આજે વિદ્યાર્થી, કાલે બેકાર ?
સત્યના ઘૂંટડા કડવા હોય છે, પણ વહેલા- મોડા તો એ ગળે ઉતારવા જ પડે છે. દેશના વાલીઓનું ધ્યાન વિદ્યાર્થીઓને ભણાવવા તરફ એટલું બધું એટલે કે વધારે પડતું છે કે તેઓ જાણતા જ નથી કે તેમના સંતાનો કોઈ પણ કુનેહ, કૌશલ કે કારીગરી- કસબ શીખ્યા વિના માત્ર ડિગ્રી લઈને જોબ માર્કેટમાં ઊભા રહેશે ત્યારે તેમને રોજીરોટી આપનારું કોઈ નહિ હોય, કારણ કે અમેરિકાની જેમ હવે ભારતમાં પણ સરકારી નોકરીઓ સિવાય ડિગ્રી- જોબ સંબંધ અસ્તિત્વમાં નથી, અને સરકારી નોકરીઓ તો નહિવત્ છે. વળી, આ સરકારી પ્રણાલિકા પણ વિવિધ યોગ્યતા તપાસવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો યોજે જ છે.
ભારતમાં જેટલા આજે વિદ્યાર્થીઓ છે, શું એટલી સંખ્યામાં આવતીકાલે નોકરીઓ છે ? બિલકુલ નહિ. આ સત્ય છે અને દેશના ખોટાબોલા રાજકારણીઓને વચ્ચે લાવ્યા વિના આ સત્ય વિશાળ વાલી સમાજે સ્વીકારવું પડશે. નોકરીઓ છે, પણ બહુ ચુનંદી છે, એમાં ડિગ્રીધારીઓના વિશાળ સમુદાયને સમાવવા જેટલી તક નથી. આપણા દેશના સિત્તેર ટકા યુવાઓ કે જેઓ ભણેલા-ગણેલા છે તેઓ રોજગારી પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતા હોતા નથી.
હજુ આજે પણ એવા બેહોશ વાલીઓ છે કે જેઓ સગી આંખે જુએ છે કે આ વિદ્યાશાખામાં ભણીને યુવાનોને નોકરી મળતી નથી. છતાં પોતાના સંતાનોને એમાં જ ધકેલે છે. બ્રાન્ડેડ કોલેજોના પ્રચારાત્મક પ્લેસમેન્ટના આંકડાઓ પાછળનું સત્ય જાણવાની તેઓએ કદી તકલીફ લીધી નથી. આપણા વિદ્યાર્થીઓને એવી કોઈ કળા, આવડત, કારીગરી, કૌશલ કે હુન્નર શાળા- કોલેજો શીખવતી નથી કે જેનું નાણાંમાં રૂપાંતર થઈ શકે.
આનાથી દેશના સામાજિક જીવનમાં એક એવી નવી અરાજકતા શરૂ થઈ છે કે જેમાં કડિયા નાકે ઊભા રહી કામ શોધતા કામદારની આવકની તુલનામાં નવા ઇજનેરી સ્નાતકની આવક ઓછી છે અથવા નથી. એક તો દાદા આદમના જમાનાની આળસ હતી અને એમાં દિલધડક મનોરંજક મોબાઇલ હાથમાં આવી ગયો. નોકરી નથી, નોકરી નથી એવો પોપટપાઠ ઉચ્ચારતા લોકો પાસેથી એન્ડ્રોઇડ ફોન આંચકી લઈને તેઓને દસ કલાક લાયબ્રેરીમાં બેસાડવામાં આવે તો કંઈ ફેર પડે ? એ આત્મદર્શનનો વિષય છે.
શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે બહુ મોટી ખાઈ છે. જાણે કે કોઈ સંબંધ જ નથી. શિક્ષકો- અધ્યાપકો તો ઉદ્યોગ જગતની કોઈ વાત વર્ગખંડમાં કદી કરતા જ નથી. મહિનાના ચાર સપ્તાહમાં એક અઠવાડિયું તો વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ઇન્ટર્નશીપ આપવી જોઈએ. આપણા અભ્યાસક્રમમાં એટલી વ્યર્થ મેદસ્વિતા છે, એટલી સ્થૂળતા છે કે જે જ્ઞાન કદી કામમાં આવવાનું જ નથી એના સંખ્યાબંધ પાનાઓ વિદ્યાર્થીઓએ ભણવા પડે છે.
વિદ્યાર્થીઓની વૈચારિક દુનિયામાં જ બહારના વિશ્વનો પ્રવેશ ન થયો હોય તો સ્નાતક- અનુસ્નાતક થયા પછી તેઓ જ્યારે યુનિવર્સિટી બહાર એક કદમ ઉપાડશે ત્યારે જ તેઓને ખ્યાલ આવશે કે જોબ માર્કેટમાં કે માર્કેટમાં જગ્યા મેળવવી હશે તો હવે એકડે એકથી શરૂઆત કરવી પડશે.
ખબર પડે છતાં એવી વિધિસરની નવી શરૂઆત બધા કરી શકતા નથી અને એને કારણે તેઓના પાછલા અને આગલા બધા વરસો નિષ્ફળતાની ધાર પર ઊભા રહી જાય છે. જેમણે આ સ્થિતિ ભોગવવાની આવે છે તેમની સ્થિતિ દયાપાત્ર બની જાય છે.
સરકાર અને વિદ્યાસંસ્થાઓએ આ પ્રકારે ભણીને માર્કેટમાં આવી ગયેલ વિશાળ યુવા સમુદાયને હજુ પણ ઔદ્યોગિક શિક્ષા-દીક્ષા આપવા (પાછા બોલાવવા પડે તો બોલાવીને)નું અભિનવ વ્યવસ્થાતંત્ર ઊભું કરવું પડે.
જે વાલીઓ પોતાના સંતાનોની ભવિષ્યની જોબ, વ્યવસાય કે ઔદ્યોગિક એકમ માટે આગોતરી ગણતરી રાખતા ન હોય તેમને હવે ડિગ્રીદાયક સંસ્થાઓ કોઈ શુભ વૃત્તાંત આપવાની નથી. ગંભીર સંયોગો એ છે કે રખડુ વિદ્યાર્થીઓ ભણ્યા પછી ગોથા ખાય તે તો સ્વાભાવિક છે પરંતુ તેજસ્વી અને અઠંગ અભ્યાસીઓ પણ હવે નોકરીની તલાશ કરનારી લાંબી લાઇનમાં ઊભેલા જોવા મળે છે. દિવસો અને એમ વરસો પસાર થતાં વાર લાગતી નથી. જેઓ નોકરી- ધંધામાં મોડા ચડે છે તેઓ પર જિંદગીની અન્ય કેટલીક અંગત રોમાંચક સફર કરાવતી ટ્રેન ચૂકી જવાનું જોખમ રહે છે. આ બધા સમયના ડંકા છે જે યુવા જિંદગીને તો સર્વ દિશાએથી સંભળાઈ રહ્યા છે, પરંતુ એમને હૂંફાળો સાથ આપવા વાલીઓ, વિદ્યા સંસ્થાઓ અને રાજ્ય- કેન્દ્ર સરકારે કંઈક તો કરવું પડશે.
બીજી તરફ એ પણ સત્ય છે અને મધુર સત્ય છે કે સંખ્યાબંધ કંપનીઓમાં પ્રાઇમ પોઝિશનમાં નિષ્ણાત અને જવાબદાર કર્મચારી- અધિકારી- ટેકનિકલ સ્ટાફ માટે જગ્યાઓ ખાલી છે પરંતુ તેમની સમસ્યા એ છે કે તેઓને કામ જેમ તેમ ચલાવી આપે એવા લોકોની જરૂર નથી, તેઓને સંશોધનાત્મક વૃત્તિ ધરાવતી નવી પેઢીની પ્રતિભાઓની જરૂર છે. પ્રતિભા જન્મે તો હોતી નથી, અખંડ પરિશ્રમ અને અભ્યાસથી એ નિપજાવી શકાય છે. એટલે નવી પેઢી સામે પોતાનો જ ઉદ્ધાર પોતે કરવા જેવો આ નવો પડકાર પણ સામે જ ઉભેલો છે.