જેટલીનું રિપેરિંગ ગેરેજ
નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા આજની તારીખ સુધી જીએસટી (વસ્તુ અને સેવા કરવેરા પ્રણાલિકા)માં રિપેરિંગ ચાલતુ જ રહ્યું છે. ગત શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ તેમણે પોતાની અનિચ્છાએ ત્રેવીસ વસ્તુઓ પરના કરવેરા ઘટાડવા પડયા.
આ સુધારાઓ પણ તેમણે એનડીએના ડૂબતા જહાજને ઉગારવાના પ્રયાસરૂપે કર્યા છે. છતાંય ૨૮ ટકાના સ્લેબમાં હજુ ૨૮ વસ્તુઓ તો રહી જ છે. જીએસટીની સૌથી મોટી કરૂણતા એ છે કે જે કર ભરવાના છે વેપારીઓે એનેે ભરે છે ગ્રાહકો.
માત્ર જીએસટીને કારણે ભારતીય ગ્રાહકની કુલ ખરીદ ક્ષમતામાં પણ ઘણો ઘટાડો થયો છે જેણે બજારમાં મંદીનું હવામાન ફેલાવ્યું છે. જેટલીએ પોતાની ભૂલોનો તો કદી એકરાર કર્યો નથી પરંતુ આ છેલ્લી મિટિંગમાં એમણે પોતાની મૂર્ખતાઓનું પ્રદર્શન ન થઈ જાય માટે સાવધાનીથી કહ્યું કે જીએસટીના દરને તર્કસંગત બનાવવા એક સતત પ્રક્રિયા છે ! આ તેઓની શીર્ષાસન કરવાની પદ્ધતિ છે !
જેણે ભાજપને સૌથી મોટી બદનામી આપી છે તે સિમેન્ટ પરના ૨૮ ટકા જીએસટીમાં તો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ પણ કોઈ ગેરેજમાં દુર્ઘટનાગ્રસ્ત વાહનને તમે લઈ જાઓ તો તબક્કાવાર એને રિપેર કરવામાં ટાઇમ તો લાગવાનો જ છે.
ભારતીય બાંધકામ ક્ષેત્ર પર જીએસટી અને રેરાના કાયદાઓ એટલા મોટા આઘાત છે કે તેમાંથી બહાર આવતા બિલ્ડરોને હજુ સમય લાગશે. નોટબંધીથી શરૂ થયેલી ઠંડક હજુ બજારમાં છે. છતાં બાંધકામમાં પાછલા ત્રણેક વરસની તુલનાએ હવે પ્રાથમિક તેજીનો પવન શરૂ થતો દેખાય છે.
સરકારના સતત નકારાત્મક વલણ છતાં બિલ્ડરો હવે નવેસરથી પોતાના પગ પર બેઠા થવા લાગ્યા છે. તમામ ભારતીય રાષ્ટ્રીયકૃત બેન્કોને હવે એ જ્ઞાાન લાધ્યું છે કે કંપનીઓની કૃતક ફાઈલોને કરોડો રૂપિયાની લોન આપવાને બદલે પોતાના સપનાનું ઘર ચણવા ઇચ્છતા નોકરિયાતને લોન આપવી વધારે સારી. ૯૯ ટકા ગૃહસ્થો અને ગૃહિણીઓ પોતે જે ઘરના છાંયે વસવાટ કરે છે એની લોનનો હપ્તો ભરવાનું કદી ચૂકતા નથી.
મોડે મોડે પણ બેન્કોનું ધ્યાન આ સેઈફ ઝોન તરફ ગયું છે અને આ જ્ઞાાન એને હજારો કરોડ રૂપિયામાં પડયું છે ! ચિક્કાર નુકસાન કર્યા પછી તેઓ પ્રજા તરફ વળ્યા છે. અરૂણ જેટલીએ રઘુરામ રાજનની વિદાય વખતે જ વડાપ્રધાન કાર્યાલયને સલાહ આપી હતી કે શશિકાન્ત દાસને રિઝર્વ બેન્કના ગવર્નર બનાવવામાં આવે.
શશિકાન્ત તેમના અંતરંગ મિત્ર પણ છે. પરંતુ ત્યારે તેમની એ દરખાસ્ત માન્ય ઠરી ન હતી, હમણાં ઉર્જિત પટેલની વિદાય વખતે કેન્દ્રને નાણાંની તીવ્ર જરૂરિયાત હતી ત્યારે આજ્ઞાાંકિત શશિકાન્ત દાસને નિયુક્ત કરવા અંગેનું પુન:પ્રસ્તુત સૂચન માન્ય થઈ ગયું. રિઝર્વ બેન્કના ઇતિહાસમાં લખાશે કે એક ઇતિહાસવિદ્ પણ આ બેન્કના ગવર્નરપદને શોભાવી ચૂકયા છે !
રિઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય વચ્ચે કહ્યાગરા કંથ જેવા શશિકાન્ત હવે સેતુરૂપ ભૂમિકા નિભાવવા લાગ્યા છે જે રિઝર્વ બેન્કની સ્વાયત્તતા માટે જોખમી છે. ડૉ. ઉર્જિત પટેલના કાર્યકાળમાં જ ભારતે નવી મુદ્રા નીતિના માળખાને અપનાવ્યું, જેમાંથી જ આખરે એ વ્યવસ્થા નીપજી આવી કે વ્યાજદર નક્કી કરવો એ એકલા ગવર્નરનું કામ નથી, પરંતુ એનો નિર્ણય છ સભ્યોની મુદ્રા નીતિ સમિતિ કરશે.
ડૉ. ઉર્જિતે બેન્કોને મોટા ડિફોલ્ટરો સામે લડવાના સાપપકડ સાણસાઓ તૈયાર કરાવ્યા અને એવી કંઇક ચોર કંપનીઓને ઢસડીને અદાલતમાં લઈ જવા બેન્કોને પ્રોત્સાહન અને કાનૂની તાકાત આપી. બેન્કોએ રિઝર્વ બેન્કને જે રિપોર્ટિંગ કરવાનું હોય છે એના નવા કઠોર માનદંડો એમણે દાખલ કર્યા અને ખાનગી બેન્કોના ઉપલા અધિકારીઓને પણ ગુનેગાર ઠરાવી શકાય એવી નીતિ દાખલ કરી.
રિઝર્વ બેન્કની સ્વાયત્તતા અને સુરક્ષા પરના કોઈ પણ દબાણને તેમણે ગણકાર્યું નહિ. પારસ્પરિક પત્રવ્યવહારોમાં તો તેમણે જેટલીના નાણાં મંત્રાલયને અનેકવાર તેની મર્યાદામાં રહેવાની આકરી ટકોર પણ કરી. ડૉ. ઉર્જિત પટેલનું જ્યારે વિદ્વત્તાપૂર્ણ સમયપસંદગી સાથેનું રાજીનામું પડયું ત્યારે જ રઘુરામ રાજને કહ્યું હતું કે એ ઉર્જિતનો વિરોધનો સૂર છે.
જ્યારથી શશિકાન્ત ગવર્નરપદે બિરાજ્યા છે ત્યારથી એનડીએ સરકાર રિઝર્વ બેન્ક પર પોતાનું વધુમાં વધુ પ્રભુત્વ સ્થાપવામાં લાગી પડી છે. અરૂણ જેટલી બુદ્ધિમાન તો છે જ, પણ જિદ્દી પણ છે એટલે પોતાના તમામ ખોટા નિર્ણયોને યોગ્ય ઠેરવવામાં જ તેમનો કાર્યકાળ પૂરો થઈ જવાનો છે. તેમની નાણાં પ્રધાન તરીકેની ફરજ અદા કરવાના છેલ્લા દિવસે પણ તેઓ પોતાના એકાદ છબરડાનો સુધારો તો જાહેર કરતા જ રહેશે.
જેને વ્યાવહારિક અર્થશાસ્ત્ર કહેવાય તેનાથી જેટલી સર્વથા અપરિચિત છે, એટલે જ તેમણે પારાવાર અને એય પહાડ જેવી મોટી ભૂલો કરી છે. નોટબંધીમાં મિસ્ટર મોદી પૂરા બદનામ થયા છે પરંતુ એ સૂચન કરનાર ખેલાડી તો મિસ્ટર જેટલી જ છે.