Get The App

કુછ કા સાથ, કુછ વિકાસ

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News

સંપત્તિની અસમાન વહેંચણી એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ભલે મૂડીવાદી માળખાની મર્યાદા હોય પરંતુ મૂડીવાદનો અર્થ સામંતશાહી તો નથી. મૂડીવાદ સદાય રાજ્ય કે સામ્રાજ્યનો ઉત્પાદકીય હસ્તક્ષેપ ઘટાડે છે અને વાણિજ્ય માટે તમામ નાગરિકને એક સમાન અધિકાર આપે છે. ચીને સામ્યવાદ પસંદ કર્યા પછી પણ એનું ઈકોનોમિક સ્ટ્રક્ચર તબક્કાવાર મૂડીવાદ તરફ ઢળી ગયું છે. 

રશિયન સરકાર એની પ્રજાના યોગક્ષેમનું વહન કરે છે પરંતુ ચીને તો કયારનીય એની પ્રજાને પડતી મૂકી છે અને મહેનતમાં સ્હેજ પાછા પડતા પરિવારોએ શહેરો છોડી દેવા પડે છે. છેલ્લા કેટલાક વરસોથી દેશમાં બહુ ગાજેલા જે નારા છે એમાં સબ કા સાથ - સબ કા વિકાસ પણ ગુંજે છે. પરંતુ વાસ્તવિકતા એનાથી સાવ અવળી છે. નવા સર્વેક્ષણ બતાવે છે કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે ભારતમાં ભાજપે કુછ ઉદ્યોગપતિઓ તરફ ઝુકાવ રાખ્યો હોવાને કારણે કુછ કા સાથ અને કુછ કા વિકાસ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

ભાજપે ઢોલ વગાડેલા જ્ઞાાનસૂત્રોને કારણે એક સમયે દેશની પ્રજાને એમ લાગતું હતું કે દેશના તમામ સ્તરના લોકોને વિકાસના સર્વ અવસરોમાં એકસમાન સહભાગિતા અને સમાન તક ઉપલબ્ધ થશે. એને કારણે સાર્વત્રિક પ્રગતિનો અનુભવ થશે પરંતુ એમ થયું નથી. અત્યારે દેશ સામે વિકાસનો મોકો મળવાની બાબતમાં ભારે અસમતુલા દેખાય છે. જેથી બેહદ નિરાશાજનક તસવીર પ્રગટ થઈ છે.

છેલ્લા થોડા વરસોમાં એનડીએ સરકારે એક પછી એક જે આથક અખતરાઓ કર્યા અને નાણાં તથા વાણિજ્ય મંત્રાલયની હાલત પ્રયોગશાળા જેવી કરી એનાથી વરસોથી સ્થાયી એવું વ્યાવહારિક અર્થતંત્રનું ચક્ર થંભી ગયું. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકારો અંગે અવાજ ઉઠાવતી રહેતી સંસ્થા ઑક્સફેમના નવા સંશોધનો પ્રમાણે ભારતમાં સંપત્તિઓ પરના નિયંત્રણની બાબતમાં દેશના એક ચોક્કસ ઉદ્યોગપતિ એવા નાનકડા વર્ગ પાસે દેશની વિરાટ સંપત્તિઓનું કેન્દ્રીકરણ થઈ ગયું છે.

વિકેન્દ્રિત વિકાસ તો બહુ દૂરની વાત છે. ટાઈમ ટુ કેર નામે જાહેર થયેલા આ સર્વેક્ષણ અને સંશોધન પ્રમાણે ભારતના એક ટકા સૌથી વધુ શ્રીમંત લોકો પાસે, દેશની ઓછી આવક ધરાવતી સિત્તેર ટકા વસ્તીની કુલ સંપત્તિથી ચારગણી કે તેથી વધુ સંપત્તિ છે. વિકાસની અનેક વારતાઓ અને કપોળ કલ્પિત કથાઓ વચ્ચે દેશની બહુધા સંપત્તિ બહુ થોડા લોકોના હાથમાં સરકી ગઈ છે.

આમ થવામાં સરકારની નીતિઓ પેલા થોડા હાથને માટે પ્રોત્સાહક નીવડી છે. દેશમાં બેન્કિંગ સેક્ટરમાં કોઈ આંતરપ્રિનિયોર કે નવા ઔદ્યોગિક સાહસિકની શું હાલત થાય છે એના પર એક શોર્ટ ફિલ્મ બનાવીને દેશને દેખાડવા જેવી છે. દેશના અર્થતંત્રમાં જેનું સાંઈઠથી સિત્તેર ટકા યોગદાન હતું એ લઘુઉદ્યોગો હવે હાંસિયામાં આવી ગયા છે એટલે એમનુ પર્ફોર્મન્સ પણ માજનલ છે.

અંદાજે બે વરસ પહેલા આ જ ઑક્સફેમ સંસ્થાએ પ્રગટ કરેલા અહેવાલમાં ભારતની અઠ્ઠાવન ટકા સંપત્તિ દેશના એક ટકા શ્રીમંત લોકો પાસે હતી. આ વખતનો અહેવાલ બતાવે છે કે એ અઠ્ઠાવન ટકાના હવે સિત્તેર ટકા થઈ ગયા છે. એટલે કે સંપત્તિનું કેન્દ્રીકરણ જોખમી રીતે વધ્યું છે.

ઉપરાંત દેશના આ જે એક ટકા આમીર લોકો છે એમની પોતાની વ્યક્તિગત સંપત્તિમાં ચાલીસ ટકાનો વધારો થયો છે. ગંભીર વાત એ છે કે છેલ્લા બે-ત્રણ વરસમાં સામાન્ય અને મધ્યમ સ્તરના લોકોની સંપત્તિ બહુ થોડા હાથમાં સરકી જવાની રફતાર એકાએક કેમ વધી ગઈ? દેશના ઓછામાં ઓછા ૭૫ ટકા લોકો એવા છે જેમની આથક હાલત છેલ્લા થોડા વરસોમાં કથળી છે અને હજુ તેઓ કળણમાં ફસાતા જાય છે. ભારતીય આબજોપતિઓ પાસે દેશના એક વરસના બજેટ કરતાંય વધુ સંપત્તિઓ છે.

સમતોલ વિકાસની વાતો કરનારા દેશ માટે આ સૌથી મોટું આશ્ચર્ય છે. આના પરથી જ સરકારની ખતરનાક નીવડેલી વિકાસ નીતિ વત્તા રાજનીતિનો અંદાજ લગાવી શકાય છે. કારણ કે વિષમ પરિણામો હવે સપાટી પર આવવા લાગ્યા છે. કોઈ પણ દેશમાં સંપત્તિના આવા કેન્દ્રીકરણનો પ્રભાવ તમામ ક્ષેત્રો પર પડે છે. એક ન દેખાય એવી આથક પરાધીનતાની બુનિયાદ આ રીતે છાને પગલે તૈયાર થાય છે.

નાણાંકીય બાબતોમાં પુખ્તતા અને પુખ્ત વિચારણા ન હોય એવા પરિવારો પણ ટકતા નથી તો એ પુખ્તતા વિના આ સરકાર હજુ પણ શા શા અભિનવ પ્રયોગો કરશે? - એ તો રામ જાણે ! એક તરફ માત્ર નફાખોરીના હેતુથી આગળ ધપતા એમ્પાયરોની સ્થિતિ મજબૂત બનતી જાય છે અને બીજી બાજુ સંસાધનોથી વંચિત લોકોના હાથપગ ઠંડા પડવા લાગ્યા છે. લોકશાહી દેશમાં વિકાસ નીતિ એ જગ્યાએ સ્થિર હોય છે જ્યાં બેઠા થવા મથતા આમ આદમીનો સંઘર્ષ ચાલુ હોય. દેશના સામાન્ય નાગરિકના સુખચેનના ભોગે વિરાટ મહાલયોનું પરિપોષણ કરવું એ લોકાભિમુખ અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનો આદર્શ ન હોવો જોઈએ.

Tags :