ખાલી ખાલી ખુ(ર)શિયાઁ
દરેક મંત્રાલય અને દરેક પ્રકારની સત્તાના તીવ્ર કેન્દ્રીકરણનો દસકો અત્યારે ચાલી રહ્યો છે જેને ઘણાં મંદીયુગના નામે પણ ઓળખે છે. એવું લાગે છે કે પ્રજાને હસાવવાનું કામ પણ આ સરકારે સંભાળી લીધું છે. કેન્દ્રના કાયદામંત્રી એસ. રવિશંકર અનાયાસે હાસ્યની છોળો ફેલાવવામાં અગ્રેસર રહે છે. ' ત્રણ ફિલ્મો૧૨૦ કરોડ રૂપિયા કમાઈ ગઈ માટે ભારતના અર્થતંત્રની ગાડી પાટા ઉપર છે' આવું તેઓ ગંભીરતાપૂર્વક માનતા હતા. તેમના આ પ્રકારના બયાન ઉપર અનેક પ્રકારની રમૂજો બની જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રસરી ગઈ.
સપ્તાહ પહેલાં તેમણે પોતાના એ શબ્દો પાછા ખેંચ્યા છે. તો પણ ભારતના અર્થતંત્રને સુવર્ણમૃગ સરીખું બતાવવાની તેમની આદત વ્યસનમાં બદલાઈ ગઈ છે એવું લાગે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતમાં મંદી છે એવું કહ્યું તો તેઓ આઈએમએફના ધારાધોરણોને પણ જુઠ્ઠા કહે છે. નિર્મલાજી સહિતના આ બધા જ મહાનુભવોએ ઇકોનોમિક્સનું વિઝનરી જ્ઞાાન મેળવ્યું હોત તો દેશની આથક પ્રણાલિનો આ હદે રકાસ થયો ન હોત. એક પછી એક અનેક સિસ્ટમ તૂટી રહી છે અને તેય છાને પગલે.
હવે નેતાઓ કહે છે કે ફિલ્મો કંઈ દેશના અર્થતંત્રનું આકલન કરવાની પારાશીશી ન હોઈ શકે. જો તેઓ આવું ખરેખર માનતા હોય તો આપણા માટે એ ચિંતાજનક છે. કારણ કે ભારતમાં ફિલ્મો અને ક્રિકેટ કોઈ પણ સિસ્ટમનું આકલન કરવામાં કામ આવે એવા બે પ્રવાહો છે. ભારત સિવાયની દુનિયામાં ફિલ્મો સમાજનો આયનો હશે જ્યારે અહીં ફિલ્મો સમાજ-દેશને જોવા માટેનો ત્રિપાર્શ્વ કાચ છે. ત્રિપાર્શ્વ કાચ એટલે કે પ્રિઝમની આરપાર જોતા બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ પણ રંગીન દેખાય.
ભારતના અર્થતંત્રની બેહાલી એવી ફિલ્મી થઈ ગઈ છે કે એ ફિલ્મોરૂપી પ્રિઝમમાંથી જોતા પણ અર્થતંત્ર સિનેમાસ્કોપના પહેલાના જમાનાની સાયલન્ટ ફિલ્મો જેવું લાગે છે. ન સમજાય તેવું, અવાજ વિનાનું અને ક્યારેક હાસ્યાસ્પદ. અર્થતંત્રની ફિલ્મ જોવા માટે અંદર માંડ સાત પ્રેક્ષકો બેઠા છે. જ્યારે મિસ્ટર મોદી, તેમના મિત્ર ટ્રમ્પ અને મિત્ર જિનપિંગ સાથે થિએટરની બહાર રાબેતા મુજબ હાઉસફુલનું પાટિયું લગાવી રહ્યા છે.
પ્રજા કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ એવા જાહેર સ્થળનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરી રહી છે તેની આકારણી માટેની પરિભાષા છે - ફૂટફોલ. એટલે કે ભોમકા પરના મનેખ-પગલા. કેટલા લોકોના પગલાં થયા તેની ગણતરી ફૂટફોલમાં મપાય છે.
છેલ્લા દોઢ વર્ષથી ભારતના સિંગલ થિએટરો અને મલ્ટીપ્લેક્સના ફૂટફોલની સંખ્યામાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે. દોઢસો કે બસ્સો રૂપિયાથી ચાલુ થતી ટિકિટ અને ત્રણસો રૂપિયાના પૉપકોર્ન આજથી દોઢ વર્ષ પહેલા મધ્યમવર્ગને પ્રતિમાસ એક વખત પોષતા હતા. આજે એ ગુણોત્તર પ્રમાણ પ્રતિમાસમાંથી નીચે ઉતરીને પ્રતિ ત્રણ માસ ઉપર આવીને અટકી ગયો છે.
પ્રજાની ખરીદશક્તિ ઘટી છે અને તે રિટેલ માર્કેટ સિવાય બોક્સઓફિસ ઉપર પણ દેખાય છે. લોકો મોટા સ્ટારની ફિલ્મ માટે સહકુટુંબ મંગલયાનનું ચિત્ર ધરાવતી બે હજાર રૂપિયાની ગુલાબી નોટ ખર્ચવા કરતા ખાલી-ખાલી ગુલાબી ચિત્રો રજૂ કરતા વડાપ્રધાનના 'હાઉડી મોદી' કાર્યક્રમને મફતમાં જોવાનું વધુ પસંદ કરે છે. બજાર, થિએટર, મોલ, ઇ-કોમર્સ વેબસાઈટો, વાહન બજાર બધેથી ફૂટફોલ ઘટયા છે. આખી સિસ્ટમ એક સાહેબની ટીઆરપી વધારવામાં વ્યસ્ત હોય ત્યારે આવું જ થાય એમાં કોઈ અચરજ ન હોવું જોઈએ.
મંદીની અસર ફિલ્મો અને તેના કલેક્શન ઉપર બહુ રસપ્રદ રીતે થાય છે. બદલાતા આથક પ્રવાહો પ્રજાનો ફિલ્મો માટેનો ટેસ્ટ પણ બદલાવી નાખે છે. છેલ્લા ઘણા સમયથી શાહરુખ ખાન એક હિટ ફિલ્મની તલાશમાં છે તો સલમાન ખાન પણ પોતાની ફિલ્મો ઉપર બનતી જોક્સનો સામનો કરી રહ્યો છે. સુપરસ્ટાર ધરાવતી ફિલ્મોમાં જો સ્ટોરી અને સ્ક્રીપ્ટ પ્રજાને ગમે એવા ન હોય તો પ્રજા તેને સ્વીકારતી નથી.
સારી ફિલ્મોના રિવ્યૂ કરતાં ખરાબ ફિલ્મોનો નેગેટિવ ફિડબેક પાંખાળા ઘોડાની જેવા વેગથી પ્રસરે છે. ઓછા બજેટની સારી ફિલ્મો પ્રજા જોવાનું પસંદ કરે છે. એનું એક કારણ એ પણ છે કે આવી ફિલ્મોની ટિકિટનો દર આઘાત આપનારો નથી હોતો. ડ્રિમ ગર્લ, કબીરસિંઘ, સ્કાય ઇઝ પિંક જેવી ફિલ્મો આ કેટેગરીમાં આવે છે. બજેટ ઓછું હોવા છતાં સુપરડુપર હિટ રહે. એ વાત અલગ છે કે બજારના અધઃપતનને કારણે પ્રજાના ફિલ્મી ટેસ્ટનું ઉર્ધ્વગમન થયું છે.
અમેરિકામાં ૨૦૦૮ માં મંદી આવી તેની ઉપર ધારદાર ડોક્યુમેન્ટરી બની છે, ફિલ્મો બની છે. બેંકો અને સરકારની મિલીભગતની આકરી ટીકા કરતા ઘણા વીડિયો યુટયૂબ ઉપર ઉપલબ્ધ છે. ઓબામા તથા બુશ ઉપર દોષનો ટોપલો ઢોળાતો હોય એ રીતે ફિલ્મમેકરોએ ફિલ્મો બનાવીને રિલીઝ કરી છે.
ઘણી લોકપ્રિય ફિલ્મોમાં અમેરિકન મંદીનો ઉલ્લેખ પણ વક્રતા સાથે થયો છે. અત્યારે મુંબઇમાં એક કરતા વધુ ફિલ્મ ફેસ્ટિવલ ચાલે છે. કેટલી ફિલ્મો વર્તમાન સરકારની ટીકા કે આલોચના ઉપર બની છે ? સરકારના ગુણગાન ન ગાતી હોય એવી કેટલી ભારતીય ડોક્યુમેન્ટરી આપણે છેલ્લા પાંચ વર્ષમાં જોઈ શક્યા છીએ ? હિન્દી ફિલ્મ ક્ષેત્રના પ્રખ્યાત કલાકારો વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી પાડવામાં વ્યસ્ત છે