાડીઓની જે હરાજી થતી હોય એ રીતે જ ભાજપે કોંગ્રેસમાંથી રેડીમેઇડ ઉમેદવારો ખરીદવાનો જે રાષ્ટ્રવ્યાપી ઉપક્રમ ચાલુ કર્યો છે તે પણ સાત તબક્કામાં જ હોય એવું દેખાય છે. ભાજપ દરેક તબક્કા પ્રમાણે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના ઉમેદવારોની ખરીદી કરે છે અને હજુ કરશે.
વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આવું શોપિંગ ભાજપે કર્યું હતું અને હવે નેશનલ શોપિંગની સિઝન ચાલુ થઈ છે. એાથી ભાજપની સિનિયોરિટીની સમગ્ર કેડર વિખેરાઈ ગઈ છે. દેશમાં નામાંકિત અડવાણી તો એક જ છે,પરંતુ દેશના દરેક મતવિસ્તારમાં ભાજપે કોઈને કોઈ એક નેતાનું અડવાણીકરણ તો કર્યું જ છે. નોટબંધી અને જીએસટી પછીના ક્રમના નડતરોમાં ઉપેક્ષિત નેતાઓ છે, જેઓ પક્ષ માટે વરસોથી તૂટતા રહ્યા છે.
આઇપીએલની બારમી સિઝન શરૂ થઈ ગઈ છે. આગામી બે મહિના પછી એટલે કે ૧૨મી મેના રોજ ફાઇનલ મેચ રમાય ત્યાં સુધી ક્રિકેટપ્રેમી ભારતીયોનો એક વિરાટ સમુદાય દેશના કરોડો ટેલિવિઝન સેટ સામે ટગર ટગર તાકીને આ ક્રિકેટમેચ તરફની દિવાનગીમાં ખોવાયેલો રહેવાનો છે. ક્રિકેટ અને ચૂંટણી બન્ને આમ તો અનિશ્ચિતતાની માયા છે. એમાં સ્વાભાવિક રીતે જ ક્રિકેટરોના સ્ટારટ્રેક તરફ લોકોનું આકર્ષણ રહેવાનું છે.
આઇપીએલના ઇતિહાસમાં આ પહેલો અવસર છે કે ભારતમાં મેચ અને ચૂંટણી બંને એક સાથે એટલે કે એક જ સમયગાળામાં યોજાઈ રહી છે. પહેલીવાર આ પ્રકારના સંયોગો ઇ.સ. ૨૦૦૯માં સર્જાયા હતા. પરંતુ ત્યારે ઇ.સ. ૨૦૦૮માં થયેલા મુંબઈના આતંકવાદી હુમલા પછી દેશની સુરક્ષા એજન્સીઓ કોઈ પ્રકારનું જોખમ લેવા તૈયાર ન હતી. પરિણામે આઈપીએલની એ પૂરી સિઝન સાઉથ આફ્રિકામાં આયોજિત થઈ હતી.
ઈ.સ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ આ વખત જેવી સ્થિતિ ન હતી કારણ કે આઇપીએલની એ ટુર્નામેન્ટ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી અને શરૂઆતની ૨૦ મેચ યુએઇમાં રમાઈ હોવાથી તારીખોની ટક્કર ટળી ગઈ હતી. પરંતુ આ વખતે તો સંપૂર્ણ આઈપીએલ ટુર્નામેન્ટ ભારતમાં જ છે.
એપ્રિલથી શરૂ થઈ રહેલી આકરી ગરમીમાં દરરોજ દેશના કરોડો નાગરિકોએ એ નિર્ણય લેવાનો રહેશે કે લગભગ વેચાઈ જઈને ભાજપનું વાજિંત્ર બની ગયેલી ચેનલો પર ભ્રામક પ્રચાર પડઘમ સાંભળવા કે સ્ટેડિયમમાં એક પછી એક ઉછળતા સનસનાટીભર્યા 'દડા જોવા ! ક્રિકેટને સહુને એકછત્ર હેઠળ લાવતો રસપ્રદ ધર્મ કહે છે !' પરંતુ સરેરાશ ભારતીય નાગરિકના મનમાં રાજરમત પણ રસની ખાણ છે.
આ જ તો દિવસો છે કે મદભર્યા અભિમાનીઓ પૂંછડી પટપટાવતા ઝૂકી ઝૂકીને દેશની શેરીઓની પરકમ્મા કરવા નીકળે છે ! આ વખતની ચૂંટણી મોદી સમર્થક અને મોદી વિરોધી એવા બે નવજનિત પક્ષોમાં વહેંચાયેલી છે. ખુદ ભાજપમાં પણ કાર્યકરોના સ્તરે મોદી વિરોધીઓની સંખ્યામાં અઢળક વધારો થયો છે.
ઈ.સ. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી લહેર હતી, ઈ.સ. ૧૯૮૪માં કોંગ્રેસ સમર્થક લહેર હતી અને ઈ.સ. ૨૦૧૪માં ફરી કોંગ્રેસ વિરોધી લહેર હતી. પરંતુ આ વખતે એવી કોઈ લહેર જોવા મળતી નથી. કોઈ એક તરફી લહેરના અભાવને કારણે આ વખતની લોકસભાની ચૂંટણી જેમ્સ હેડની ચેઇઝની નવલકથાના છેલ્લા પ્રકરણો જેવી અણધારી અને અધિક રહસ્યમય બની ગઈ છે.
ચૂંટણીનો પ્રચાર હજુ તો સાવ પ્રારંભિક તબક્કામાં છે, એ વધશે એટલે રાજકીય તાપમાનમાં એકાએક વધારો થશે. ત્યારે એ જોવાની પણ મઝા પડશે કે ક્રિકેટ પાછળ પાગલ થનારા રસિયાઓને મન નેતાઓની વ્યર્થ વચનાવલિ તરફનું આકર્ષણ કેટલુંક ટકી શકશે ! નેતાઓ અને એમના હવે પગારદાર જેવા બની ગયેલા કાર્યકરો માટે મતદારો સુધી પહોંચવાની પ્રક્રિયામાં ક્રિકેટ અનેક રીતે બાધક નીવડશે એમાં કોઈ શંકા નથી. ઉપરાંત ક્રિકેટમેચોને કારણે ક્યાંક મતદાનની ટકાવારી ઘટી પણ શકે છે.
ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આ વખતે એપ્રિલમાં ગરમીનો પારો પ્રથમ પગલે બહુ જ ઊંચે જવાનો છે. આ ઉનાળાના આગંતુક હીટવેવની શરૂઆત જો કે આજથી જ થવાની છે એમ વેધશાળાએ કહ્યું છે. એટલે કે ચૂંટણી પ્રચારનું કામ મધ્યાહ્ને બહુ નહિ ચાલે, સંાજે જ ચાલશે જ્યારે ક્રિકેટ મેચો એના પરાકાષ્ઠાના તબક્કામાં હશે. એ વખતે એ જોવાની ખરેખર જ મઝા પડશે કે લોકોના દિલ- દિમાગ પર રાજ કરવાની સ્પર્ધામા કોણ જીતે છે ? રમત કે રાજરમત ?