મજબૂત વિપક્ષ નિશ્ચિત છે
લોકસભાની ચૂંટણીના ત્રણ રાઉન્ડ પુરા થયા. છતાં હજુ ભારતીય મતદારોનું મન ઓળખી શકાયું નથી. કારણ કે એક તો એનડીએ સરકાર સામેનો છેલ્લા પાંચ વર્ષનો દુઃખદ અનુભવ અને જીએસટી-નોટબંધીથી વ્યાપ્ત નારાજગી અને એની સામે ભાજપના પ્રતિપક્ષ સ્વરૂપે વિપક્ષોના ગઠબંધનની ન સર્જાયેલી એકતા. આને કારણે કોઈ પણ એક ટ્રેન્ડ બન્યો નથી.
વિધાનસભા ચૂંટણીઓમાં તો સ્થાનિક લોકોના ધસારાને જોઈને પણ લોકો અંદાજ કરી લેતા હોય છે કે પ્રવાહ કઈ તરફનો છે? પરંતુ આ વખતે એવો કોઇ અંદાજ કામ આવે એમ નથી, લોકસભાનો મતવિસ્તાર પાંચ કે છ ધારાસભા મતવિસ્તાર જેટલો હોય છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મોદીની સભામાં જેટલા લોકો છે એટલા લોકો તો હું પાનની દુકાને પાન ખાવા જાઉં ત્યારે મારી આસપાસ મને વીંટળાઈ વળે છે. અને એ તો આ વખતે હકીકત છે કે કોઈ પણ નેતાની સભામાં જેને સ્વયંભુ કહેવાય એવા શ્રોતાઓ તો છલકાઈ આવતા નથી.
ઉપરાંત વક્તા તરીકેની શ્રેણીમાં આવનારા નેતાઓ પાસે કોઈ જ પ્રકારનું વિઝન નથી. માત્ર મતદારોની લાગણી બહેકાવીને તેઓ જુદા જુદા બહાને મતની યાચના કરતા દેખાય છે. મોટા ભાગના નેતાઓ એકની એક ઘસાઈ ગયેલી રેકર્ડ ફરી ફરી વગાડે છે. જો કે ચૂંટણીનો આ અવસર નેતાઓના છેક તળિયે છુપાયેલા વિવેકને ઉપર સપાટી પર લઈ આવે છે. તકલીફની વાત એ છે કે તેઓને વિનમ્રતાની પ્રેક્ટિસ જ ન હોવાથી એવા દંભી લાગે છે કે તેઓ દરેક સભામાં પોતાના પક્ષના મતો ઘટાડીને જ જંપે છે.
વ્યર્થ આત્મવિશ્વાસના તેઓ એક્કા હોય છે. ખાનગી કંપનીઓમાં નોકરીઓ લેવા જતી નવી પેઢીએ મૌખિક ઈન્ટરવ્યૂના કેટલાક પાઠ તો આ મોસમમાં જ આ નેતાઓ પાસેથી શીખી લેવા જેવા છે જેમાં ધ્યાન એટલું જ રાખવાનું કે કંપનીના વિકાસ માટેના હળાહળ જુઠ્ઠા તરંગો વ્યક્ત કરવામાંથી અને સપનાઓના સોદાગર થવાની કુચેષ્ટાથી બચવું. કારણ કે સરવાળે એ તો ઘોર પતન અને આબરુનું લીલામ કરવાનો માર્ગ છે.
દરેક મતવિસ્તારમાં ચૂંટણી માટેનું વાતાવરણ જન્માવવામાં ઉમેદવારોને આ વખતે બહુ કષ્ટ પડયું છે. કાર્યકરો પણ પહેલેથી જ મહેનત વિના જ થાકેલા દેખાયા છે. કારણ કે શરૂઆતથી જ ચૂંટણીમાં એક પ્રકારની નિરસતા હતી. લોકોમાં ઉમંગ ન હતો. હવે ત્રણ તબક્કાનું મતદાન પૂરું થયા પછી વાતાવરણ જામે તો જામે. દર બે ત્રણ દિવસે એવી ઘટનાઓ બને છે કે મૂળભુત મુદ્દા અને મુસદ્દાઓ તરફથી લોકોનું ધ્યાન બીજે જ જતું રહે છે.
સરકાર ગમે તેની આવે તો પણ પાછલી એનડીએ સરકારનો ભારે ભરખમ આથક છબરડાઓના વારસો તો નવી સરકાર માથે આવવાનો જ છે. જેની શક્યતા હવે નહિવત છે એ એનડીએ કદાચ ફરી આવે તો પણ પાછલો વારસો જ એને જંપ લેવા ન દે અને નવા સંકટો ઊભા કરે. અને એક વાત તો આ વખતે સ્પષ્ટ છે કે કોઈની પણ સરકાર બને, એની સામે એક મજબૂત વિપક્ષ તો હશે જ. એક તરફી વાતાવરણ ન હોવાનો આ વખતે ભારતીય લોકશાહીને અણધાર્યો લાભ થવાનો નિશ્ચિત છે.
રાષ્ટ્રીય સ્તરના નેતાઓની સભાઓમાં જે રીતે માનવ મહેરામણ અગાઉ દેખાતું હતું એવું હવે નથી. કોંગ્રેસ અને ભાજપ બંનેની અનેક સભાઓમાં માત્ર કાર્યકરોના જ ટોળાવો જોવા મળેલા છે. જે જિલ્લામાં સભા થાય એ જિલ્લાના પક્ષના સંગઠનને સભાની સંખ્યા ઉભી કરવા માટે નાકે દમ આવી જાય છે. પાણીની જેમ તેઓ પૈસા વેરીને હાંફી હાંફીને થોડાઘણા લોકોને હાંકી લાવે છે.
વળી નેતાઓના ભાષણો ચાલુ હોય ત્યારે ટકટક, ચીંચીંચીં અને મધુમક્ષિકાઓનો ગણગણાટ તો ચાલુ જ રહે છે. ક્યારેક તો એવા અપમાનજનક સંયોગ ઊભા થાય કે નેતા મંચ પરથી જે બોલે તેમાંથી તેમને એકને જ જાણવાનું મળે. આવી કોલાહલીય સભાઓ છોડીને ધીરે રહીને સરકી જતા ભલભલા વક્તાઓ આ વખતે જોવા મળ્યા છે જે દર્શાવે છે કે જનમાનસ બદલાયું છે.
ભૌતિક રીતે તો કોઈ એક વ્યક્તિ દ્વારા મંચ પરની બીજી વ્યક્તિને લાફો મારવામાં આવે એને પ્રતીકાત્મક રીતે જુઓ તો પ્રજા કેટલીયે વાર પોતે જ ચૂંટેલા નેતાઓને મનોમન હજારો લાફા મારતી જ રહેતી હોય છે. કારણ કે નેતાઓની બુદ્ધિહીનતાનો આખરે તો પ્રજા જ ભોગ બનતી હોય છે.
લોકસભાની આ ચૂંટણીમાં અને ગત ચૂંટણીમાં થોડો તફાવત છે. ગયા વખતે લોકો ગરમાગરમ દૂધ એક જ ઝાટકે ગટગટાવી ગયા હતા ને આકંઠ પાન કરવામાં એવા તો દાઝી ગયા કે આ વખતે છાશને ય બે કલાક ફ્રિઝમાં રાખીને પછી જ પીવે છે. આ વખતની ચૂંટણીમાં સવારની હવા બપોરે અને બપોરની હવા સાંજે બદલાઈ જાય છે.
હવાને રૂખ બદલાતા વાર નથી લાગતી. આમ જોઈએ તો મિસ્ટર મોદી પાંચેય વર્ષ ચૂંટણી પ્રચારના મોડમાં જ રહયા છે. જ્યારે પણ બોલ્યા ત્યારે સભારંજનની અદામાં જ બોલ્યા છે. વિજય-પરાજયની દ્વિધામાં હવે તેઓ ગંભીર દેખાવા લાગ્યા છે.