મિઝોરમમાં ઊંચા ચઢાણ .
અંદાજે આઠ- નવ લાખની વસ્તી ધરાવતું પૂર્વોત્તર ભારતનું રમણીય રાજ્ય મિઝોરમ આજકાલ વિધાનસભા ચૂંટણી સંદર્ભના નગારાઓથી ગાજી રહ્યું છે.
માત્ર ૪૦ બેઠકોની અહીં વિધાનસભા છે. આખું રાજ્ય એક જ સંસદીય મતવિસ્તાર છે. એટલે કે એની પાસે લોકસભાની એક જ બેઠક છે. વિધાનસભા દ્વારા ચૂંટાતા રાજ્યસભાના એક સભ્ય પણ છે.
આઠ નાના- મોટા જિલ્લાઓ છે પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યો આપણા કચ્છથી પણ નાના છે.
મિઝો પ્રજાની સૌથી મોટી ક્ષમતા એની અભ્યાસ નિષ્ઠા છે. અહીં ભારતીય પ્રજાના સૌથી ઊંચા અક્ષરજ્ઞાાનનો લોકસમુદાય છે. સમગ્ર રાજ્ય એક પર્વતીય પ્રદેશ છે. ભાજપ અને કોંગ્રેસનો જંગ આ વખતે બરાબર જામવાનો છે જેમાં ભાજપ માટે સત્તાનું આરોહ બહુ કઠિન છે.
છતાં ભાજપે અહીં પહેલીવાર મિઝોરાજનો પૂર્ણ સત્તાનો સ્વાદ ચાખવા માટેનો રાજકીય વ્યૂહ અપનાવ્યો છે જેને કારણે સત્તાધારી કોંગ્રેસ સાવધાન થયેલી છે, ભાજપની પ્રવૃત્તિ અહીં પણ નેતાઓને ખરીદી લેવાની છે. હમણાં જ કોંગ્રેસી નેતા અને વિધાનસભા અધ્યક્ષને આ ટર્મના છેલ્લા દિવસોમાં રાજીનામું અપાવીને ભાજપે એના હાથમાં ભગવા રંગનો ઝંડો પકડાવી દીધો છે.
જો કે ભાજપનો ધ્વજરંગ હવે અગાઉની જેમ માત્ર ભગવો રહ્યો નથી, ચાલાકીપૂર્વક એમાં લીલો રંગ ઉમેરી દેવામાં આવ્યો છે. અને આ પણ હિન્દુઓના પક્ષની છાપ એને નુકસાન કરે છે એમ પક્ષના ટોચના જોડીદારો માને છે અને એટલે જ તેઓ હિન્દુવાદથી છેડો ફાડવાની પ્રયુક્તિઓ અજમાવી રહ્યા છે, મિઝોરમમાં તો તેમને પક્ષની આ નવી ગુપ્ત પોલિસીની વારંવાર જરૂર પડે છે કારણ કે અહીં ખ્રિસ્તીઓની બહુલતા છે.
છતાં પૂર્વોત્તર ભારતમાં વડાપ્રધાન મોદીએ જે સતત વગર ચૂંટણીના પ્રચાર પડઘમ છેલ્લા પાંચ વરસથી ચાલુ રાખ્યા છે એનો આંશિક પ્રભાવ તો તમામ પૂર્વોત્તર રાજ્યોની જેમ અહીં પણ જોવા મળે છે. સમસ્યા એ છે કે મિઝોરમની એંસી ટકા પ્રજા કૃષિનિર્ભર જિંદગી પસાર કરે છે, અને એટલે કેન્દ્રની એનડીએ સરકારની વર્તમાન નીતિના તેઓ ટીકાકાર છે.
મિઝોરમમાં ભાજપને પોતાનો પગદંડો જમાવવામાં જે પરિબળ નડે છે તે છે કોંગ્રેસી મુખ્યમંત્રી એલ. લથનહવલા. પ્રૂફ રીડરે અને વાંચકે બંનેએ ધ્યાન રાખવું પડે એવું અઘરું નામ છે. લથનહવલા ઓછી માયા નથી. એમનો જાદુ મિઝો પ્રજા પર અજબ છે. ઇ.સ. ૨૦૦૮માં કોંગ્રેસે એમના નેતૃત્વમાં પ્રચંડ વિજય હાંસલ કર્યો હતો.
ત્યારથી આજ સુધી તેઓ સળંગ મુખ્યમંત્રીપદ પર આરૂઢ છે. એમનો પોતાનો આગવો મિજાજ, પ્રતિભા અને કરિશ્મા છે. છેલ્લા એક દાયકાથી તો લથનહવલા જ મુખ્યમંત્રી છે એ પહેલા પણ તેઓ ઇ.સ. ૧૯૮૪થી ૧૯૮૬ સુધી અને પછી અને ફરી ૧૯૮૯થી ૧૯૯૮ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે ચાર વાર શપથ લેનારા લથનહવલા નવ- દસ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.
મિઝોરમનો રાજકીય ઇતિહાસ બહુ લાંબો નથી, અહીં વિધાનસભાની પહેલી ચૂંટણી ઇ.સ. ૧૯૮૭માં થઈ હતી. મુખ્યમંત્રી લથનહવલા ગઈ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ૪૦માંથી ૩૪ બેઠકો જીતી લાવ્યા હતા, એ સમયે રાજ્યના મુખ્ય વિરોધપક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને માત્ર પાંચ બેઠકો મળી હતી.
તા. ૨૮મી નવેમ્બરે થનારી ચૂંટણી જીતવા ભાજપ- કોંગ્રેસ છેલ્લી ઘડીની તનતોડ મહેનત કરતા દેખાય છે. મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ બન્ને રાજ્યમાં ભાજપ વિરોધી શોર મચાવી રહ્યા છે. મિઝો ફ્રન્ટ અને કોંગ્રેસ જ આજ સુધીમાં સત્તામાં હસ્તાંતરણ કરતા આવ્યા છે પરંતુ ભાજપે આ વખતે પોતાને સખત મહેનતથી વચ્ચે ઉતારવાનું કામ કર્યું છે, ભાજપની આશાનું એક માત્ર કારણ મિસ્ટર મોદીએ પૂર્વોત્તર ભારતમાં ફેલાવેલી વિકાસની હવા છે.
મિઝોરમમાં ૬૦ કિલોમીટરનું અંતર કાપવા તમારી પાસે કોઈ પણ વાહન હોય, ત્રણ કલાક તો લાગે જ છે. એવી અહીંની ભૌગોલિક સ્થિતિ છે અને વળી એવા જ રસ્તાઓ છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે મિઝોરમની પ્રજાને વિકાસની ભૂખ નથી.
એ પ્રકૃતિની બહુ જ નજીક છે અને જંગલો, નદીઓ, ઝરણાઓ તથા પંખીઓના કલશોર વચ્ચે એ મિઝો ભાષામાં ગીતો લલકારતી પોતાનું કૃષિકાર્ય કરતી રહે છે. સૂરજ બહુ જ વહેલો ઉદયમાન થાય છે અને બપોર ઢળતા પહેલાં તો અંધારાની શરૂઆત થઈ જાય છે.
મિઝોરમની પ્રજાની ઘડિયાળ સંપૂર્ણ પ્રકૃતિને આધીન છે. નવ- દસ લાખની વસ્તી અહીં પ્રશાંત જીવન વિતાવે છે. આ પ્રજાના અગાઉના નેતા લાલડેંગાને કોણ નથી ઓળખતું ? લોકોને સંપ, એકતા અને સખત કાર્યશીલતાના સંસ્કારો એ જૂની પેઢીના નેતાઓએ આપેલા છે.
મુખ્યમંત્રી લથનહવલા એ જ વૈચારિક પરંપરાના નેતા છે અને એને કારણે જ તેઓ લાંબી ઇનિંગ રમી રહ્યા છે. મિઝો પ્રજાને વ્યર્થ વચનાવલિથી મૂર્ખ બનાવી શકાય એમ નથી, કારણ કે આ અર્ધવનવાસીને અર્ધગ્રામવાસી જેવી પ્રજાની તર્કક્ષમતા અનૈ બૌદ્ધિક અભિગમ ઊંચા દરજ્જાના છે એટલે ભાજપ અહીં ફાવશે કે નહિ તે પરિણામ સુધી તો એ કોયડો જ રહેવાનો છે.