પ્રજા વ્યાકુળ કેમ છે ?
સંયુક્ત રાષ્ટ્રસંઘના કેટલાક ઉપક્રમો બહુ રસપ્રદ હોય છે. આમ તો એનું મુખ્ય કામ દુનિયાના દેશો વચ્ચેની પારસ્પરિક સુમધુરતાને પ્રોત્સાહન આપવાનું અને આંતરરાષ્ટ્રીય વિગ્રહોમાં યુદ્ધશૂન્ય સ્થિતિમાં સંધિ કરાવવાનું છે, પરંતુ મહાસત્તાઓની શૃંગઉછાળ પ્રવૃત્તિઓને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ પોતાના મૂળભૂત કર્તૃત્વમાંથી હાંસિયામાં સરી ગયું છે.
એને માર્જિનલ બિહેવિયર કહેવાય, જેને માટે યુનોનો જન્મ થયો છે એ જ હવે ગૌણ છે. પરંતુ એ સિવાય વિદ્વાનોનો બહુ મોટો સમુદાય યુનો પાસે છે, આ વિદ્વાનો જે વિવિધ સંશોધનો કરે છે તે બહુ રસપ્રદ અને વિશ્વસનીય હોય છે. તેઓનો એક વાર્ષિક સર્વેક્ષણ પ્રોજેક્ટ હેપીનેસ પર હોય છે. યુનોએ હમણાં જ જાહેર કરેલા વિશ્વ પ્રસન્નતા રિપોર્ટમાં ભારત એક ચિંતિત રાષ્ટ્ર તરીકે દેખાયું છે. ભારતીય પ્રજા વ્યાકુળ છે એમ રિપોર્ટ કહે છે.
વિશ્વના પ્રસન્ન દેશોની સૂચિમાં આમ તો ભારત પહેલેથી જ પાછળ હતું. આ વખતે ભારત ૧૪૦મા સ્થાને છે, ગયા વરસે ૧૩૩મા સ્થાને હતું. વિશ્વની પ્રસન્ન પ્રજાઓમાં ભારતીય પ્રજા વધુ બે-ચાર પગથિયા નીચે ઉતરી છે, એનું એક કારણ એ પણ છે કે છેલ્લા બે વરસમાં દેશના દોઢ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.
એક નોકરી પર એક આખો પરિવાર નભતો હોય તો નવા દુઃખી લોકોની સંખ્યામાં એ સીધો જ વધારો છે. આપણા સુખનો આધાર ભૌતિક જ અધિક છે અને ભૌતિક જે કંઈ છે તે અસ્થિર છે. ફિનલેન્ડ સૌથી વધુ ખુશહાલ દેશ છે. સતત બીજા વરસે તેને આ બહુમાન મળ્યું છે. ફિનલેન્ડ પછી નોર્વે અને ડેન્માર્ક છે.
આ પ્રસન્નતા સૂચકાંક માટે અર્થશાસ્ત્રીઓની ટીમ વિવિધ રાષ્ટ્ર-સમુદાયોમાં સુશાસન, માથાદીઠ આવક, સ્વાસ્થ્ય, આયુષ્યની સરેરાશ, વિશ્વસનીયતા, સામાજિક સહયોગ, સ્વતંત્રતા, ઉદારતા જેવા અનેક આધારો પરથી સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરી તારતમ્ય મેળવે છે. યુનો દ્વારા આ પ્રકારના સંશોધનો તૈયાર કરાવવાનો હેતુ વિવિધ દેશોના શાસકોને દર્પણ બતાવવાનો છે કે તેમની નીતિઓ જે તે દેશના નાગરિકોની જિંદગીને સુખી રાખવામાં સકારાત્મક ભૂમિકા અદા કરે છે કે નકારાત્મક ?
આ વખતે જાહેર થયેલા પ્રસન્નતાં સૂચકાંકમાં ભારત વધુ વ્યથિત અને દુઃખી દેખાય છે તેના કારણો જોકે સ્વયં સ્પષ્ટ છે. દેશમાં હાલ બેરોજગારી પરાકાષ્ઠાએ છે. કેન્દ્રની એનડીએ સરકારે જે અનેક પ્રકારના આંકડાઓ - ડેટા ગોપિત રાખ્યા છે તેમાં બેરોજગારીની વિગતો પણ છે. દેશમાં કિસાનોને સીધી ચપટીક રોકડ આપવાની વાત કરવાથી કૃષિ ક્ષેત્રના પ્રશ્નો ઉકેલાયા નથી.
દેશના અનેક ક્ષેત્રોને મરણતોલ ફટકો આપનારા નોટબંધી અને જીએસટીના પગલાઓ પછીની વાસ્તવિકતાઓ એનડીએ સરકાર સ્વીકારવા જ તૈયાર નથી અને એ જ મુદ્દાઓ પર સભાઓમાં એમના નેતાઓ મિથ્યાભિમાનથી ફુલાતા ફરે છે, જાણે કે તેઓ પોતાની મૂર્ખતાઓ વિશે એમ માને છે કે પુનરાવર્તિત રીતે છબરડાઓનું ગૌરવ લેવાથી પણ તેઓ મહાન લેખાશે. તેમના હાસ્યાસ્પદ અભિનય તો ઠીક છે કે ચૂંટણી પ્રસંગે મોસમી છે, પરંતુ દેશના અર્થતંત્રમાં એક કાયમી દુષ્પ્રભાવ સર્જાયેલો છે, જેને ઠીક થતાં કદાચ હજુ પણ એક દાયકો પસાર થશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે જ્યારે એના અહેવાલમાં એમ કહ્યું હોય કે પ્રસન્નતા યાદીમાં ભારત આટલું બધું પાછળ છે ત્યારે એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. દેશની ક્ષિતિજે વળી એવા તો કોઈ સંકેત દેખાતા નથી કે આવતા વરસે ભારત વધુ કંઈક બે-ચાર પગથિયા ઉપર પહોંચે, કારણ કે માત્ર ટકાવારીની રેસમાં ઉતરેલું વિદ્યાજગત ઊંચી ફી ખંખેરીને સ્કીલશૂન્ય પેઢીઓ સમાજમાં ધકેલે છે.
માર્કસશિટમાં જે ઊંચી ટકાવારી વાલીઓ જુએ છે તે તો ફી ખંખેરી લેવાની ચાલબાજી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવી મહાન વિદ્યાશાખાઓ ફલોપ ગયા પછી હવે મેડિકલનો વારો પણ કંઈ બહુ દૂર નથી. દેશમાં કેટલીક મેડિકલ કોલેજો પહેલા સેમેસ્ટરમાં ત્રણ લાખ રૂપિયા ફી લે છે અને પછી તુરત બીજા સેમેસ્ટરમાં ત્રણના ત્રેવીસ લાખ રૂપિયા ફી થઈ જાય છે ! મેડિકલ કોલેજ સંચાલકોના સેટિંગ અને એના કૌભાંડો એટલા છે કે જ્યારે પ્રગટ થશે ત્યારે દેશ ડઘાઈ જશે.
ભારતીય નાગરિક પ્રસન્નતા ક્યાંથી લાવે ? છેલ્લા પાંચ વરસમાં જે કરોડોપતિઓ હતા તે કેન્દ્ર સરકારની પોલિસીને કારણે અબજોપતિ થઈ ગયા પરંતુ જેઓ લાખોપતિ હતા, તેમના બેન્ક એકાઉન્ટમાં હવે હજારોના પણ ઠેકાણાં નથી. શ્રીમંતો અધિક શ્રીમંત થાય કારણ કે પૈસો પૈસાનું સર્જન કરે એ તો આંતરરાષ્ટ્રીય આર્થિક સિદ્ધાન્ત છે, પરંતુ ગરીબો વધુ ગરીબ ત્યારે જ થાય જ્યારે સરકારનો હેતુ પ્રજાને નિર્ધન અને રાંક બનાવવાનો હોય ! ભારતીય પ્રજાનો બહોળો સમુદાય રંક પણ છે અને રાંક પણ છે.
શાસકોને એની દયા આવતી નથી, કારણ કે તેઓ સ્પષ્ટ રીતે એમ માને છે કે લોકો ગરીબ હશે તો ધર્માન્ધ થશે અને ધર્માન્ધ થશે તો અમને મત આપશે ! ભારત એવી જગ્યાએ એવી રીતે ફસાયું છે કે પ્રસન્નતાનો સૂચકાંક જલદીથી ઊંચા આસન ભારતને તો નહિ આપે, આ કડવું છતાં પરમ સત્ય છે.