કેજરીવાલનો કરિશ્મા .
આ સપ્તાહની શરૂઆતમાં નવી દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે નોમિનેશન રેલી પાટનગરના રાજમાર્ગો પરથી પસાર કરી ત્યારે કોંગ્રેસ અને ભાજપ દંગ રહી ગયા. કેજરીવાલના હરીફ પક્ષો પાસે પ્રચાર કરવાના મુદ્દા અને મુસદ્દાની ભારે કટોકટી છે. વિકાસ શબ્દ અહીં ચાલે એમ નથી કારણ કે કેજરીવાલે છેલ્લા પાંચ વરસમાં ડબલ વિકાસ કરી બતાવ્યો છે.
હા, કેટલાક એવા અંતરિયાળ વિસ્તારો અહીં પણ છે જ્યાં એના ધારાસભ્યને લોકોએ પાંચ વરસમાં કદી જોયા નથી. પરંતુ એ સિવાય આમ આદમી પાર્ટીની સરકાર લોકપ્રિય છે. જે રીતે એક સમયે ગુજરાત મોડેલ તરફ દેશના બધા રાજ્યોનું ધ્યાન હતું એ રીતે હવે દિલ્હી મોડેલ તરફ બધાનું ધ્યાન છે. કેજરીવાલે રાજનીતિમાંથી પોતાનું ધ્યાન સતત રાજ્યના વહીવટમાં લગાડયું એના સુપરિણામો એમને અને દિલ્હીની પ્રજાને મળ્યા છે.
જ્યાં સુધી ભાજપ કેન્દ્રમાં પ્રભુત્વ ધરાવે છે ત્યાં સુધી તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો શક્ય નથી પરંતુ જો પોતે આ વખતે પણ જીતે તો એ માટે નવેસરથી કાનૂની જંગ લડવાની પ્રતિબદ્ધતા જાહેર કરી ચૂક્યા છે. ઈ. સ. ૨૦૧૫માં જ્યારે મોદીની લહેરો હજુ સજીવન હતી અને એમના ચહેરાનો પ્રભાવ તથા વિકાસ-વારતાઓની હવા નવી દિલ્હી પર છવાયેલી હતી ત્યારે પણ કેજરીવાલે પોતાનો સર્વોત્તમ દેખાવ કરીને આમ આદમી પાર્ટીને સિત્તેરમાંથી ૬૭ બેઠકો અપાવી હતી.
આ વખતે કેજરીવાલને વિશ્વાસ છે કે તેઓ પાર્ટીને ફરી સત્તામાં લાવી શકશે. કોંગ્રેસ અને ભાજપ પાસે મુખ્યમંત્રીના દાવેદાર તરીકે રજૂ કરવાનો કોઈ ચહેરો નથી એનો લાભ પણ કેજરીવાલને મળશે. ભાજપે કેજરીવાલ સામે સોશિયલ મીડિયા પર અપપ્રચારના કથાનકો વહેતા કર્યા છે અને કેટલીક વીડિયો ક્લીપ તો નાટયાત્મક રીતે કેજરીવાલનું અપમાન કરનારી છે. પરંતુ દિલ્હીના સ્થાનિક મતદાર પર એની બહુ અસર થાય એમ નથી.
દિલ્હીના મતદારોનો આમ આદમી પાર્ટી (આપ)નો અનુભવ ઘણો સકારાત્મક છે. આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી અને જાહેર સ્વચ્છતા વગેરે અનેક બાબતોમાં રાજ્ય સરકારે ખરેખર આમ આદમીની લાગણીને સ્પર્શ કર્યો છે. ભાજપના પ્રચારનો એક મુદ્દો એ છે કે કેન્દ્રમાં અને દિલ્હી રાજ્યમાં જો એક જ પક્ષની સરકાર હોય તો એક સૂર એક તાલ હોવાને કારણે દિલ્હી વધુ પ્રગતિ કરી શકે.
કેજરીવાલ માટે સૌથી મોટી સમસ્યા હવાનું પ્રદૂષણ છે. નિરંતર પ્રદૂષણ સામે લડત આપી હોવા છતાં સરવાળે એમાં ખાસ કોઈ ફેર પડયો નથી. આજે પણ દિલ્હીની સરકારી હોસ્પીટલોમાં આવતા દરદીઓમાં દસમાંથી સાત તો ફેફસા અને શ્વસનતંત્રની સમસ્યાઓ લઈને આવે છે. પાટનગરનો એકેએક નાગરિક વ્યાપ્ત પ્રદૂષણથી સખત ગભરાયેલો છે. એને સરકાર આશ્વાસન આપી શકી નથી એ હકીકત છે.
નાગરિકોના મનમાં પણ એ છાપ છે જ કે રાજ્ય સરકાર હવાના પ્રદૂષણ સામે કોઇ કાયમી ઉકેલ આપી શકી નથી. ઓડ-ઈવન સ્કીમની મજાક પણ ઓછી નથી થઈ અને તોય પ્રાસંગિક રીતે હવાને થોડીક વિશુદ્ધ કરવામાં એ યોજના કામમાં આવી છે અને એ સમયે તકલીફ વેઠીનેય લોકો એમ માનતા થયા કે સરકાર કંઈક તો કરે છે. એટલે હવાના પ્રદૂષણનો જે ધૂમાડો દિલ્હીના આકાશમાં છે એ સ્વાભાવિક રીતે જ કેજરીવાલના ચહેરાને પણ સહેજ ધુમ્મસ યુક્ત અને ઝાંખો પાડે છે.
એ ધૂમાડો આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એમને નડી શકે છે. કેજરીવાલ પોતે હરિયાણાના છે અને પંજાબી અને હરિયાણવી લોકોના દિલ્હીમાં ઠેર ઠેર પડાવ છે એટલે પ્રાદેશિક પ્રીતિનો થોડોક લાભ તો કેજરીવાલને મળતો જ રહ્યો છે જે એમની પ્રચાર ટેક્નિક જોતાં આ વખતે પણ મળશે પરંતુ માત્ર એટલાથી સરકાર રચી શકાય એટલી બેઠકો નહિ મળે. જેમ મોદી મેજિક હવે ઢળતા ઢાળે છે એમ કેજરીવાલનો વ્યક્તિગત જાદુ પણ અસ્તાચળના આરે છે.
પરંતુ જે કામ એમણે દિલ્હી સરકારના માધ્યમથી કર્યા છે એ એમની સાથે સત્કર્મની જેમ અવિચળ રહેશે. ભારતીય સંસ્કૃતિની મૂળ વિચારધારામાં આત્મા અને કર્મનો કદી વિનાશ થતો નથી. એ સત્કર્મો તરફ દિલ્હીના મતદારોનો ઝુકાવ હશે તો કેજરીવાલ ફરી એક વાર મુખ્યમંત્રી પદે આરૂઢ થશે. લોકપાલ માટેની એમની લડત, માહિતી અધિકારના કાયદા માટેના આંદોલનો અને ઉદ્યોગપતિઓ સામેની એફઆઈઆર સહિતના અનેક ક્રાન્તિકારી પ્રદાનો હવે સમયની રફતારમાં પ્રજા માનસમાં ફરી કામમાં આવે એમ નથી.
ગયા સોમવારે જે રેલીમાં સ્વયંભૂ બહુ વિરાટ જનમેદની જોડાઈ એમાં કેજરીવાલ સમયસર નામાંકન કરી શક્યા ન હતા. કારણ કે વિશાળ લોકસાગર ઓળંગીને ઓફિસે પહોંચવાનું તેમને માટે શક્ય ન હતું એટલે પછીના દિવસે મંગળવારે તેમણે ઉમેદવારી નોંધાવી. એ રેલીમાં સહજ રીતનો જે લોકજુવાળ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને નજરોનજર નિહાળવા મળ્યો એ એમને માટે પ્રારંભિક આઘાત હતો. આમ પણ છેલ્લા પાંચ વરસમાં ભાજપે કે કોંગ્રેસે અહીં નાગરિકો વચ્ચે આવીને લોકહિતના કોઈ જ કામ હાથ પર લીધા નથી. અને હવે તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે !