Get The App

બજેટ માટે વ્યાયામ .

Updated: Jun 23rd, 2019

GS TEAM

Google News
Google News
બજેટ માટે વ્યાયામ                          . 1 - image



આંતરરાષ્ટ્રીય યોગ દિવસના બીજા જ દિવસે વડાપ્રધાન મોદીએ આગામી કેન્દ્રીય બજેટ માટેના સત્તાવાર બૌદ્ધિક વ્યાયામની શરૂઆત કરી. નીતિ આયોગના નેજા હેઠળ તેમણે દેશના ચાલીસ જેટલા અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો સાથે પારસ્પરિક ખુલ્લા મનની વિશદ ચર્ચાઓ કરી. દેશના નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આગામી પાંચમી જુલાઈએ મોદી સરકારની બીજી ઈનિંગનું પ્રથમ પૂર્ણકદનું બજેટ લોકસભામાં રજૂ કરશે. 

આ વખતના બજેટમાં કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલની પરદા પાછળની મહત્ત્વની ભૂમિકા છે. દેશમાંથી વિદેશી રોકાણકારો તેમના પોર્ટફોલિયા સંકેલવા લાગ્યા છે અને બજાર ઘેરી મંદીની દહેશતમાંથી પસાર થાય છે ત્યારે દેશ-વિદેશના અનેક આર્થિક હિત ધરાવતા પરિબળોની નજર આ બજેટ પર છે. આ બજેટ ઉતાવળમાં તૈયાર થઈ રહ્યું છે એટલે એ માત્ર ખાનાપૂર્તિની કસરત ન બની જાય તે જોવાનું રહેશે. જો કે મિસ્ટર મોદીની બજેટ વેળાની પ્રકૃતિ છેવાડાના નાગરિકને લાભાર્થી બનાવવાની રહી છે, એ લાક્ષણિકતા તો આ વખતે પણ જળવાશે.

નાના, વધુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તરફથી છેલ્લા એક સપ્તાહથી કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ રજૂઆતોનો લાંબો દૌર ચાલ્યો છે. એની ફલશ્રુતિ રૂપે બજેટમાં સરકાર કેવોક સકારાત્મક પડઘો પાડે છે તે જોવાનું રહે છે. ઈ.સ. ૨૦૧૫માં શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચાલુ કરવામાં આવી તે મુખ્યત્વે તો લઘુઉદ્યોગો માટે જ હતી અને હજુ છે, પરંતુ એની પ્રક્રિયા એટલી જટિલ છે કે વહીવટીય વૈતરણી પાર કરવા જતા માલિકો અર્ધપાગલ જેવા વ્યાકુળ થઈ જાય છે અને છેવટે નિષ્પ્રયાસી અભિગમે પાણીમાં બેસી જાય છે. મૂળભૂત રીતે આ એટલી સરસ વર્કિંગ કેપીટલ મેળવવા માટેની યોજના હતી કે શરૂઆતમાં તો લઘુ ઉદ્યોગોનો ઉદ્ધાર જ થઈ ગયો હોવાની હવા ફેલાઈ ગઈ હતી.

માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ ડિપાર્ટમેન્ટ (એમએસએમઈ) માત્ર નાના વેપારીઓ- નાના ઉત્પાદક સાહસિકો માટે કેન્દ્ર સરકારે રચેલો વિભાગ છે. આ વિભાગ ઈ.સ. ૨૦૦૬થી ચાલે છે, પરંતુ દોઢ દાયકાની લાંબી સફર પછી પણ ખરા અર્થમાં લઘુ ઉદ્યોગો માટે એની ઉપયોગીતા આંશિક જ પુરવાર થઈ છે. દેશના ત્રણ-ચાર કરોડ લોકોને લઘુઉદ્યોગો રોજગારી આપે છે. સૌથી નવાઈની વાત એ છે કે દેશમાંથી થતી કુલ નિકાસની ૪૫ % ઉત્પાદિત સામગ્રી આ નાના અને લઘુ ઉદ્યોગોમાંથી આવે છે.

એનડીએની ગત ટર્મમાં લઘુ ઉદ્યોગોને ફાયદો ઓછો અને નુકસાન વધુ થયું છે. નવી ટર્મમાં એ નુકસાનને ભરપાઈ કરવાની જવાબદારી નાણાં પ્રધાન સીતારામનની છે. એનડીએ સરકાર વિશે એક સામાન્ય છાપ એવી છે કે મહાકાય ઉદ્યોગપતિઓની આ મિત્ર સરકાર છે. એના શાસનમાં મોટા, વધુ મોટા થયા છે અને પૂર્વ નાણાંપ્રધાન જેટલીની અવકૃપાથી નાના, વધુ નાના થઈ ગયા છે.

છતાં લઘુ ઉદ્યોગ ક્ષેત્ર માટે આશાનું કારણ વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ છે. નીતિન ગડકરીની જેમ તેમની કોર્પોરેટ સમજણ અને નવા ઔદ્યોગિક ઉત્ક્રાન્તિવાદને આત્મસાત કરવાની ક્ષમતા વિશિષ્ટ છે. ચિદમ્બરમની જેમ કોમર્સ અને ઈકોનોમિક્સ બન્નેમાં તેમની આગવી દૃષ્ટિ છે.

ગયા વખતની ટર્મ કરતાં સાવ નવા જ પડકારોનો સામનો કરવાની જવાબદારી એનડીએને માથે આવી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની પ્રચ્છન્ન અથડામણો વધવાની છે અને એનો પ્રભાવ ભારતની આયાતી પેટ્રોલિયમ પેદાશો પર પડવાનો છે. ભારત સરકારે આયાતી તમામ ઓઈલ વાહક જહાજો ફરતે ભારતીય નૌકાદળના અજાયબ સુરક્ષાચક્રની વ્યવસ્થા કરી છે તો પણ જોખમ તો રહેવાનું છે. ખાડીના દેશોએ અનેક તંગદિલી ભોગવી છે અને એથી બીજા દેશોને આર્થિક ખાડામાં ઉતરવાના દિવસો પણ જોવાના આવ્યા છે, એ અખાતી ઈતિહાસ ભારત સરકારની નજર સામે જ છે.

અમેરિકાની ભારત તરફની છતી થતી કિન્નાખોરીને કારણે ભારતે અઘરા છતાં સ્પષ્ટ પગલા લેવાની તાકાત આ વરસે કેળવવી પડશે. ભારત-રશિયા- ચીનની જે નવી વ્યાપારિક ધરી રચાઈ રહી છે તેને સીધી રીતે ભારત પ્રોત્સાહન ન આપતું હોવા છતાં સંયોગો તો દેશને એ તરફ જ લઈ જઈ રહ્યા છે.

આ ધરીમાં રશિયા ભારતનો જૂનો મિત્રદેશ છે અને ચીન જુગજુનો શત્રુદેશ છે. ચીને પોતાના વ્યાપારિક સ્વાર્થ કાજે ભારતને દંડવત કર્યા વિના હવે ચાલે એમ નથી. અગાઉ મોરારજી દેસાઈને અને હવે નરેન્દ્ર મોદીને જે વાત ગળે નથી ઉતરી તે એ છે કે રશિયા-ભારતની મૈત્રી એટલી ગાઢ હોઈ શકે છે કે બન્ને દેશોને પછી દુનિયાની કોઈ ત્રીજી શક્તિ સામે ઝુકવાની જરૂર રહેતી નથી.

ઈન્દિરા ગાંધી આ વાત સમજતા હતા.કુદરતે ભારત અને રશિયા વચ્ચે પ્રાકૃતિક અને ભૌતિક સંપદાની જાણે કે એવી રીતે વહેંચણી કરી છે કે બન્ને એકબીજાના પૂરક છે. આજે આપણે ઈસરો માટે સ્વાભિમાનથી મુખરિત છીએ પરંતુ એના મૂળમાં દાયકાઓ સુધીની રશિયાની ટેકનોલોજિકલ હૂંફનું અદ્વિતીય યોગદાન છે. છતાં મોદી સરકાર વિદેશ નીતિને કેવો વળાંક આપે છે તે જોવાનું રહે છે. હવે આપણે એવા વળાંકે આવી ગયા છીએ કે વિદેશ નીતિની જરા સરખી ભૂલથી બજેટ અને અર્થતંત્ર હાલક ડોલક થઈ જાય.

Tags :