Get The App

એન્ટિબાયોટિકનો ઉત્પાત

Updated: Oct 23rd, 2018

GS TEAM

Google News
Google News
એન્ટિબાયોટિકનો ઉત્પાત 1 - image

કેટલીક દવાઓ એવી છે જે સ્વયં એક દર્દ છે. એન્ટિબાયોટિક દવાઓએ આખું જગત સર કર્યા પછી હવે તે અસ્તાચળના આરે છે, કારણ કે થોડાક જ વરસોમાં તમામ એન્ટિબાયોટિક જે અત્યારે મેડિકલ ચલણમાં છે તે સંપૂર્ણ બિનઅસરકારક બની જશે.

મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધારવામાં સફળ નીવડેલા તબીબી વિજ્ઞાન માટે નવી શ્રેણીની એન્ટિબાયોટિક દવાઓનું સંશોધન કરવું એક મોટો પડકાર છે. આજથી ૭૫ વરસ પહેલા જે એન્ટિબાયોટિક દવાઓનું ઉત્પાદન શરૃ થયું ત્યારે એની પાસે બધા જ રોગનો ઇલાજ ન હતો પરંતુ દુનિયાનો અનેક મહામારીઓનો ઉપાય હતો. ઝડપથી ફેલાતા અને વિરાટ જનસમુદાયને પોતાના સકંજામાં લઇ લેતા રોગ માટે તો એ દવાઓ રામબાણ નીવડી હતી. માણસજાત આખી જ્યારે પ્લેગ જેવા વિકરાળ રોગમાં હોમાવા લાગી હતી ત્યારે એન્ટિબાયોટિક એકમાત્ર આશાનું કિરણ હતી. એક વખતે તો સદીઓ પહેલા જ એક જ વરસમાં યુરોપમાં પ્લેગને કારણે અઢી કરોડ લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. એવી તો અનેક બિમારીઓ હતી કે જેનો ઉપાય અર્વાચીન યુગમાં એન્ટિબાયોટિકના આગમન પછી જ મળ્યો.

આજે તો એન્ટિબાયોટિકના ચાહકો અને ટીકાકારો એમ બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા છે. કેટલાક ડોક્ટરો પણ આ પ્રકારની દવાઓના આલોચકો બની ગયા છે. પરંતુ એ હકીકત છે કે આજ સુધીમાં આ એન્ટિબાયોટિક દવાઓ એજ કરોડો લોકોને રોગમાંથી ઉગારીને તેમની જિંદગી પાછી આપી છે.

નાની મોટી તો એવી હજારો તકલીફો માનવ શરીરને છે, જેમાંથી એન્ટિબાયોટિક મુક્તિ અપાવે છે. એની આડઅસરના નકારાત્મક પરિણામોનું વળી એક અલગ જ પ્રકરણ છે. દવાઓની અને અન્ય પ્રકારની એલર્જી થવાના કારણોમાં પણ એન્ટિબાયોટિકનું પ્રદાન જે છે, છતાં આ એવા પ્રકારની દવા છે જે સાવ સરળતાથી સર્વત્ર ઉપલબ્ધ છે.

પરંતુ હવે એન્ટિબાયોટિક એક સ્વયંસમસ્યા છે. એના સંશોધન - ઉત્પાદનની અત્યારે હીરકજયંતી મનાવવા જેવો અવસર છે, પણ એની ઉજવણી થોડી થાય ? સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે એનો ઉપયોગ બેફામ અને જરૃરિયાતથી તો ક્યાંય અધિક થઇ રહ્યો છે.

એનો વ્યાપ એટલો બધો છે કે હવે તો દૂધાળા પશુઓના દૂધમાં અને શાકભાજીમાં પણ એન્ટિબાયોટિક તત્ત્વો જોવા મળે છે. એક બહુ ફેલાઈ ગયેલી દવા છે. માણસજાતને હવે એમાંથી બહાર લાવવાનું કામ કઠિન છે. અનેક પ્રકારના કિટાણુઓએ આ દવા સામેની પ્રતિરોધક તાકાત કેળવી લીધી છે. હવે દવાની અસર ખરેખર ઘટવા લાગી છે.

અગાઉ તો કિટાણુઓ પર જેવી અસર ઓછી થવા લાગે કે તુરત જ નવી એન્ટીબાયોટિક બજારમાં આવી જતી હતી, જાણે કે એક યુટેડ જ ચાલતુ હતું.પરંતુ હવે એમાં એક નવી સમસ્યા ઉભી થઇ ગઈ છે.હવે કિટાણુ એવા થઇ ગયા છે કે જેને સુપરબગ કહેવામાં આવે છે. એના પર કોઈ એન્ટિબાયોટિકની કોઈ જ અસર થતી નથી.

બીજી બાજુ નવી એન્ટિબાયોટિક શોધવાનું કામ ઠંડુ પડી ગયું છે. કોઈપણ નવા ઔષધિય સંશોધનમાં વરસોના વરસો પસાર થતા હોય છે. કેટલીક એન્ટિબાયોટિક તો એવી છે કે જેના સંશોધનમાં તબીબી વૈજ્ઞાાનિકોએ દસ-બાર વરસ પસાર કરેલા છે. એનો ખર્ચ પણ ભારે હોય છે.

દવા પહેલીવાર બજારમાં આવે એ પહેલા જ એમાં એટલું જંગી રોકાણ થઇ ગયું હોય છે કે શરૃઆતમાં એની કિંમત બહુ ઊંચી આવે છે. કારણ કે સંશોધનનો બધો ખર્ચ પ્રારંભિક ઉત્પાદન ખર્ચ પર આવે છે અને એથી પડતર કિંમત ઊંચે જતી રહે છે. 

ઊંચા ભાવને કારણે એનો ઉપાડ બહુ થતો નથી.એટલે કેનવી એન્ટિબાયોટિક તૈયાર કરવાના કામને હવે ખોટના ધંધા તરીકે જ જોવામાં આવે છે. જ્યારે તબક્કાવાર પડતર કિંમત સરેરાશ નીચે આવે અને દવા જાણીતી થાય ત્યાં સુધીમાં તો રોગના કિટાણુઓ તેમની નવી પ્રતિરોધક તાકાત કેળવી ચૂક્યા હોય છે, એટલે કે નફો લેવાની મોસમ આવે ત્યારે એ દવા બિનઅસરકારક પુરવાર થવા લાગે.

આ કારણસર હવે કોઈ મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નવી એન્ટિબાયોટિક બનાવવામાં ઝંપલાવતી નથી.હવે કેટલીક નાની કંપનીઓ સંશોધનમાં વ્યસ્ત છે, પરંતુ એમના પ્રોજેક્ટ બજેટ પણ બહુ નાના હોવાથી પરિણામો સમયસર મળતા નથી. આ સર્વસંયોગોને કારણે હવે પરિસ્થિતિએ આવવાની છે કે જૂની એન્ટિબયોટિક નિષ્પ્રભાવક બની જશે અને એના વિકલ્પે નવી દવા બજારમાં આવી નહિ હોય. 

ત્યારે વિશ્વભરમાં એક પ્રકારની તબીબી તંગદિલી સર્જાશે. એન્ટિબાયોટિક વિના મેડિકલ પ્રેકટિસ તો ડોક્ટરોને પણ અસંભવ લાગે છે. માણસજાતને આ પ્રકારની દવાઓ વિના હવે ચાલે એમ નથી. આ સંજોગોમાં એન્ટિબાયોટિકની કટોકટી દર્દીઓને નવા સંકટ તરફ દોરી જશે. એ માટે સામાન્ય નાગરિકે પોતાના આરોગ્યની જાળવણી વધુ ગંભીરતાથી કરવા સિવાયના કોઈ વિકલ્પો નથી.

Tags :