મમતા, હવે નથી ગમતા: પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાલત દિવસે-દિવસે અત્યંત ખરાબ થતી જાય છે અને તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાલત દિવસે-દિવસે અત્યંત ખરાબ થતી જાય છે અને તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ સિવાય બધે જ ધ્યાન આપ્યું છે એમ કહેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની વિદેશ પ્રવાસની જે પંચવાર્ષિક એવરેજ આવશે, તેટલી જ એવરેજ મમતાની દિલ્હીમાં રહેવાની આવે ! તેઓએ પશ્ચિમ બંગાળનાં લોકોના હોય તે સિવાયના પ્રશ્નો પર જ સદા ધ્યાન આપ્યું છે.
સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અંતર્ગત જે ચાલીસ લાખ ઘુસણખોરોની હાલત અદ્ધરતાલ થઈ ગઈ તેમને બચાવવા કૂદી પડેલા પડોશી રાજ્ય પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે મમતા પ્રથમ હતા. ત્યારે તેમને ખબર ન હતી કે આસામમાં રહેતા બાંગ્લા ઘુસણખોરોનો પક્ષ લેવાથી પશ્ચિમ બંગાળની પ્રજાના હૃદયમાંથી તેઓ નિષ્કાસિત થઈ જશે.
આજે હાલત એ છે કે આસામના એ ઘુસણખોરોના બાંગ્લા નેતાઓ કલકત્તામાં પડાવ નાંખીને બેઠા છે અને દરરોજ તેઓ મમતા બેનરજીને મળવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. દેખીતી રીતે વિચિત્ર લાગે તો પણ એ ચાલીસ લાખ લોકો મમતા બેનરજીને જ પોતાના ખરા નેતા અને ઉદ્ધારક માની રહ્યા છે એ ચાલીસ લાખમાંથી એક નાના ઝરણાં જેવો પ્રવાહ છાને પગલે પશ્ચિમ બંગાળમાં પ્રવેશવા લાગ્યો છે. બંગાળમાં પરાપૂર્વથી ઓલરેડી બાંગ્લા ઘુસણખોરો મોટી સંખ્યામાં છે જ, તેમાં હવે અસમિયા 'છાપ' બાંગ્લા ઘુસણખોરો ઉમેરાતા આ નવી ચિંતા સમગ્ર બંગાળી પ્રજામાં આગની જ્વાળાઓની જેમ ફેલાઈ ગઈ છે.
મુખ્યમંત્રી બેનરજીએ બાંગ્લા ઘુસણખોરોનો પક્ષ લેતા મૂળ બંગાળની વતની બંગાળી પ્રજા ખૂબ ખિન્ન થઈ છે. બંગાળમાં રહેલા ઘુસણખોરોને તો અગાઉ પણ મમતા જ મસીહા જેવા લાગતા હતા એટલે આસામની નવી ગરમાગરમ ચા ની 'તપેલી'માં મમતાએ હાથ ઝબોળવાની જરૃર ન હતી. ભાજપના તમામ સ્તરના નેતાઓ પશ્ચિમ બંગાળમાં સભાઓ યોજવા લાગ્યા છે અને તેઓ એક જ વાત કહે છે કે ઘુસણખોરો માટે આ દેશમાં જગ્યા નથી. મમતા બેનરજી આમ કહી શકતા નથી.
મમતા કહે છે કે માનવીય ધોરણે આ ચાલીસ લાખ લોકોને હાંકીને સરહદ પાર કરવા તે ભારત સરકારનો નૈતિક અપરાધ હશે, બંગાળી પ્રજા શાંત અને શીતળ સ્વભાવની છે. સામ્યવાદીઓ વર્ષો સુધી ટકી રહ્યા એનું કારણ બંગાળીઓની સુધારાવાદી, ઉદાર અને શાંતિપ્રિય વિચારધારા. જ્યોતિ બસુનો શાસનકાળ બંગાળી પ્રજાનો એક યાદગાર અધ્યાય છે.
આજના બંગાળનું જનજીવન પૂરેપૂરું ડહોળાઈ ગયેલું છે. ભાજપની યોજના છે કે બંગાળ અને આસામમાં ઘુસણખોરોની સમસ્યાને આ રાજ્યોની બેરોજગારીની સમસ્યા સાથે જોડી દેવી. એનાથી બહોળો સમુદાય ભાજપ થઈ જવાની પક્ષને આશા છે. કારણ કે એક બેરોજગાર પાછળ એનું આખું પરિવાર ઝાંખા થતા જતા સપનાઓ લઈને ઊભુ હોય છે. એક વાર બંગાળ અને આસામની પ્રજાને એ વાત ગળે ઉતરી જાય કે ઘુસણખોરો જશે એટલે આપણા યુવક-યુવતીઓને નોકરી મળી જશે - એટલે મત મેળવવા આસાન થઈ જશે, એમ ભાજપ માને છે. આ પણ હકીકતમાં તો એક નવી જ તરંગલીલા છે.
ભાજપે જે કેટલાક આબાદ તુક્કાઓ ઈ.સ. ૨૦૧૪ પૂર્વેના પ્રચારમાં લડાવ્યા હતા એવો જ આ એક તુક્કો છે. કારણ કે રોજગારી આપવી એ જુદા પ્રકારના આયોજન, દ્રષ્ટિ અને કુનેહનો વિષય છે જે એનડીએ સરકાર પોતાનામાં કેળવી તો શકી નથી, સાથીદારો પાસેથી મેળવી પણ શકી નથી. એનડીએના ઘટકપક્ષો વચ્ચેની એકસૂત્રતા તો તૂટતી જાય છે. સાથોસાથ ટોચના ભાજપના બીજી અને ત્રીજી હરોળના નેતાઓમાં પણ પારસ્પરિક મતમતાંતરો બહાર આવવા લાગ્યા છે.
ઈ.સ. ૨૦૧૯ માટેની પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને કારણે મમતા બેનરજીની બંગાળી પ્રજા વચ્ચે પ્રતિષ્ઠા ક્રમશ: ઘટતી રહી છે, તે ઘટાડો હવે ઝડપી બન્યો છે. આસામના ચાલીસ લાખ ઘુસણખોરોની પડખે ચડવા જતા બેનરજીએ ગંભીર અને લાંબાગાળાનું નુકસાન સહન કરવાની સ્થિતિ આવી છે. ગયા સપ્તાહે કલકત્તામાં પોતાને પણ ભવિષ્યમાં ઘુસણખોર કહી હાંકી મુકવામાં આવશે તો એવી દહેશત અનુભવતા લોકોનું એક સરઘસ મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું અને તેમના હાથમાં રહેલા બેનરોમાં મમતા બેનરજીને પોતાને સહાય કરવાની રજૂઆત કરવામાં આવી હતી, મૂળ બંગાળી પ્રજાએ પોતાનો અવાજ કે પ્રત્યાઘાત હજુ સુધી અવ્યક્ત રાખ્યો છે, પરંતુ પ્રજાજીવનના પ્રવાહો જ દર્શાવે છે કે મમતા હવે બંગાળી પ્રજાને નથી ગમતા.
અત્યાર સુધી મુસ્લિમોનું સતત તુષ્ટિકરણ કરતા હોવા છતાં મુખ્યમંત્રી બેનરજીએ નાગરિકોમાં સમતુલા ગુમાવી ન હતી, પરંતુ ચાલીસ લાખ ઘુસણખોરોના રાતોરાત એડવોકેટ બનીને એક પછી એક તર્ક રજૂ કરવામાં તેઓનું ચિત્ર હવે બાંગ્લાદેશી આગંતુકોના હિમાયતી અને મૂળ બંગાળીઓના વિરોધી જેવું ઉપસતુ જાય છે. બીજી તરફ સરહદી છ જિલ્લાઓમાં વસતા અનુસૂચિત જાતિના નાગરિકો અને શંકાસ્પદ ઘુસણખોરો, જેઓની સંખ્યા પણ લાખોની થાય છે તેમની લાગણી મમતાએ મેળવી લીધી છે.