નમો-સ્તે મિસ્ટર ટ્રમ્પ
આજે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદમાં ઉતરાણથી તેમની દ્વિદિવસીય ભારતયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. ચીન જ્યારે કંઈક કુદરતી અને કંઈક સ્વસર્જિત એવા ઘેરા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે યોજાતી ભારત-અમેરિકાની આ મુલાકાત બહુ લાંબા વરસો સુધી પ્રભાવ પાડનારી નીવડશે. ભારતીય પ્રજાનું ધ્યાન ટ્રમ્પના સ્વાગત-સરભરા અને રાજાશાહી સ્વાગત-સુવિધા પર છે પરંતુ દુનિયાનું ધ્યાન દુનિયાના બે નવા પ્રકારના રાષ્ટ્રવાદી દેશવડાઓના સંમિલન તરફ છે. કારણ કે વિશ્વમાં એવા દેશોની સંખ્યા બહુ મોટી છે જે મિત્રભાવે કે શત્રુભાવે ભારતની સતત ઈર્ષ્યા કરતા આવ્યા છે. ભારતની પ્રગતિના સૌથી મોટા શત્રુ બ્રિટનને આ મુલાકાતથી સૌથી વધુ કષ્ટ પડી રહ્યું છે. આજકાલ બ્રિટિશ મીડિયા સતત ભારતની ટીકા કરવામાં વ્યસ્ત છે.
મિસ્ટર મોદીના વિધિન ધ નેશન માઇલેજ કરતાં આઉટ ઑફ ધ નેશન માઇલેજ વધારે છે. વડાપ્રધાન તરીકે તેમણે સંસદભવનમાં પ્રવેશ કર્યો એના પ્રથમ દિવસથી તેઓ દેશને સમજવા કરતાં બહારની દુનિયાને સમજવામાં વધુ વ્યસ્ત રહ્યા છે. અરવિંદ કેજરીવાલની વાત અલગ છે કે તેઓ પોતાના સામ્રાજ્યની બહાર ઈવન દેશમાં પણ ક્યાંય જલ્દી જવા ચાહતા નથી. કામ કરવાની દરેક નેતાની અલગ શૈલી અને અલગ પસંદગી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ દર્પણમાં જુએ છે ત્યારે એમને પોતાનામાં વિશ્વનેતાનો અણસાર દેખાય છે. એનો એક ફાયદો એ છે કે આજની દુનિયાના અનેક રાષ્ટ્રવડાઓ સાથે એમનો તાર બંધાઈ ગયો છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નમોથી નમો-સ્તે સુધી મુગ્ધ થઈ ગયા છે.
ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા અમેરિકાએ ભારતને તકલીફ પડે એવી પ્રવૃત્તિ કરી છે. ખુદ ટ્રમ્પે પણ છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન ભારતને આંચકો લાગે એવા અને કેટલાક તો તરંગી વિધાન કર્યા છે. અમેરિકાનો બાહ્યાચાર એમ કંઈ બેચાર પંક્તિ સાંભળવા કે વાંચવાથી ઓળખાય નહિ. ભૂલભુલામણીની ભીષણ ભરમારથી અમેરિકી વિદેશનીતિ ઘડાયેલી છે.
ભારત-અમેરિકાના સંબંધો છેલ્લા થોડા વરસોમાં ઘણા અપગ્રેડ થયા છે. એનું જ પરિણામ ટ્રમ્પની આ મુલાકાત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એ દેશની જ મુલાકાત લે છે જેની સાથે એના હવે પછીના દૂરોગામી હિતો જોડાયેલા હોય. સંરક્ષણ અને વિદેશી બાબતો પર બે-બે મંત્રીસ્તરીય વાટાઘાટો પણ યોજાવાની છે. બે દેશો વચ્ચેના સંબંધોમાં કેટલુંક અલિખિત પણ હોય છે જેને દસ્તાવેજી સ્વરૂપમાં આવતા ફરી થોડા મહિનાઓ લાગે છે.
સૌથી વધુ મહત્વની વાત-વાર્તા-વાટાઘાટો મિસ્ટર ટ્રમ્પ અને મિસ્ટર મોદી વચ્ચે છે. ટ્રમ્પ કેટલુંક ટેબલ પર બેસીને જોઈ શકે છે પરંતુ એથી અધિક એ મેદાનમાં ઉતરીને જોઈ શકે. ટ્રમ્પ એક ફિલ્ડ માર્શલ પ્રકારના નેતા છે. અકબર પાસે નવ રત્નો હતા એમ ટ્રમ્પ પાસે નવસો રત્નો છે. વ્હાઈટ હાઉસ સલાહકારોના વિરાટ કાફલાના ખભા પર ઊભું છે એટલે એ સૌથી ઊંચું છે અને દેખાય છે. હવે આવનારો જે સમય છે તે બહુ જ કોમ્પ્લિકેટેડ છે. જો આ પૃથ્વી પરના યોગ્ય રાષ્ટ્રો સાથે તમારો સંબંધ ન હોય તો બચવું મુશ્કેલ છે. માત્ર વ્યાપાર કે માત્ર સૈન્ય શક્તિથી પોતાની પ્રજાને સુખી અને સુરક્ષિત રાખી શકાય એ માન્યતા ગત વીસમી સદીની એક ભ્રમણા હતી. અમેરિકા એ ભ્રમથી મુક્ત છે અને બીજા દેશો ભારતને ઓળખે એનાથી તે વધુ આપણને ઓળખે છે.
ભારતને મહત્ત્વ આપવું જ પડે એવી હજુ આપણી હેસિયત ભલે ન હોય પણ ભારતની ઉપેક્ષા ન થઈ શકે એ પદ ઉપર તો આપણે વિશ્વ સમુદાય વચ્ચે બિરાજમાન છીએ જ. આપણે એક જ એવા દેશ નથી કે જેને પોતાના વિવિધ અનેક પ્રશ્નો હોય, એવા તો બધા જ દેશો છે. ઘેર ઘેર માટીના ચૂલા. વાસણ તો બધે ઘરે ખખડે. એ કોઈ સંકોચ કે અફસોસની વાત નથી. પરંતુ વિશ્વના નકશામાં ભારતીય અથવા ભારતીય મૂળના જે લોકો વિધવિધ ક્ષેત્રોમાં સર્વોેપરિ તરીકે છવાયેલા છે એ પણ આપણું ગૌરવ છે. ઉપરાંત મેઘધનુના રંગો જેવો જે બહુભાષી, બહુધર્મી અને બહુ સાંસ્કૃતિક સમાજ આપણે છીએ એનો પણ જગતમાં જોટો જડે એમ નથી. જે રીતે ટ્રમ્પ અને અમેરિકી વહીવટી તંત્ર ભારત સાથેના નવા વ્યાપાર કરાર અંગે નકારાત્મક સંકેતો આપે છે તે જોતાં એમ લાગે છે કે હમણાં કે બહુ નિકટના ભવિષ્યમાં વ્યાપાર કરાર તો થઈને જ રહેશે. ટ્રમ્પની આ મુલાકાતનું મુખ્ય ફલિતવ્ય એ જ હશે.
ટ્રમ્પ અને મોદીની રાષ્ટ્રપ્રેમની વિભાવનાઓ સરખી છે. તેઓ બન્ને પોતાના દેશની પ્રજાને રાષ્ટ્રવાદનું ટોનિક નિત્ય ચમચી-ચમચી પીવરાવતા રહે છે. ટ્રમ્પે અમેરિકનોને પોતાના દેશને ફરી સર્વોચ્ચ સ્થાન માટે ઝંખના આપી છે. એમની વિચારધારા સ્પષ્ટ છે કે અમેરિકામાં અમેરિકન જ કેન્દ્રમાં હોવો જોઈએ અને એ જ મુખ્ય લાભાર્થી બને. મોદીની વિચારધારામાં ભાજપ જે કંઈ કરે એને રાષ્ટ્રવાદની વ્યાખ્યા આપવાની તાલાવેલી હોય છે. આવા બે દિગ્ગજો મોટેરા સ્ટેડિયમમાં સંયુક્ત રીતે એક અર્થમાં આખા વિશ્વને સંબોધન કરશે તે જેટલો જિજ્ઞાાસાનો વિષય છે એટલો જ કૌતુકનો પણ વિષય છે. કારણ કે બન્ને ગ્રેટ શો મેન પણ છે.