શ્રીલંકામાં હિંસાચાર
શ્રીલંકામાં ઇસ્ટરના ધર્મોત્સવ પ્રસંગે રવિવારે સવારે થયેલા શ્રેણીબદ્ધ ધડાકાઓનો મૃત્યુઆંક સતત ઊંચે જઈ રહ્યો છે, કારણ કે ઘવાયેલા નાગરિકોની સંખ્યા બહુ મોટી છે. શ્રીલંકામાં આ ઘટના સાવ તો અણધારી નથી જે રીતે લંકન સરકાર બતાવે છે. ઇસુના વીતેલા વરસમાં શ્રીલંકાના વિવિધ ચર્ચને ધમકીઓ આપવાની અને નાની અથડામણની કુલ ૮૬થી વધુ ઘટનાઓ સર્જાયેલી છે.
શ્રીલંકામાં ૨૦૦ ચર્ચના નેશનલ ક્રિશ્ચિયન મંડળે આ અંગે સરકારમાં ઉગ્ર રજૂઆતો પણ કરી હતી પરંતુ સરકારને એવી ધારણા ન હતી કે આવો ભીષણ હુમલો થશે. હોટેલોને નિશાન બનાવીને હુમલાખોરોએ ચર્ચ ઉપરાન્તનો જે મેસેજ આપ્યો છે તે આ ટાપુને વિશ્વના પ્રવાસન નકશામાંથી ભૂંસી નાંખવાનો છે. સમાંતર રીતે હુમલાઓ થયા તે બતાવે છે કે હુમલાખોર સંગઠન આયોજન, ફંડ, વ્યૂહરચના અને વિસ્ફોટકો અંગે સમૃદ્ધ જ્ઞાાન અને સાધનો ધરાવે છે.
દાયકાઓ સુધી ઇન્ડોનેશિયા એક રીતે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનું કાયમી કુરુક્ષેત્ર રહ્યુ. હવે પહેલાની તુલનામાં ત્યાં શાન્તિ છે પરંતુ ભીતર તો એની એ જ જૂની આગ ધરબાયેલી છે. શ્રીલંકામાં થયેલા હુમલાઓ આ દેશને ઇન્ડોનેશિયા જેવા સમરાંગણ બનાવવાની મુરાદ વ્યક્ત કરે છે, હુમલાખોરો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અને શ્રીલંકામાં તેઓ ભૂગર્ભમાં ખ્રિસ્તીઓ વિરોધી એક ઓપરેશનલ વિંગ પણ ધરાવે છે. ગઈ અગિયારમી એપ્રિલે શ્રીલંકન પોલીસે સત્તાવાર નોંધ સરકારને મોકલી હતી કે નજીકના ભવિષ્યમાં દેશના વિવિધ ચર્ચ પર આત્મઘાતી હુમલાઓ થવાની દહેશત છે.
જેને સરકારે બહુ કાને ધરી ન હતી. એ પત્રમાં કોલંબોના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલે સ્પષ્ટ લખ્યું હતું કે દેશમાં નેશનલ તૌહિદ જમાત દ્વારા રાષ્ટ્રવ્યાપી હુમલાઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી ગુપ્ત માહિતી છે. આજે વડાપ્રધાન વિક્રમસિંઘેએ એવી કબૂલાત પણ કરી કે હુમલો થવાનો છે એવી બાતમી હોવા છતાં કેમ પગલા લેવામાં ન આવ્યા એની પણ તપાસ કરવામાં આવશે ! વિક્રમસિંઘેની આ ટકોર હકીકતમાં મૈત્રીપાલા સિરિસેના કે જેઓ સશસ્ત્ર દળોના વડા પણ છે તેમની જાહેર ટીકા છે.
શ્રીલંકા નબળું પડે કે, ભીતરથી ભાંગે એમાં ચીન અને પાકિસ્તાન બન્નેને રસ છે. આંતરરાષ્ટ્રીય તખ્તા પર તો એ માન્યતા જ હજુ બળકટ દેખાય છે કે ચીને પાકિસ્તાનને ઇશારો કરીને સામાજિક વિઘટન કરાવવા આ હુમલાઓ કરાવ્યા હોઈ શકે. ગયા મહિને શ્રીલંકાના વિવિધ દરિયા કિનારેથી વિસ્ફોટકો અને શસ્ત્રસરંજામ ભરેલી બિનવારસી બોટ મળી આવી હતી અને એવા કિસ્સા એ એક જ મહિનામાં બે- ત્રણ વાર બન્યા હોવા છતાં સરકાર સાવચેત થઈ શકી નહિ.
શ્રીલંકામાં અત્યારે નેતૃત્વનું આંતરદ્વંદ્વ ચાલુ છે, એ મોકાનો લાભ લઈને આ ટાપુ પરના જનજીવનને વેરવિખેર કરવાનો વ્યૂહ ઘડવામાં આવ્યો હોય એવું દેખાય છે. અત્યાર સુધીમાં આ હુમલાઓ પાછળના મુખ્ય આતંકવાદી સંગઠન તરીકે આઠ- દસ જૂથોના જે નામ તરતા અને ડિલિટ થતા રહ્યા છે, પરંતુ એક વાત નક્કી છે કે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ આ હુમલાઓને અંજામ આપેલો છે. એક અંદાજ પ્રમાણે શ્રીલંકામાં ખ્રિસ્તી લોકોની સંખ્યા પંદર લાખથી વધુ જે જેમાં મુખ્યત્વે સિંહાલીઓ અને તામિલો છે.
આ ટાપુ અત્યારે સમુદ્રની જેમ જ આર્થિક સંકટોથી પણ ઘેરાયેલો છે. સ્વાભાવિક છે કે એના આ સંઘર્ષમય સમયમાં એની નજર ભારત પર હોય. ચીને એની મુળભૂત વૃત્તિઓનું અહીં વિકરાળ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ચીન પાસેથી લીધેલી એક આંતરમાળખાકીય લોન ભરપાઈ ન કરી શકવાને કારણે ચીને ૧૫,૦૦૦ એકર જમીન લંકાની ધરતી પરથી આંચકી લીધી છે.
હવે એના પર કાયમ ચીનની માલિકી અને ચીનનો પડાવ રહેશે. એ જમીન પર ચીન એક ઓબ્ઝરવેટરી સ્થાપવા ચાહે છે, જેના બહાને દક્ષિણ એશિયાના વિરાટ પર જાસૂસી કરી શકાય. સિરિયામાં રશિયાએ આ જ રીતે ઓબ્ઝરવેટરીઓ સ્થાપી હતી અને એમાંથી જ રશિયાએ સિરિયા પર પોતાનું ચિરંજીવી પ્રભુત્વ સ્થાપિત કરેલું છે.
શ્રીલંકન સુરક્ષાદળોને જેના પર દ્રઢ શંકા છે તે નેશનલ તૌહીદ જમાત (એનટીજે)ના મૂળ પણ આ ટાપુ પર ઊંડા છે. અને તૌહિદ-એ-જમાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. અગાઉ આ સંગઠન આઇ.એસ. સાથે પણ જોડાયેલું હતું. ઇ.સ. ૨૦૧૪માં આ જૂથે અનેક સ્થળે ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખંડિત કરી હતી, ત્યારે પણ શ્રીલંકન સરકાર આકરા પગલા લેવામાં નિષ્ફળ નીવડી હતી.
શ્રીલંકામાં પીસ લવિંગ (શાંતિ ચાહક) મુસ્લિમોનું એક વિખ્યાત સંગઠન છે, સૌથી પહેલા એણે જ નેશનલ તૌહિદ જમાત પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આ જમાતનો એક છેડો આપણા તામિળનાડુમાં પણ છે. ઇ.સ. ૨૦૧૭માં એણે કેટલાક તામિલ ખ્રિસ્તી લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવા હિંસક દબાણ કર્યું હતું. પછીથી ફરિયાદને આધારે પોલીસે આ જમાતના અપરાધીઓની ધરપકડ કરી હતી, જેઓ હજુ પણ જેલમાં છે.