ભાજપ સામેનું બ્રહ્મા
જનાદેશ ફક્ત સ્થાનિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય સવાલોને લઈને ફેલાયેલા વ્યાપક અસંતોષની અભિવ્યકિત હોય છે. બીજેપીએ પોતાની રણનીતિ અનુસાર અન્ય રાજ્યોની જેમ અહીં ઝારખંડમાં પણ કેન્દ્ર સરકારના પ્રમુખ ફેંસલાઓ માટે વોટ માગ્યા. વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ગૃહમંત્રી અમિત શાહે ૯-૯ રેલીઓ કરીને રામમંદિર, અનુચ્છેદ ૩૭૦, ટ્રિપલ તલાક , એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોની સતત સન્મુખ જઈ જઈને ચર્ચા કરી. હિંદુત્વની લહેર ચલાવવા યુ.પી.થી યોગી આદિત્યનાથને પ્રચારમાં ઉતાર્યા. ઝારખંડમાં ભાજપની મહેનત જરા પણ ઓછી ન હતી. પરંતુ હવે રેલીઓના નહિ, સરકારની નીતિઓના જ સારા કે આ વખતે આવ્યા તેવા આંચકાદાયક પરિણામો મળે છે.
એનઆરસી વિરોધી આંદોલન પાર મોદીએ એવી ટિપ્પણીથી સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી કે વિરોધ કરવાવાળાને એમના કપડાંથી ઓળખી શકાય છે. પરંતુ આ દાવ પણ ન ચાલ્યો. વડાપ્રધાન કક્ષાના રાજનેતાએ પોતાના દેશના કોઈને પણ એમની ઓળખ સરીખા પહેરવેશથી અન્ડરલાઈન ન કરાય.
ભાજપ આજકાલ પોતાની તમામ વિફળતાઓ માટે કોઈ એક જ્ઞાાતિ-જાતિ કે સમૂહને બલિના બકરા તરીકે શોધે છે એ વાત છેલ્લા પંદર-વીસ દિવસથી દેખાઇ રહી છે. લોકોએ મત આપતી વખતે રઘુબર દાસની સરકાર ઉપરાંત કેંદ્રના મુદ્દાઓને પણ નકાર્યા. ઝારખંડના આદિવાસીઓમાં રઘુબર દાસની સરકાર તરફ ગુસ્સો હતો. એમની હજારો એકર જમીન એક ધનવાન ઘરાનાંને પ્લાન્ટ લગાવામાં આપી દેવાઈ અને એમના વિરોધને કચડી નાખવામાં આવ્યો. સરકારી નોકરીઓમાંય સ્થાનિક લોકોની બેહાલીનો મુદ્દો વારંવાર ઉઠતો રહ્યો.
હાઈસ્કૂલના શિક્ષકોની ભરતીમાંય બીજા રાજ્યોના ઉમેદવારોને નોકરીઓ મળવાનો મામલો ખૂબ ચગ્યો. રાજ્ય જાહેર સેવા આયોગની પરીક્ષા છેલ્લા ૫ વર્ષમાં નથી યોજાઈ શકી. શિક્ષકો, આંગણવાડી સેવિકાઓ પર લાઠીચાર્જની ઘટનાઓથી પણ રાજ્યસરકાર પ્રત્યે ઘોર નારાજગી હતી. મુખ્યમંત્રીના એકાધિકારવાદી તાનાશાહી વ્યવહારથી બધીજ પાર્ટીઓ ત્યાં સુધી કે ખુદ ભાજપના નેતાઓ પણ નારાજ હતા.
આના લીધે પાર્ટીએ મોટા પાયા પર પોતાના જ નેતાઓના અસહયોગનો સામનો કરવો પડયો. ચૂંટણી પહેલા અન્ય દળોના ૫ નેતાઓ બીજેપીમાં આવ્યા અને એમને ટિકિટ આપવામાં આવી તો ત્યાંના હકદાર સિનિયોરિટી ધરાવતા ભાજપના નેતાઓમાં અસંતોષ ફેલાયો. અને આવી જ ઘણી સીટ પર ઉમેદવારોએ ખેલ બગાડયો. બીજી બાજુ ઝારખંડ મુક્તિ મોરચો, કાંગ્રેસ અને આરજેડીએ મહાગઠબંધન કરીને મુખ્યમંત્રી પદને લઈને સહમતી સાધી લીધી. એ ત્રિપુટીએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ પ્રકારનું ગઠબંધન જ ભાજપ સામેનું બ્રહ્માસ્ત્ર છે.
ગઇ ચૂંટણીમા એમણે અલગ અલગ રહીને લડવાના પરિણામો જોઈ લીધા હતા એટલે આ વખતે પેલેથી જ સચેત થઈ ગયા. ઝારખંડમાં ૨૬.૩ ટકા આદિવાસીઓ વસે છે અને એમના માટે ૨૮ સીટો આરક્ષિત છે. વિપક્ષે જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સી.એમ. પદના ઉમેદવાર બનાવ્યા.
જ્યારે બીજેપીએ સતત બીજી વખત બિનઆદિવાસી રઘુબર દાસને જ આ પદ માટે લાયક સમજ્યા. જેની સીધી અવળી અસર જોવા મળી. આ ક્રમમાં મધ્યપ્રદેશ ,રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછી સતત પાંચમુ રાજ્ય બીજેપીના હાથમાંથી સરી ગયું. સમય આવી ગયો છે કે પાર્ટી હવે જનતાનો ઈશારો સમજે અને અતિઆત્મવિશ્વાસમાંથી બહાર નીકળે કે એમની દરેક નીતિ પર દેશની પૂર્ણ સહમતી છે. ઘણા વ્યર્થ અને ખુશનુમા ખ્યાલોને તિલાંજલિ આપવા માટે ભાજપે હાલ ચાલતા કમુરતામાં જ મુહૂર્ત શોધવું પડશે.
ભાજપનો ઓવરકોફિડેન્સ તેને હવે ભારે પડી રહ્યો છે. છતાં પણ પોતાના ઓવરકોન્ફિડેન્સ ઉપર આખું મોવડીમંડળ મુસ્તાક રહેશે કારણ કે તેઓ મોદીને હુકમનો એક્કો માને છે. પરંતુ પોતાના વધુ પડતા આત્મવિશ્વાસ ઉપર સતત આત્મવિશ્વાસ રાખવો એ ભાજપને ભારે પડવા લાગ્યો છે. બધા જ નખરા ચાલી શકે, પરંતુ પ્રજાના પૈસામાંથી તમે રૂપિયા અને જિંદગીમાંથી નોકરી લઈ લો એ કોઈ હિસાબે ન ચાલે. ઝારખંડમાં જે થયું એના ઘણા કારણો છે પરંતુ બેરોજગારી અને નબળું અર્થતંત્ર પહેલા કારણો છે.
પાટનગર નવી દિલ્હીની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કુતુબ મિનાર પર છડી પોકાર કરી રહી છે અને ઉંબરે આવી રહી છે. અરવિંદ કેજરીવાલ એક તો પોતે બહુ બોલે છે અને હવે તો એમના કામ પણ બોલવા લાગ્યા છે. ભાજપ માટે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મહત્વ આમ મર્યાદિત છે પરંતુ પ્રતીકાત્મક રીતે એના પડઘા દેશભરમાં અધિક પડવાના હોય છે.