કારકિર્દી માર્ગદર્શન સમસ્યા
એ કેવી નવાઈની વાત છે કે આપણી શિક્ષણ સંસ્થાઓ સર્વોેત્તમ શિક્ષણ આપે છે અને મોટાભાગની નિષ્ઠાપૂર્વક પોતાની બ્રાન્ડ ટકાવી રાખવાય વિદ્યાર્થીઓને ભણાવે છે અને એના બૌદ્ધિક સ્તરને ઊંચે લઈ જાય છે. શિક્ષકો મહેનત કરે છે અને સંસ્થાઓનું મેનેજમેન્ટ જવાબદારી નિભાવે છે. આટલી મહેનત પછી પણ જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે તે બજારમાં પોતાની આવડતનું નાણાંમાં રૂપાંતર કરી શકતા નથી.
એમને તરત નોકરી મેળવવામાં તકલીફ પડે છે એનો અર્થ એ છે કે ઘણા બધા નાણાં પરિવારે ખર્ચ કર્યા હોવા છતાં અને વિદ્યાર્થીએ પોતે પણ ખૂબ મહેનત કરી હોવા છતાં આવવું જોઈએ એ પરિણામ નથી આવતું. સારી માર્કશિટ વિદ્યાર્થીના કરકમળમાં મૂકવામાં આવે છે પરંતુ ત્યાંથી તો એની એક નવી સમસ્યાની શરૂઆત થાય છે. ગુજરાત સહિત દેશના શહેરોમાં હવે કેરિયર ગાઈડન્સના ક્લાસિઝની નવી શૃંખલાઓ જોવા મળે છે.
રાજસ્થાનનું કોટા તો એ માટેનું એક રાષ્ટ્રીય તીર્થ બની ગયું છે. એવા ક્લાસિઝનું ત્યાં વિરાટ જંગલ છે. પરંતુ એ પ્રવાહમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને લાભ મળે છે. નાના તાલુકાઓ અને ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શનના અવસરો મેળવવા ક્યાં જાય ? અરે આપણા જિલ્લા કેન્દ્રોમાં પણ યોગ્ય માર્ગદર્શન માટે સરકારી કે ખાનગી વ્યવસ્થા નથી. માત્ર શિક્ષણ હવે કોઈ જ કામનું રહ્યું નથી એ જેટલું વહેલું સમજાશે તેટલો નવી પેઢીનો જલદી ઉદ્ધાર થશે.
શિક્ષણની મુખ્ય ધારામાં જ એટલે કે શાળા અને કોલેજની શૈક્ષણિક પ્રણાલિકામાં જ કારકિર્દી માર્ગદર્શનનો સમાવેશ થઈ જવો જોઈએ. શિક્ષકોએ પણ હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે તેઓ પોતે પણ દરેક વિદ્યાર્થી માટે મહેનત કરે છે એનું વિદ્યાર્થીને તો ફળ મળતું નથી. સો વિદ્યાર્થીઓમાંથી બે પાંચ જ એવા હોય છે કે જે પાંખો ફફડાવીને ચમત્કારિક રીતે ઊંચા ગિરિશિખરે પહોંચી જાય છે, પરંતુ બાકીના ૯૫ ટકા વિદ્યાર્થીઓ તો એક એવા ચકડોળમાં બેસે છે કે જેનો કોઇ આરો કે ઓવારો નથી.
ભવિષ્યની શિક્ષણ સંસ્થાઓમાં હાઈસ્કુલ સ્તરે જ કારકિર્દી માર્ગદર્શનનો એક તાસ તો દરરોજ રાખવો પડશે. કારણ કે આઠમા ધોરણમાં દાખલ થયેલા વિદ્યાર્થીને બારમા ધોરણ સુધીમાં કમ સે કમ એ તો ખબર હોવી જોઈએ કે એની પાસે પોતાના ભવિષ્ય માટેના કારકિર્દીના કેટલા વિકલ્પો છે ? જેથી એમાંથી એકાદ વિકલ્પ પસંદ કરીને એ દિશામાં વિદ્યાર્થીઓ પ્રગતિ કરી શકે.
ઉપરાંત વિદ્યાર્થીનું લક્ષ્ય નિર્ધારણ જો એડવાન્સ થઈ જાય તો વિદ્યાર્થીમાં એ માટેની યોગ્યતાઓ પણ એડવાન્સ કેળવાઈ જવા લાગે છે. આપણે ત્યાં વાલીઓ પણ પોતાના સંતાનોને કારકિર્દી માર્ગદર્શન આપવામાં બહુ પ્રમાદ સેવે છે.
આજની તારીખમાં પોતાનો હિસાબ વાલીઓ પોતે જ રાખે છે, બેંકમાં પણ પોતે જાય છે. અરે સંતાનો ૧૮ વર્ષના થાય પછી વહીવટ એને સોંપવો જોઈએ અથવા સોંપી જોવો જોઈએ. પોતાની પાસે થોડી પણ વધારાની રકમ હોય તો એને ત્રણ મહિનાની ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકાય છે અને એનું ચોક્કસ પ્રકારનું વ્યાજ પણ આવે છે. તે એક રસ્તો છે કે જેનાથી રૂપિયો મોટો થાય છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હોય છે. પછી રોકાણ કરવાના અને પોતાની ધનસંપત્તિ વધારવાના હજારો રસ્તાઓ ગુજરાતી પ્રજા પાસે છે જેમણે પોતાની પછીની પેઢીને આપવાના છે.
જે વાલીઓ પોતાના સંતાનોને ઘરની નાણાંકીય બાબતોથી અલિપ્ત રાખે છે એ જ વાલીઓ સંતાનો મોટા થાય ત્યારે કહે છે કે તેઓ કેમ કમાતા નથી? પરંતુ વિદ્યાર્થીને આથક સભાનતાની દીક્ષા આપવી એ તો પરિવારનું કામ છે. શિક્ષણ સંસ્થાનું એ કામ નથી. જોબ શબ્દ એજ્યુકેશન કરતા બહુ મોટો છે અને હવે તો એજ્યુકેશનથી પણ વધુ મહત્વના અગ્રતાક્રમમાં જોબ છે. આજે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીને જો તલાટીની પરીક્ષામાં પાસ થવા મળે તો તે પોતાની કોલેજ છોડી દેશે.
એક મહાન ટેકનિકલ અભ્યાસક્રમ પડતો મૂકીને એ વિદ્યાર્થી તલાટી મંત્રી તરીકેની રાજ્ય સરકારની જોબ પસંદ કરી લેશે કારણ કે હવે એને વાસ્તવિકતાનું ભાન થયું છે. માત્ર ભણવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી એમ આ પેઢી સમજવા લાગી છે અને એ સારું પણ છે. હવે ભણતા ભણતા ધારો કે ક્યાંક સારી નોકરી મળે છે તો ભણવાનું પડતું મૂકી દેવામાં આવે છે. કારણ કે આખરે ભણવાનું છે તો નોકરી માટે જ છે. અને જો એ નોકરી વહેલા મળી જતી હોય તો ભણવાની શી જરૂર છે? આ વિચારધારા આજના વિદ્યાર્થીની છે.
પરંતુ કોણ જાણે કેમ શિક્ષણ સંસ્થાઓ હજુ વિદ્યાર્થીઓ અને વાલીઓની મનઃસ્થિતિ સમજી શકી નથી. એ એને તાત્કાલિક સમજવાની જરૂર છે. ભલે ને અભ્યાસક્રમના રોજના ટાઈમ ટેબલમાં કારકિર્દી માર્ગદર્શનનો પિરિયડ ન પણ હોય. પરંતુ શાળા કે કોલેજ પૂરી થાય પછી દરરોજ એક કલાક તો એ માટેની વ્યવસ્થા રાખવી જોઈએ.
આમ ન થઈ શકવાનું એક કારણ એ પણ છે કે શિક્ષકોને જ કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયમાં કોઈ રસ નથી. ખરેખર તો આ વિષય જ રસની ખાણ છે અને એ જ તો હવે વાલીઓને અપેક્ષિત છે. ગુજરાતના વિદ્યાર્થીઓ હવે રેલવે ભરતી બોર્ડની ભરતી પ્રક્રિયાને સમજતા થયા છે. પરંતુ એ માત્ર આરંભ જ છે એ માટેની નિપુણતા મેળવવા માટે હજુ અનેક નિષ્ણાતોની નવી પેઢીને જરૂર પડશે. આપણી યુનિવસટીઓના કુલપતિઓ પણ કારકિર્દી માર્ગદર્શન અંગે ચૂપ છે જ્યારે કે એ એમની મહત્ત્વની જવાબદારી છે.