જીએસટી નહિ સુધરે ?
એક વરસ ઉપરાંતનો સમય પસાર થઈ ગયો હોવા છતાં જીએસટીમાં એ નવા કરમાળખાના નિર્માતાઓએ કરેલી ભૂલોને કારણે દે
બજારમાં ઉત્પાદનોનું વૈવિધ્ય ઘટતું જાય છે કારણ કે બહુસ્તરીય કરવેરાઓ સર્જનાત્મક- રચનાત્મક ઉત્પાદનો માટે મોટો અંતરાય છે. ટેક્સની ઝંઝટમાંથી બચવા માટે હવે કંપનીઓ પોતાના ઉત્પાદનોને મર્યાદિત અને બીબાઢાળ પ્રથામાં લાવી રહી છે. ભવિષ્યમાં વિવિધ ખાદ્યપદાર્થોમાં ફ્લેવર્સ પણ ઘટી જશે. દેશમાં નાગરિકો જે કંઈ ખરીદી કરે છે તેમાં કઈ વસ્તુ પર કેટલો જીએસટી દર છે એનું કોષ્ટક તેઓ સાથે લઈને ફરતા નથી. મોટા ભાગના ગ્રાહકોને તો ખબર જ હોતી નથી કે તેઓ કઈ વસ્તુ માટે હવે કેટલો વધારાનો કર ચૂકવી રહ્યા છે ! મોંઘી થતી જતી ચીજવસ્તુઓને કારણે ઉપભોક્તા એમાં કરકસર કરવા લાગે છે જેને કારણે દેશના લાખો ઉત્પાદન યુનિટને મંદીનો આંચકો લાગે છે. વિરોધ પક્ષોને જીએસટીમાં કેટલી ખબર પડે છે એ તો અવિશ્વાસના પ્રસ્તાવમાં જ દેશને ખબર પડી હોય તો સામાન્ય નાગરિકોનું શું ગજું ?
જીએસટી કાઉન્સિલનું હવે એક જ કામ છે કે આગામી લોકસભાની ચૂંટણી સુધી સતત થોડી- થોડી વસ્તુઓ પર જીએસટી ઘટાડતા જવું ! અહીં કહેવત વિપરીત થશે - હોજ સે ગઈ, બુંદ સે નહિ આતી ! ભાજપનો આ એક ચોકલેટ કાર્યક્રમ છે, દર વખતે એક- એક પિપરમેન્ટ અને મીડિયા મેનેજમેન્ટ, તેઓની સફળતાનો આ મંત્ર છે ! જેને ટકાઉ વિકાસ કહેવાય એનાથી હજુ તેઓ દૂર છે. જીએસટીમાં વ્યાપક- સર્વગ્રાહી રીતે અને ધરમૂળથી પરિવર્તનની જરૃર છે ! શું મર્સિડિઝ અને ચપ્પલ પર એક સરખો ટેક્સ હોવો જોઈએ ? અરે ભાઈ, ચપ્પલ પર ટેક્સ જ ન હોવો જોઈએ ! આજકાલ તથાકથિત બુદ્ધિજીવીઓ ભાગ્યે જ બજારમાં હરતા- ફરતા હોય છે ! શ્રીમતી સાથે ભરબજારે પદયાત્રા કરીને જેઓ ધૂમ ગિરદી ધરાવતી બજારમાં ફરે છે, તેઓ ભટકતા નથી, ગૃહસ્થ જીવનની સહયાત્રાના રોમાંચ સાથે તેઓ કેન્દ્રની આકરી આર્થિક નીતિઓના પરિતાપમાં તપી રહ્યા છે ! કપડા સૂકવવાની ચિપટી, ક્લિપ કે પિન ખરીદતી વખતે પણ ગૃહિણી પોતાના બજેટનો વિચાર કરતી થઈ જાય તો દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં પુરાંત ન બચે !
સામાન્ય નાગરિકનું બજારમાં જે વર્તન છે એ અર્ધભાનવાળું હોય છે. એટલે જ આપણા ઘરમાં વધારાની ચીજવસ્તુઓના ઢગલા હોય છે. કેટલીક ચીજવસ્તુઓ તો એવી હોય છે જે આજથી આગામી સો વરસ સુધી કામમાં આવવાની નથી. તો પણ એનું સ્થાન છે. કારણ કે એ જિંદગીનો અસબાબ છે, ઘરમાં વેરાયેલા ગુલાબ છે ! નાનામાં નાની વસ્તુ પણ જો બજારમાંથી ઘર તરફ 'જાતરા' નહિ કરે તો દેશના લાખો ઉદ્યોગપતિઓએ પછી જાતરાએ જ જવાનો વારો આવશે. જીએસટીથી ગ્રાહક અચકાઈ ગયો છે. ઓનલાઇન શોપિંગને તો દરરોજનો કરોડોનો ફટકો વાગ્યો છે. એનડીએ સરકારને હવે એક ખર્ચખોર સરકાર માનવામાં આવે છે, એ ખર્ચખોરીને નિભાવવા માટે જ પેટ્રોલિયમ પેદાશોના ભાવની રમત અને જીએસટીની ખતરનાક જાળ બિછાવવામાં આવી છે. જે અહંકારની વાતો વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે કહી એ જ અહંકારની મૂર્તિ સમા નાણાં પ્રધાન જેટલીએ બહુ શરૃઆતથી એક રાષ્ટ્ર - એક કરની જે તરંગલીલા પ્રસ્તુત કરી તેને અને વાસ્તવિકતાને કોઈ સંબંધ નથી.
અરૃણ જેટલી એમ માને છે કે પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે દેશને નુકસાન ભલે થતું ! સંસારમાં જે કોઈ ભૂલ કરે છે તેમને પોતાને તો ખબર જ હોય છે, પરંતુ કબૂલાત થતી નથી અને દુઃખદ પરિણામો સમય આવ્યે પોત પ્રકાશે છે. જેટલી પાસે અત્યારે જેવું છે તેવું કરમાળખું સંપૂર્ણ સુધારવા માટેની સત્તા છે, આવડત છે, માસ્ટર કી છે, પરંતુ અહંકારનો એવો પહાડ તેમણે ઉઠાવી રાખ્યો છે કે આખી અર્થવ્યવસ્થા ધ્વસ્ત થાય તો ભલે ! એનડીએ સરકારના આર્થિક છબરડાઓના પરિણામો પ્રજા ભોગવી રહી છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવાનો ન હતો એ નક્કી જ હતું. એનડીએ સરકારમાં બહુમત સાંસદોએ વિશ્વાસ વ્યક્ત કરતો મત આપ્યો એ બહુમતસિદ્ધ હકીકત છે. પરંતુ દેશનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે તે ક્યારે અને કઈ રીતે પાટે ચડશે તે તો હવે જાણે કે લોકસભા માટે 'અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન' બની ગયો છે. એ ફરી ક્યારે એનડીએ સરકારના પાઠયક્રમમાં આવશે એ રામ જાણે !
જીએસટીથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની રેવન્યુમાં કોઈ વધારો થયો નથી. બજારમાં ઉત્પાદનોની ડિમાન્ડ કે ઉત્પાદનોમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. કારોબાર ન તો સહજ થયો કે ન પારદર્શી ! કરવેરા અધિકારીઓ વધુ રૃઆબ કરતા થઈ ગયા ! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોનો કાફલો કરવેરાની જાળને ઉકેલવામાં અખંડ અટવાયેલો રહ્યો. કરવેરા સંબંધિત અદાલતી કેસોનો ઉછાળો આવતા ભરાવો થઈ ગયો ! એક વરસથી કેન્દ્રનું નાણાં મંત્રાલય અને જીએસટી કાઉન્સિલ તમામ તિરાડો અને ગાબડાં પુરવાનું કડિયાકામ કરે છે, તેઓ હજુ મૂળ બાંધકામના પાયાની ભૂલો નહિ સુધારે ત્યાં સુધી જીએસટી સારી રીતે બિલ્ડ થશે નહિ !